Alan Rickman Google Doodle : ગૂગલ ડૂડલ આજે અંગ્રેજી અભિનેતા એલન રિકમેનની યાદમાં છે. ચુંબકીય અવાજ અને જોરદાર અભિનય એમની ઓળખ હતી. હેરી પોટર અને ડાઇ હાર્ડ જેવી ફિલ્મોમાં પોતાના ઉત્કૃષ્ઠ અભિનયથી એમની કિર્તી પ્રખ્યાત છે. 1987 માં આ દિવસથી રિકમેને બ્રોડવે નાટક લેસ લાઇસન્સ ડેન્જરસથી અભિનયની કારકિર્દી શરૂ કરી હતી.
એલન રિકમેનનો જન્મ 21 ફેબ્રુઆરી 1946 માં ઇંગ્લેન્ડના વેસ્ટ લંડનમાં થયો હતો. નાનપણથી એમને ચિત્રકલામાં ભારે રસ હતો. જોકે બાદમાં પરિવાર અને શિક્ષકોના પ્રોત્સાહનથી અન્ય કલાઓમાં રસ દાખવતા ગયા. જે બાદમાં એમને અભિનય ક્ષેત્રે ખેંચી ગયો. શાળા કક્ષાએ નાટકમાં અભિનય કર્યા બાદ હાઇસ્કૂલમાં અભિનય ક્ષેત્રે એમની રૂચિ વધતાં એમણે સ્કોલરશિપ પણ મેળવી હતી.
હાઇસ્કૂલ બાદ રિકમેને ચેલ્સી કોલેજ ઓફ આર્ટ એન્ડ ડિઝાઇન અને રોયલ કોલેજ ઓફ આર્ટમાં ગ્રિફક ડિઝાઇનનો અભ્યાસ કર્યો. ગ્રેજ્યુએશન કર્યા બાદ તેમણે શૌકિયા ગ્રુપ કોર્ટ જ્રામા ક્લબમાં ભાગ લેતા લેતાં કોલેજના અંગત મિત્રો સાથે એક ડિઝાઇન કંપની શરૂ કરી હતી.
એલન રિકમેને 26 વર્ષની ઉંમરે ડિઝાઇનની કંપની છોડી પોતાનું ધ્યાન અભિનય તરફ કેન્દ્રિત કર્યું અને વિશ્વની ખ્યાતનામ અભિનય સ્કૂલ પૈકીની એક રાડામાં પોતાનું નામ કર્યું. થોડા વર્ષો પછી તે રોયલ શેક્સપિયર કંપનીમાં જોડાયા અને ધ ટેમ્પેસ્ટ અને લવ્સ લેબર લોસ્ટમાં દેખાયા. લેસ લાઇસન્સ ડેન્જરસ નાટકમાં એન્ટી હિરો લે વોકોમટે ડી વાલમોંટના રૂપમાં ઉત્કૃષ્ઠ અભિનય માટે તેમણે 1985 માં ગોલ્ડ મેડલ જીત્યો. આ નાટકની સફળતાને પગલે એમને ફિલ્મોની ઓફર આવવા લાગી.
1988 માં રિકમેને ડાઇ હાર્ડ ફિલ્મમાં ગુનાની દુનિયાના માસ્ટર માઇન્ડ હંસ ગ્રુબરનો રોલ કર્યો. જેને ફિલ્મ ઇતિહાસમાં વિલનના અભિનય તરીકે ઉત્કૃષ્ઠ ગણવામાં આવે છે. આ ફિલ્મની સફળતાને પગલે રિકમેનને રોબિન હુડ, પ્રિન્સ ઓફ થીવ્સ જેવી ફિલ્મો મળી.
સેન્સ એન્ડ સેંસિબિલિટી અને રાસપુતિન ડાર્ડ સર્વન્ટ ઓફ ડેસ્ટિની જેવી ફિલ્મોમાં એક નવી ઓળખ મળી. જે માટે એમને એમી અને ગોલ્ડન ગ્લોબ જેવા એવોર્ડ મળ્યા.
વર્ષ 2001 માં રિકમેને હેરી પોટર એન્ડ ધ ફિલોસોફર્સ સ્ટોનમાં સેવરસ સ્નેપનો રોલ કર્યો. જે ખૂબ વખણાયો. હેરી પોટરની સાત ફિલ્મોમાં એમની એક્ટિંગના ભારોભાર વખાણ થયા. જેણે એમને એક આંતરરાષ્ટ્રીય ઓળખ આપી.
અભિનય કારકિર્દી દરમિયાન રિકમેને ઘણા એવોર્ડ પોતાને નામ કર્યા. ત્રણ નાટક અને બે ફિલ્મો પણ બનાવી. ઓન સ્ક્રીન એમની ખૂંખાર ભૂમિકાઓ અને ધારદાર અભિનય તેમજ ઓફ સ્ક્રિન એમના દયાળું અને સંવેદનશીલ સ્વભાવ માટે સદાય યાદ કરવામાં આવે છે. એલન રિકમેનને એમના પ્રથમ અભિનય ક્ષેત્રે પદાપર્ણની 36મી વર્ષગાંઠ પર ગૂગલે ખાસ ગૂગલ ડૂડલ દ્વારા સ્મરણાંજલિ આપી છે. રિકમેને 30 એપ્રિલ 1987 ના રોજ અભિનય કારકિર્દી શરૂ કરી હતી. એલન રિકમેનનું નિધન 2016માં થયું હતું.