ગૌતમ અદાણી અને તેમની માલિકીની અદાણી ગ્રૂપ કંપનીઓ સામે હિંડનબર્ગ રિસર્ચના આક્ષેપોથી રોકાણકારોનો વિશ્વાસ ડગમગી ગયો છે. રોકાણકારોનો વિશ્વાસ ફરી પ્રાપ્ત કરવા માટે અદાણી ગ્રૂપે નક્કર રણનીતિ બનાવી છે. જે મુજબ અદાણી ગ્રૂપ તેની કંપનીઓના દેવાની ચૂકવણી કરી રહી છે. અદાણી પોર્ટ અને સેઝ કંપનીએ 1500 કરોડ રૂપિયાનું દેવુ ચૂકવ્યુ છે, તે ઉપરાંત કંપની માર્ચમાં વધુ 1000 કરોડ રૂપિયાની ચૂકવણી કરશે. બુધવારે જારી કરાયેલા એક નિવેદનમાં આ માહિતી આપી છે.
નોંધનીય છે કે, અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગ રિસર્ચે ગૌતમ અદાણી અને તેમના કોર્પોરેટ ગ્રૂપ વિરુદ્ધ નેગેટિવ રિપોર્ટ બાદ અદાણી કંપનીઓના શેરમા જંગી વેચવાલી ચાલુ છે.
SBIનું અદાણી ઉપર હવે કોઈ દેવું નથી
અદાણી ગ્રૂપની કંપનીએ સોમવારે SBI મ્યુચ્યુઅલ ફંડના મેચ્યોર થયેલા કોમર્શિયલ પેપરના 1,000 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે. તેવી જ રીતે, આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડની 500 કરોડ રૂપિયાની લોન ચૂકવવામાં આવી છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચુકવણી રોકડ બેલેન્સ અને બિઝનેસ ઓપરેશન્સની આવકમાંથી કરવામાં આવી હતી. SBI મ્યુચ્યુઅલ ફંડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હવે કંપની પાસેથી કોઇ લેણાં બાકી નથી.
અદાણી ગ્રૂપના શેરમાં મંદી યથાવત
રોકાણકારોનો વિશ્વાસ હાંસલ કરવા અને સેન્ટિમેન્ટ સુધારવા સતત પ્રયત્ન કરવા છતાં અદાણી ગ્રૂપની કંપનીઓ શેર સતત ઘટી રહ્યા છે. 22 ફેબ્રુઆરી 2023, બુધવારે પણ અદાણી ગ્રૂપની તમામ લિસ્ટેડ 10 કંપનીના શેર ઘટાડે બંધ થયા હતા.
અદાણી કંપનીના શેર ભાવ પર એક નજર
કંપનીનું નામ | 22 ફેબ્રુ.નો બંધ ભાવ | વધઘટ |
---|---|---|
અદાણી એન્ટરપ્રાઇસ | 1404 | -10.43% |
અદાણી પોર્ટ-સેઝ | 546 | -6.25% |
અદાણી ટોટલ ગેસ | 834 | -5.00% |
અદાણી ટ્રાન્સમિશન | 788 | -5.00% |
અદાણી પાવર | 162 | -5.00% |
અદાણી ગ્રીન એનર્જી | 539 | -4.99% |
અદાણી વિલ્મર | 390 | -4.99% |
અંબુજા સિમેન્ટ | 335 | -4.92% |
એનડીટીવી | 202 | -4.13% |
એસીસી લિમિટેડ | 1755 | -3.97% |
અદાણી ગ્રૂપના આ 10 માંથી 7 શેર એવા છે કે જે એક વર્ષના ઉચ્ચ સ્તરેથી 56 થી 82 ટકા સુધી ઘટી ગયા છે. ઉપરાંત બાકીની ત્રણ કંપનીના સ્ટોક્સ પણ તેમના ઉંચા સ્તરેથી ભારે ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યા છે. શેરમાં સતત ઘટાડાને પગલે અદાણી ગ્રુપના સ્ટોક્સનું સંયુક્ત માર્કેટ કેપ 10,000 કરોડ ડોલરની નીચે આવી ગયું છે.
આ પણ વાંચોઃ ગૌતમ અદાણીની સંપત્તિમાં 71.5 અબજનું ધોવાણ,જાણો મુકેશ અંબાણીએ કેટલા ગુમાવ્યા
માર્ચમાં 2000 કરોડ ચૂકવવા પડશે
ડેટા સર્વિસ પ્રોવાઈડર પ્રાઇમ ડેટાબેઝ મુજબ, અદાણી પોર્ટ-સેઝના કુલ 2,000 કરોડ રૂપિયાના કોમર્શિયલ પેપર્સ માર્ચમાં પરિપક્વ થવા જઈ રહ્યા છે. તાજેતરના ત્રિમાસિક અહેવાલ મુજબ, 31 ડિસેમ્બર, 2022ના રોજ કંપની પાસે રોકડ અથવા રોકડ જેવી સંપત્તિના રૂપમાં રૂ. 6257 કરોડ હતા. ચાલુ મહિનાની શરૂઆતમાં, અદાણી પોર્ટ્સના મેનેજમેન્ટે મીડિયાને જણાવ્યું હતું કે કંપની નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન 5,000 કરોડ રૂપિયાની લોન ચૂકવવા વિચારમા કરશે. તે સમયે કંપનીએ એવું પણ કહ્યું હતું કે આટલી લોન ચૂકવ્યા બાદ તેનો નેટ ડેટ ટુ EBITDA રેશિયો ઘટીને અઢી ટકા થઈ જશે, જે હાલ 3 ટકા છે.