હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ ગૌતમ અદાણીની માલિકીની અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં સતત ઘટાડા માત્ર નાના રોકાણકારોને જ નહીં પણ મોટો રોકાણકારોને પણ ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. ભારતીય શેરબજારના સૌથી મોટા મોટા સંસ્થાકીય રોકાણકાર અને લિસ્ટેડ સૌથી મોટી સરકારી વીમા કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઇસી)એ અદાણી કંપનીઓના શેરમાં કરેલા રોકાણનું મૂલ્ય પહેલીવાર નકારાત્મક થઇ ગયું છે. સરળ શબ્દોમાં કહીયે તો અદાણીની કંપનીઓમાં એલઆઇસીના શેરહોલ્ડિંગની માર્કેટ વેલ્યૂ તેની ખરીદી કિંમત કરતા ઘટી ગઇ છે.
ગુરુવારે અંબુજા સિમેન્ટ અને એસીસી લિમિટેડને બાદ કરતા અદાણી ગ્રૂપની કંપનીઓમાં એલઆઇસીએ કરેલા રોકાણની કુલ માર્કેટ વેલ્યૂ 26,861.9 કરોડ રૂપિયા હતુ, જે તેના 30,127 કરોડ રૂપિયાની ખરીદ કિંમતની તુલનાએ 1 ટકા ઓછું મૂલ્ય છે.
અદાણીની કંપનીઓમાં LIC સૌથી મોટું શેરધારક
સરકારી માલિકીની વીમા કંપની LIC અદાણી ગ્રૂપની કંપનીઓમાં સૌથી મોટી સ્થાનિક સંસ્થાકીય રોકાણકાર છે, જેમાં ડિસેમ્બર 2022ના રોજ સમાપ્ત થયેલા ત્રિમાસિકના અંતે LICનું શેરહોલ્ડિંગ અદાણી પોર્ટ-સેઝમાં 9.14 ટકા, અદાણી ગેસમાં 5.96 ટકા, અદાણી એન્ટરપ્રાઇસમાં 4.23 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 3.65 ટકા અને અદાણી ગ્રીન એનર્જીમાં 1.28 ટકા હતું.
નોંધનીય છે કે, ભારતની સૌથી મોટી સરકારી વીમા કંપની LICએ ડિસેમ્બર 2022 સુધીના છેલ્લા નવ મહિનામાં અદાણી ગ્રૂપની કંપનીઓમાં સતત શેરહોલ્ડિંગ વધાર્યું છે. સપ્ટેમ્બર 2020થી અદાણી ગ્રૂપની સાત લિસ્ટેડ કંપનીઓમાંથી ચારમાં કંપનીમાં એલઆઇસીએ પોતાનું શેરહોલ્ડિંગ વધાર્યું છે.
અદાણીની કંપનીઓમાં LICના રોકાણ મૂલ્ય પર એક નજર (કરોડ રૂપિયામાં)
કંપનીનું નામ | હોલ્ડિંગ | 24 જાન્યુઆરી | 23 ફેબ્રુઆરી |
---|---|---|---|
અદાણી એન્ટરપ્રાઇસ | 4.23 ટકા | 16601.65 | 6671.98 |
અદાણી ટોટલ ગેસ | 5.96 ટકા | 25468.61 | 5199.62 |
અદાણી ગ્રીન એનર્જી | 1.28 | 3879.84 | 1038.82 |
અદાણી ટ્રાન્સમિશન | 3.65 | 11221.8 | 3051 |
અદાણી પોર્ટ-સેઝ | 9.14 | 15021.87 | 10900.46 |
કુલ | — | 72193.87 | 26861.88 |
હિંડનબર્ગના ઘટસ્ફોટ બાદ અદાણી ગ્રૂપના શેર કકડભૂસ
હિંડનબર્ગ રિપોર્ટના વિવાદ છેલ્લા એક મહિનામાં અદાણી ગ્રૂપની શેર બજારમાં લિસ્ટેડ 10 કંપનીઓના શેરમાં રોકાણકારોને 80 ટકા સુધીનું જંગી નુકસાન થયું છે. જેમાં અદાણી ટોટલ ગેસ કંપનીનો શેર સૌથી વધુ 80 ટકા, ત્યારબાદ અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીન એનર્જી 73 તેમજ અદાણી એન્ટરપ્રાઇસનો શેર 60 ટકા તૂટ્યો છે.
આ પણ વાંચોઃ એક મહિનામાં અદાણીના શેરમાં રોકાણકારોએ ₹ 11.81 લાખ કરોડ ગુમાવ્યા
અદાણી ગ્રૂપની માર્કેટવેલ્યૂમાં 61 ટકાનું ધોવાણ
હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ શેરમાં સતત ઘટાડાથી અદાણી ગ્રૂપની કંપનીઓની સંયુક્ત માર્કેટકેપમાં 61 ટકાનું જંગી ધોવાણ થયું છે. 24 જાન્યુઆરી, 2023ના રોજ અદાણી ગ્રૂપની સંયુક્ત માર્કેટકેપ 19.18 લાખ કરોડ રૂપિયા હતી જે 23 ફેબ્રુઆરી 2023ના રોજ ઘટીને 7.36 લાખ કરોડ રૂપિયા થઇ છે. આમ એક જ મહિનામાં અદાણી ગ્રૂપના બજાર મૂલ્યમાં 11.82 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે.