અદાણી કંપનીઓના શેરમાં તાજેતરમાં આવેલી મોટી તેજીથી નાના રોકાણકારોની સાથે સાથે દેશની સૌથી મોટી વીમા કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC)ને પણ જંગી કમાણી થઇછે. અગાઉ હિંડનબર્ગના રિપોર્ટ બાદ LICને અદાણી ગ્રૂપના શેરમાં ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. પરંતુ હવે 3 મહિનાથી ઓછા સમયમાં અદાણી ગ્રૂપના સ્ટોક્સમાં વીમા કંપનીએ કરેલા રોકાણના મૂલ્યમાં 65 ટકાનો ઉછાળો આવ્યો છે અને હાલ તેની માર્કેટ વેલ્યૂએશન 44600 કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગઇ છે. તમને જણાવી દઈએ કે હિંડનબર્ગના રિપોર્ટ બાદ 27 ફેબ્રુઆરી 2023ના રોજ અદાણી ગ્રૂપમાં LICના રોકાણની માર્કેટ વેલ્યૂએશન ઘટીને 27000 કરોડ રૂપિયા થઈ ગઇ હતી.
અદાણી ગ્રૂપની કઇ કંપનીમાં LICનો કેટલો હિસ્સો છે
LIC એ ગૌતમ અદાણીની માલિકીની 7 કંપનીઓમાં રોકાણ કરેલુ છે. 31 માર્ચ 2023ના રોજ અદાણી પોર્ટ્સ અને SEZમાં LICનો 9.12 ટકા હિસ્સો હતો. તેવી જ રીતે LICનો અદાણી એન્ટરપ્રાઇઝમાં 4.26 ટકા, ACCમાં 6.41 ટકા, અંબુજા સિમેન્ટ્સમાં 6.3 ટકા, અદાણી ટોટલ ગેસમાં 6.02 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 3.68 ટકા અને અદાણી ગ્રીન એનર્જીમાં 1.36 ટકા હિસ્સો છે. 24 મે, 2023ના રોજ ઉપરોક્ત અદાણી કંપનીઓમાં LICએ કરેલા રોકાણની માર્કેટ વેલ્યૂએશન 44,600 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગઇ હતી. જ્યારે માર્ચ ક્વાર્ટરના અંત સુધીમાં તેનુ બજાર મૂલ્ય 39,200 કરોડ રૂપિયા હતું.
હિંડનબર્ગના રિપોર્ટ બાદ LICને પણ નુકસાન થયું
24 જાન્યુઆરી, 2023ના રોજ અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રૂપની કંપનીઓમાં દરરોજ મસમોટા કડાકા બોલાયા હતા. શેરના ભાવમાં જંગી ધોવાણ થતા LICને પણ ભારે નુકસાન સહન કરવું પડ્યુ હતુ. LICએ 30 જાન્યુઆરીએ જણાવ્યું હતું કે, તેણે અદાણી ગ્રુપની કંપનીઓમાં 30,127 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે અને 27 જાન્યુઆરી, 2023ના રોજ તે રોકાણનું બજાર મૂલ્ય 56,142 કરોડ રૂપિયા હતું. જોકે, શેરમાં ઘટાડાની પગલે ફેબ્રુઆરી 2023માં LICનું રોકાણની માર્કેટ વેલ્યૂએશન ઘટીને 27,000 કરોડ રૂપિયા થઇ હતી.
તમને જણાવી દઈએ કે આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકન રિસર્ચ અને ઈન્વેસ્ટમેન્ટ કંપની હિંડનબર્ગે એક રિપોર્ટ જારી કરીને અદાણી ગ્રુપ પર છેતરપિંડી અને શેરના ભાવમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો હતો. તે પછી ગ્રૂપ કંપનીઓના માર્કેટ કેપમાં 145 અબજ ડોલર સુધીનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, અદાણી જૂથે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને તેને સદંતર ફગાવી દીધા.
શેર વધવા પાછળનું કારણ
હિંડનબર્ગ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપે રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે વિવિધ વ્યૂહરચનાઓ પર કામગીરી કરી છે. જેમ કે, લોનની ચુકવણી, બોન્ડ બાયબેક, નવું રોકાણ, ભંડોળ ઊભું કરવું, રોડ શો દ્વારા રોકાણ વધારવું. ઉપરાંત આ દરમિયાન સુપ્રીમ કોર્ટની નિષ્ણાત સમિતિના અહેવાલ પછી પણ અદાણી કંપનીઓના શેરમાં વધારો થયો છે. સમિતિએ કહ્યું છે કે તેને અદાણી જૂથના શેરની કિંમતમાં ગેરરીતિના કોઈ પુરાવા મળ્યા નથી. આ સાથે અદાણી જૂથની કંપનીઓમાં વિદેશી કંપનીઓના રોકાણમાં કથિત ઉલ્લંઘનની સેબી દ્વારા અલગથી તપાસમાં પણ ‘કંઈ મળ્યું નથી’.
Disclaimer : આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.