Adani group QIP :ગૌતમ અદાણી હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટના વિવાદ બાદ મક્કમતા સાથે વાપસીની તૈયારી કરી રહ્યા છે. અદાણી ગ્રૂપની બે કંપનીઓ – અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી ટ્રાન્સમિશનએ શનિવારે જણાવ્યું હતું કે તેમને ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (QIP) મારફતે કુલ 21,000 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે બોર્ડની મંજૂરી મળી છે.
એક્સચેન્જોને અલગ-અલગ ફાઇલિંગમાં, અદાણી એન્ટરપ્રાઇઝે જણાવ્યું હતું કે તે રૂ. 12,500 કરોડ એકત્ર કરશે, તો અદાણી ટ્રાન્સમિશનએ જણાવ્યું હતું કે તે QIP અથવા અન્ય પ્રસ્તાવિત મોડ મારફતે 8,500 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે.
QIP એ એક પ્રક્રિયા છે જેના દ્વારા લિસ્ટેડ કંપનીઓ ખાનગી પ્લેસમેન્ટ ધોરણે લાયક સંસ્થાકીય ખરીદદારોને ઇક્વિટી ઇશ્યૂ કરીને મૂડી એકત્ર કરે છે.
ઉપરાંત અદાણી ગ્રૂપની અન્ય કંપની અદાણી ગ્રીન એનર્જીએ પણ બોર્ડ મીટિંગ બાદ શનિવારે તેની ફંડ એકત્ર કરવાની યોજના જાહેર કરવાની દરખાસ્ત કરી હતી, એક્સચેન્જોને જાણ કરી કે, આ મીટિંગ 24 મે, 2023ના રોજ શેડ્યૂલ કરવામાં આવી છે.
હિંડનબર્ગ રિસર્ચના અદાણી ગ્રૂપ પર ગંભીર આક્ષેપ
અદાણી ગ્રૂપ દ્વારા ભંડોળ ઊભું કરવાની ઘોષણા અમેરિકાની શોર્ટ-સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે 24 જાન્યુઆરીએ બહાર પાડેલા એક વિવાદિત રિસર્ચ રિપોર્ટના સાડા ત્રણ મહિના પછી આવી છે, જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગૌતમ અદાણી અને તેમની માલિકીની અદાણી ગ્રૂપની કંપનીઓ શેરબજારમાં કથિત સટ્ટાકીય પ્રવૃત્તિ, કૌભાંડમાં સંડોવાયેલી છે. જો કે અદાણી સમૂહે આ આક્ષેપોને ફગાવી દીધા છે.
હિંડનબર્ગ વિવાદ બાદ અદાણી એન્ટરપ્રાઇસે 20000 કરોડનો FPO રદ કર્યો
ગૌતમ અદાણી પર ગંભીર આક્ષેપો કરતા હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના શેરમં ધરખમ ધબડકો બોલાયો હતો. જેના પગલે 1 ફેબ્રુઆરીના રોજ, અદાણી એન્ટરપ્રાઇઝે તેનો 20,000 કરોડ રૂપિયાનો ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) રદ કરવો પડ્યો અને રોકાણકારોને નાણાં પરત કરવાનો નિર્ણય લીધો હતો.
અદાણીએ માર્ચમાં 4 કંપનીનો હિસ્સો 15,446 કરોડમાં વેચ્યો
હિંડનબર્ગ રિસર્ચના વિવાદ બાદ ગૌતમ અદાણીએ માર્ચ મહિનામાં યુએસ સ્થિત વૈશ્વિક ઇક્વિટી રોકાણ, GQG પાર્ટનર્સને અદાણી ગ્રૂપની ચાર કંપનીઓનો હિસ્સો વેચીને રૂ. 15,446 કરોડ (1.87 અબજ ડોલર) એકત્ર કર્યા હતા. જેમાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ, અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ અને અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડનો હિસ્સો GQG પાર્ટનર્સને વેચ્યો હતો.
અદાણી હિંડનબર્ગ વિવાદની તપાસ માટે સમિતિ રચાઇ
અદાણી હિંડનબર્ગ વિવાદની તપાસ માટે 2 માર્ચના રોજ સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ એએમ સપ્રેની અધ્યક્ષતામાં છ સભ્યોની નિષ્ણાત સમિતિની રચના કરી હતી. ઉપરાંત સેબીને પણ આ મામલે બે મહિનામાં તપાસ કરીને રિપોર્ટ સોંપવા નિર્દેશ કર્યો હતો. જો કે સેબીએ તપાસ માટે છ મહિનાનો સમય માંગ્યો હતો. આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતા કહ્યુ કે, સેબીને તપાસ માટે છ મહિના જેટલો લાંબો સમય આપી શકીયે એમ નથી. 12મી મેના રોજ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે માર્કેટ રેગ્યુલેટરને તેની તપાસ પૂરી કરવા માટે ત્રણ મહિના આપવાનું વિચારી શકે છે. અદાણી હિંડનબર્ગ રિપોર્ટ વિવાદ મામલે આગામી 15 મે, 2023ના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.
Disclaimer : આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.