ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રૂપની શેરબજારમાં લિસ્ટેડ અદાણી એન્ટરપ્રાઇસ, અદાણી પોર્ટ્સ- સેઝ સહિતની કંપનીઓના શેરમાં તેજીની સર્કિટ જોવા મળી હતી. આ સાથે જ હિંડનબર્ગ રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની કંપનીઓ માટે આજનો દિવસ સૌથી બેસ્ટ સાબિત થયો હતો. લિસ્ટેટ કંપનીઓના શેરમાં ઉછાળાને પગલે લગભગ ત્રણેક મહિના બાદ અદાણી ગ્રૂપની માર્કેટકેપ 10 લાખ કરોડ રૂપિયાના આંકને વટાવી ગઇ હતી.
અદાણી એન્ટરપ્રાઇસમાં તેજીની અપર સર્કિટ
સોમવાર શેર બજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રૂપના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઈઝના શેર આજે ઇન્ટ્રા-ડે 2344 રૂપિયાની ટોચ બનાવી સેશનના અંતે 19 ટકાની તેજીમાં 2325 રૂપિયાના ભાવે બંધ હતો. જે ફેબ્રુઆરી પછીનો સૌથી ઉંચો ભાવ છે. તેના શેર ગત શુક્રવારે 1956 રૂપિયાના ભાવે બંધ થયો હતો. શેરબજારમાં લિસ્ટેડ અદાણી ગ્રૂપની તમામ કંપનીઓના શેરમાં ઉપલી સર્કિટ સાથે આજે લાલધૂમ તેજી જોવા મળી હતી.
અદાણી ગ્રૂપની અન્ય કંપનીઓની વાત કરીયે તો આજે અદાણી એન્ટરપ્રાઇસ બાદ સૌથી વધુ વધનાર સ્ટોક અદાણી વિલ્મર હતો. અદાણી વિલ્મરનો શેર સોમવારે 10 ટકાની તેજીની સર્કિટ સાથે 444 રૂપિયાના ભાવે ફ્રિજ થયો હતો. અન્ય 7 કંપનીઓના શેરમાં 5 ટકાની તેજીની સર્કિટ લાગી હતી. નોંધનિય છે કે, આજે સોમવારે બેન્ચમાર્ક બીએસઇ સેન્સેક્સ 234 પોઇન્ટ વધીને 61963 અને એનએસઇ નિફ્ટી ઇન્ડેક્સ 111 પોઇન્ટના સુધારામાં 18314ના સ્તરે બંધ થયા હતા.
કંપનીનું નામ | બંધ ભાવ(₹) | ઉછાળો | માર્કેટકેપ (₹ કરોડમાં) |
---|---|---|---|
અદાણી એન્ટરપ્રાઇસ | 2325 | 18.84% | 265112.96 |
અદાણી વિલ્મર | 444.40 | 10.00% | 57757.72 |
અદાણી પોર્ટ-સેઝ | 729 | 6% | 157614.54 |
અદાણી પાવર | 248 | 5% | 95652.09 |
અદાણી ટ્રાન્સમિશન | 825 | 5% | 92067.19 |
અદાણી ગ્રીન એનર્જી | 942 | 5% | 149279.22 |
અદાણી ટોટલ ગેસ | 721 | 5% | 79334.80 |
અંબુજા સિમેન્ટ | 423 | 5% | 84111.93 |
એનડીટીવી | 186 | 5% | 1202.07 |
એસીસી સીમેન્ટ | 1814 | 5% | 34079.63 |
અદાણી ગ્રૂપનું માર્કેટકેપ 10 લાખ કરોડનો પાર
લિસ્ટેડ કંપનીઓના શેરમાં તેજીની સર્કિટ સાથે અદાણી ગ્રૂપનુ સંયુક્ત માર્કેટ 10 લાખ કરોડ રૂપિયાના આંકને વટાવી ગયુ છે. હિંડનબર્ગ રિસર્ચ વિવાદ અદાણી ગ્રૂપના શેર સતત કડાકાને પગલે અદાણી ગ્રૂપનું સંયુક્ત માર્કેટકેપ ઘટીને 6.8 લાખ કરોડને તળિયે આવી ગયું. જ્યારે હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ સામે ગંભીર આક્ષેપ કરતો રિપોર્ટ જાહેર કર્યો હતો તે દિવસ અદાણી ગ્રૂપની સંયુક્ત માર્કેટકેપ 19.2 લાખ કરોડ રૂપિયા હતી.
અદાણી ગ્રૂપના શેર કેમ ઉછળ્યા
ગત શુક્રવારે અદાણી કેસની તપાસ માટે રચાયેલી સુપ્રીમ કોર્ટની પેનલનો અહેવાલ શુક્રવારે સાર્વજનિક કરવામાં આવ્યો હતો, ત્યારબાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે શેરના ભાવમાં વધારો જોવા મળી શકે છે. તપાસ સમિતિ કહ્યું છે કે, પ્રથમ દૃષ્ટિએ તેના શેરમાં કોઇ ગેરરીતિના પુરાવા મળ્યા નથી. ઉપરાંત સેબીના રિપોર્ટમાં કંઈ પણ વાંધાજનક મળ્યું નથી.
હિંડનબર્ગ રિપોર્ટ વિવાદ બાદ રોકાણકારોનો વિશ્વાસ ફરી હાંસલ કરવા અને શેરના ભાવને ઉંચે લઇ જવા માટે ગૌતમ અદાણી નક્કર પગલાં લઇ રહ્યા છે.