નાની બચત યોજનાઓ ઘણા બધા લોકોને આકર્ષે છે અને પાછળ ઘણા કારણો છે. સૌથી પહેલું નાની બચત યોજનાઓમાં કોઈ જોખમ હોતું નથી અને બીજું અહીં તમને ખાતરીપૂર્વક ચોક્કસ રિટર્ન પણ મળે છે. 31 માર્ચ, 2023ના રોજ સરકારે ઘણી નાની બચત યોજનાઓ પરના વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે, તેની સાથે સાથે નિયમો પણ બદલ્યા છે. નવા નિયમ અનુસર જો તમારી પાસે પાન કાર્ડ અને આધાર કાર્ડ નથી તો તમે નાની બચત યોજનાઓમાં રોકાણ કરી શકશો નહીં.
PPF, NPS, SCSS, પોસ્ટ સેવિંગની યોજનાઓ માટે PAN – આધાર ફરજિયાત
નાણા મંત્રાલયે આ અંગે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, સુકન્યા સમૃદ્ધિ યોજના, પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ અને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ જેવી નાની બચત યોજનાઓમાં રોકાણ કરવા માટે હવે પાન કાર્ડ અને આધાર કાર્નેડ ફરજિયાત બનાવવામાં આવ્યા છે. નો યોર કસ્ટમર એટલે કે KYC પ્રક્રિયા દ્વારા આ ફરજિયાત કરવામાં આવ્યું છે.
આધાર કાર્ડનો નવો નિયમ
જો તમે નાની બચત યોજનાઓમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારી પાસે આધાર અને પાન કાર્ડ હોવું જરૂરી છે. જો કે, જેમની પાસે હજુ સુધી આધાર અને PAN નથી તેમને સરકારે રાહત આપી છે. જો તમારી પાસે આ બે જરૂરી ઓળખ કાર્ડ નથી, તો તમે PPF, NSC, SCSS વગેરે જેવા સ્મોલ સેવિંગ્સ એકાઉન્ટમાં ખાતું ખોલાવી શકો છો. પરંતુ 6 મહિનાની અંદર તમારે આધાર કાર્ડ અને પાન કાર્ડનો નંબર આપવો પડશે. જો આધાર નંબર નથી, તો તમે આધાર એનરોલમેન્ટ નંબર પણ આપી શકો છો. તેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023 છે. જો તમે તે દિવસ સુધીમાં આધાર નંબર નહીં આપો તો તમારું એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવશે.
PAN કાર્ડ અંગેનો નવો નિયમ
નાણા મંત્રાલય અનુસાર, નાની બચત યોજનાઓમાં બચત કરવાનું એકાઉન્ટ ખોલાવવા માટે તમારે પાન કાર્ડ નંબર આપવો પડશે. જો કે, આમાં પણ સરકારે તમને પાન કાર્ડ બનાવવા માટે સમય આપ્યો છે. જો કે આધાર કાર્ડની જેમ છ મહિના નહીં પરંતુ પાન કાર્ડ માટે માત્ર 2 મહિનાનો સમય આપ્યો છે. જો તમારા એકાઉન્ટમાં 50000 રૂપિયાથી વધારે પૈસા છે અથવા જો નાણાકીય વર્ષમાં તમારા ખાતામાં 1 લાખ રૂપિયાથી વધારે રકમ જમા થાય અથવા દર મહિને ઉપાડ 10 હજારથી વધારે થઇ જાવ તો, તમારે બે મહિનાની અંદર પાન કાર્ડ નંબર આપવો પડશે.