અમેરિકામાં વિમાન સેવામાં ગંભીર ખામી સર્જાતા મોટાભાગની પેસેન્જર ફ્લાઇટ કેન્સલ થઇ છે અથવા તો નિર્ધારિત સમય કરતા મોડી થઇ હોવાની એક અભૂતપૂર્વ ઘટના ઘટી છે. હાલ ઉપલબ્ધ માહિતી અનુસાર ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ FlightAware દર્શાવે છે કે બુધવારે સવારે 5.31 વાગ્યા સુધીમાં અમેરિકાની અંદર અને ત્યાંથી અન્ય દેશમાં જતી1230 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી છે. આ ખામીનું કારણ હજી સુધી જાણી શકાયુ નથી. મોટી સંખ્યામાં ફ્લાઇટ રદ થતા વિમાન મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
અપડેટ ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ FlightAware અનુસાર અમેરિકાની અંદર ઉડાન ભરનાર, અન્ય દેશોમાંથી આવતી અને અન્ય દેશ માટે ટેકઓફર થનાર લગભગ 1,230 ફ્લાઇટ્સ મોડી પડી છે અથવા તો કેન્સલ થઇ છે.
ફ્લાઇટ એડમિનિસ્ટ્રેશન સિસ્ટમમાં ખામી સર્જાઇ
બુધવારે અમેરિકાની નાગરિક ઉડ્ડયન નિયમનકારે જણાવ્યુ કે, યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) સિસ્ટમ, જે પાઇલોટ્સ અને અન્ય ફ્લાઇટ કર્મચારીઓને જોખમો અથવા એરપોર્ટની સુવિધા સેવાઓ અને સંબંધિત પ્રક્રિયાઓમાં કોઈપણ ફેરફારો વિશે ચેતવણી આપે છે તે અપડેટ કરેલી માહિતી આપી રહી નથી.
એક એડવાઈઝરીમાં, FAA એ જણાવ્યું હતું કે તેની NOTAM (નોટિસ ટુ એર મિશન) સિસ્ટમ “નિષ્ફળ” થઈ ગઈ છે. તે ક્યારે રિકવર થશે હાલ તેનો કોઇ અંદાજ નથી. FAAની વેબસાઈટ પર દર્શાવ્યા અનુસાર, અલબત્ત આ ખામી સર્જાઇ તેની પહેલા જારી કરાયેલા NOTAM હજુ પણ જોઈ શકાય છે.