/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/US-Govt-shutdown-looms.jpg)
US Govt Shutdown Looms: અમેરિકામાં સરકાર પર શટડાઉનનો ખતરો સર્જાયો છે.
US Govt Shutdown Looms: અમેરિકાની સરકાર પાસે ભંડોળ પૂરું થવાને આડે હવે એક જ દિવસ બાકી રહ્યો છે. આવી સ્થિતિમાં, કોંગ્રેસ ટૂંકા ગાળાની ભંડોળ યોજના બનાવવા માટે સંઘર્ષ કરી રહી છે. ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાવવામાં આવેલા સંભવિત બિલ સામેના વિરોધને પગલે યુએસમાં કેટલીક સરકારી કચેરીઓ બંધ થવાનો ભય છે. જો નવું બિલ 20 ડિસેમ્બર સુધી સંસદમાં પાસ નહીં થાય તો 21 ડિસેમ્બરથી ફંડના અભાવે ઘણી સરકારી ઓફિસો બંધ થઈ જશે. સત્તાવાર રીતે, તેને સરકારી શટડાઉન કહેવામાં આવે છે.
ગુરુવારે રાત્રે, રિપબ્લિકન રિવાઇઝ્ડ ખર્ચ યોજના (જે સરકારના શટડાઉનને ટાળી શકી હોત) ગૃહમાં પસાર થઈ શકી ન હતી. તેને પસાર કરવા માટે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બે તૃતીયાંશ બહુમતીની જરૂર હતી, પરંતુ ડેમોક્રેટ્સની બહુમતી સાથે 38 રિપબ્લિકન્સે આ ખરડાની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.
ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રિપબ્લિકન હાઉસના સ્પીકર માઇક જ્હોનસન દ્વારા ડેમોક્રેટ્સ સાથે અગાઉ કરવામાં આવેલી ફંડિંગ ડીલને નિષ્ફળ બનાવી હતી. ટ્રમ્પે દ્વિપક્ષીય સોદાની નિંદા કર્યા પછી, ટેક અબજોપતિ એલોન મસ્કે આ પગલાની આકરી ટીકા કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મંજૂર કરવામાં આવેલા રિપ્લેસમેન્ટ બિલથી સરકારના ભંડોળને ફેડરલ દેવાની ટોચમર્યાદાના બે વર્ષના સસ્પેન્શન સાથે જોડવામાં આવશે, જે નક્કી કરે છે કે સરકાર તેના બિલોની ચુકવણી માટે કેટલું ઉધાર લઈ શકે છે. હાઉસ માઇનોરિટી લીડર હકીમ જેફરીઝ, જે ચેમ્બરમાં ટોચના ડેમોક્રેટ છે, તેમણે આ દરખાસ્તને હાસ્યાસ્પદ ગણાવી હતી.
'જો તેઓ અમારા પર વધુ ટેરિફ લાદશે, તો અમે તેમના પર પણ તે જ લાદીશું': ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને
જો બિલ પાસ ન થાય તો?
સરકારનું વર્તમાન ફંડિંગ 20 ડિસેમ્બરના યુએસ સમયની રાત્રે સમાપ્ત થાય છે. આ પછી ક્રિસમસ હોલીડે સુધી સંસદ બંધ રહેશે. જો તે પહેલા ફંડિંગ બિલ પાસ નહીં થાય તો સરકારે હજારો ફેડરલ કર્મચારીઓને રજા પર મોકલવા પડશે અને ઘણી સેવાઓમાં કાપ મૂકવો પડશે.
સરકારી શટડાઉન શું છે?
જ્યારે ફેડરલ સરકારને ચલાવવા માટે જરૂરી ભંડોળ ખાલી થઇ જાય છે ત્યારે સરકારનું શટડાઉન થાય છે. અમેરિકન કોંગ્રેસ (સંસદ) ફંડિંગ બિલ પાસ નહીં કરે તો ઘણી સરકારી સેવાઓ ઠપ થઈ જશે. આ પહેલા અમેરિકામાં ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન 35 દિવસ સુધી સરકારી શટડાઉન રહ્યું હતું. ત્યારે લગભગ 8 લાખ જેટલા સરકારી કર્મચારીઓ પગાર વગર કામ કરતા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us