Adani Hindenburg row : અદાણી ગ્રૂપ હિંડનબર્ગ વિવાદની તપાસ મામલે સુપ્રીમ કોર્ટે સેબીને મોટી રાહત આપી. સુપ્રીમ કોર્ટે બુધવારે સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ને અદાણી ગ્રૂપ પર હિંડનબર્ગ વિવાદની તપાસ પૂર્ણ કરવા માટે વધુ 3 મહિનાનો સમય આપ્યો છે અને 14 ઓગસ્ટમાં રિપોર્ટ સબમીટ કરવા નિર્દેશ કર્યો છે. સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ખંડપીઠે સેબીને તપાસનો અપડેટેડ રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ ખંડપીઠમાં જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલા પણ સામેલ હતા.
સુપ્રીમ કોર્ટે સેબીને શું નિર્દેશ કર્યો
સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો કે જસ્ટિસ એએમ સપ્રે કમિટીનો રિપોર્ટ પક્ષકારોને ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી તેઓ આ મામલે કોર્ટને મદદ કરી શકે. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે 2 માર્ચના રોજ ગૌતમ અદાણીની માલિકીના અદાણી જૂથ સામે યુએસ શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા નાણાંકીય કૌભાંડ અને શેર બજારમાં ગેરરીતિ આચરવાના આક્ષેપોની તપાસ માટે છ સભ્યોની સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં હવે આ કેસની વધુ સુનાવણી 11 જુલાઈના રોજ થશે.
સેબીએ તપાસ માટે 6 મહિનાનો સમય માંગ્યો હતો
સુપ્રીમ કોર્ટે અદાણી હિંડનબર્ગ વિવાદની તપાસ માટે સેબીને નિર્દેશ આપ્યો હતો અને બે મહિનામાં રિપોર્ટ સોંપવા નિર્દેશ કર્યો હતો. જો કે સેબીએ આ કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટ પાસે વધુ છ મહિનાનો સમય માંગ્યો હતો. ગત સપ્તાહે સેબીની અપીલ ગત સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે અદાણી હિંડનબર્ગ વિવાદની તપાસ માટે સેબીને છ મહિના જેટલો લાંબો સમય આપી શકીયે તેમ નથી. સેબી અનિશ્ચિત સમય માટે લાંબો સમય લઈ શકે નહીં અને અમે તેમને 3 મહિનાનો સમય આપીશું.

આ પણ વાંચોઃ અદાણી એન્ટરપ્રાઇસ અને અદાણી ટ્રાન્સમિશન QIP મારફતે 21,000 કરોડ એક્ત્ર કરશે
શું છે સમગ્ર મામલો?
24 જાન્યુઆરીએ અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે ગૌતમ અદાણી અને તેમની માલિકીના અદાણી જૂથ પર અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. હિંડનબર્ગ રિસર્ચે તેના એક રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર કંપનીના બેલેન્શસીટમાં છેડખાની, નાણાંકીય ગેરરીતિ અને શેર બજારમાં સટ્ટાકિય પ્રવૃત્તિનો આરોપ મૂક્યો હતો. જો કે અદાણી ગ્રૂપે આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા હતા. હિંડનબર્ગના આરોપો બાદ અદાણી ગ્રૂપની માલિકીની લિસ્ટેડ કંપનીઓના શેરમાં 80 ટકા સુધીનો ધરખમ કડાકો બોલાયો અને તેના પરિણામે માત્ર ત્રણ અઠવાડિયામાંઅદાણી જૂથની સંયુક્ત માર્કેટ વેલ્યૂએશનમાં અધધધ… 125 અબજ ડોલરનું ધોવાણ થયુ હતુ.