અમેરિકાએ કેનેડાના આકાશમાં 40000 ફૂટની ઉંચાઇયે ઉડી રહેલી એક અજાણી શંકાસ્પદ વસ્તુને તોડી પાડી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ટ્વિટર પર આ અંગેની માહિતી આપી છે. અમેરિકાના આકાશમાં ચીનના જાસૂસી બલૂન ઉડવાની ઘટના બાદ બિડેન પ્રશાસન ખૂબ જ સાવધાન છે.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્વિટર પર આ અંગેની માહિતી આપતા લખ્યું કે, અમેરિકાના એફ-22 ફાઇટર જેટે યુકોન ક્ષેત્રમાં ઉડતી કાર જેવી વસ્તુને તોડી પાડી છે. તેમણે કહ્યું કે કેનેડિયન સૈન્ય આ પદાર્થનો કાટમાળ મેળવશે અને તેનું વિશ્લેષણ કરશે. ટ્રુડોએ જણાવ્યું કે, તેમણે જો બિડેનને કેનેડાના આકાશમાં એક અજાણી વસ્તુ વિશે જાણ કરી હતી. તેના એક દિવસ બાદ અમેરિકા અલાસ્કા વિસ્તારમાં ઉડી રહેલી આ શંકાસ્પદ વસ્તુને તોડી પાડવાનો આદેશ આપ્યો. જો કે અમેરિકી સેનાએ આ અંગે કોઇ જાણકારી આપી નથી.
40,000 ફૂટની ઉંચાઈ પર ઉડી રહી હતી શંકાસ્પદ વસ્તુ
વ્હાઇટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જ્હોન કિર્બીએ જણાવ્યું હતું કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ છેલ્લા 24 કલાકથી અલાસ્કાના આકાશમાં ઉડી રહેલી એક શંકાસ્પદ વસ્તુ પર નજર રાખી રહ્યું છે. યુએસ નોર્ધન કમાન્ડને સોંપવામાં આવેલા ફાઇટર જેટ્સે આખરે 40000 ફુટની ઉંચાઇયે ઉડી રહેલી આ શંકાસ્પદ વસ્તુને તોડી પાડી દીધી છે. આ વસ્તુ નાગરિક ઉડ્ડયનની સુરક્ષા માટે ખતરો હતો.’
તેનો માલિક કોણ છે તે ખબર નથી : કિર્બી
કિર્બીએ વધુમાં કહ્યું કે, ‘પેન્ટાગોનની ભલામણ પર રાષ્ટ્રપતિ જો બિડેને સેનાને આવી શંકાસ્પદ વસ્તુ તોડી પાડવાનો આદેશ આપ્યો હતો.’ કિર્બીએ ઉમેર્યું કે અત્યારે અમે તેને ‘વસ્તુ’ કહી રહ્યા છીએ કારણ કે અમે અત્યારે કહી શકતા નથી કે શંકાસ્પદ વસ્તુ શું છે. અમે જાણતા નથી કે તેનો માલિક કોણ છે, પછી ભલે તે રાજ્યની માલિકીની હોય કે કોર્પોરેટની માલિકીની કે ખાનગી માલિકીની. અમને હજુ સુધી કઇ ખબર નથી.
કિર્બીએ કહ્યું કે બિડેન વહીવટીતંત્રને ખબર નથી કે આ વસ્તુની માલિકી કોની છે. તોડી પાડવામાં આવેલી આ શંકાસ્પદ વસ્તુનો કાટમાળ અલાસ્કાના ઉત્તર ભાગમાં આર્કટિક મહાસાગરમાં પડ્યો છે.
અમેરિકાએ થોડા દિવસ પહેલા જ એક જાસૂસી બલૂનને તોડી પાડ્યું હતું
થોડાક દિવસો પહેલા જ અમેરિકાના પરમાણુ મથકના વિસ્તારમાં એક ચીની જાસૂસી બલૂન જોવા મળ્યો હતો, જેને 4 ફેબ્રુઆરીએ અમેરિકન ફાઇટર જેટ દ્વારા ખૂબ જ વિચાર અને આયોજન કર્યા બાદ તોડી પાડવામાં આવ્યો હતો. ચીને તેને સિવિલ બલૂન ગણાવ્યું હતું. ચીન કહે છે કે બલૂન માત્ર હવામાન સંશોધન કરી રહ્યું હતું, પરંતુ પેન્ટાગોન તેને હાઇ ટેકનોલોજીવાળું જાસૂસી ઓપરેશન તરીકે ગણાવ્યું છે.