એક સમયે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બનનાર ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મુશ્કેલીઓ સમાપ્ત થવાનું નામ નથી લઇ રહી. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ ગૌતમ અદાણીની માલિકીની કંપનીઓના શેરમાં 80 ટકાના સુધીના જબરદસ્ત ધબડકો બોલાયો છે. જેના પરિણામે ગૌતમ અદાણીની સંપત્તિમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 71.5 અબજ ડોલર સુધીનો ઘટાડો આવ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ મુજબ ગૌતમ અદાણીની સંપત્તિ ચાલુ વર્ષે પહેલીવાર 50 અબજ ડોલરથી ઓછી થઇ ગઇ છે અને હાલ તેઓ 49.1 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના ધનાઢ્યોની યાદીમાં 25માં ક્રમે છે.
વિશ્વના ધનિકોની યાદીમાં અંબાણી-અદાણી વચ્ચેનું અંતર વધ્યું
હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ ગૌતમ અદાણીની સંપત્તિ સતત ઘટી રહી છે તેનું કારણ છે અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં જબરદસ્ત કડાકો. 24 જાન્યુઆરીએ વિશ્વના ચૌથા ક્રમના સૌથી ઘનિક વ્યક્તિ રહેલા ગૌતમ અદાણી હાલ બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સની યાદીમાં હાલ 49.1 અબજ ડોલરની સંપત્તિ 25માં ક્રમે છે. પાછલા વર્ષે તેઓ 120 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ પણ બન્યા હતા.
હિંડનબર્ગના રિપોર્ટ બાદ ગૌતમ અદાણીની સંપત્તિમાં તાજેતરમાં 1.15 અબજ ડોલરનું ધોવાણ થયું છે. તો ચાલુ વર્ષ 2023માં અત્યાર સુધીમાં ગૌતમ અદાણીએ 71.5 અબજ ડોલર ગુમાવ્યા છે. ભારતના ધનિકોની વાત કરીયે તો મુકેશ અંબાણી 83.6 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના ધનાઢ્યોની યાદીમાં 11માં ક્રમે છે. તાજેતરમાં તેમની સંપત્તિમાં 23.1 કરોડ ડોલરનો વધારો થયો છે જો કે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 3.52 અબજ ડોલર ગુમાવ્યા છે અને તે પાછળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપની કંપનીઓના શેરમાં ધોવાણ છે. આ સાથે વિશ્વના ધનિકોની યાદીમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી વચ્ચેના તફાવત વધી ગયો છે.
અદાણી ગ્રૂપની શેરમાં રોકાણકારોની 80 ટકા સુધી મૂડી ‘સ્વાહા’
અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે 24 જાન્યુઆરીના રોજ ગૌતમ અદાણી અને તેમની માલિકીના અદાણી ગ્રૂપ વિરુદ્ધ સટ્ટાકીય પ્રવૃત્તિ જેવા ગંભીર આક્ષેપો કરતો રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. જેના પગલે રોકાણકારો આક્રમક વેચવાલી શરૂ કરતા અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં 80 ટકા સુધી તૂટ્યા હતા. જેમાં અદાણી ગ્રૂપની અદાણી ટ્રાન્સમિશન કંપનીના શેરમાં રોકાણકારોને સૌથી વધારે 80 ટકા જેટલું નુકસાન થયુ છે. તો ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇસના શેરમાં રોકાણકારોની 60 ટકા મૂડી ‘સાફ’ થઇ ગઇ છે. તો અદાણી પાવર, અદાણી પોર્ટ-સેઝ, અદાણી ગેસ, અંબુજા સિમેન્ટ, એસીસી લિમિટેડ અને એનડીટીવી કંપનીના સેર 50-50 ટકા જેટલા તૂટ્યા છે.
રેવન્યૂ ગ્રોથનો લક્ષ્ય 50 ટકા ઘટાડ્યો
એક રિપોર્ટના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, અદાણી જૂથે અગાઉ આગામી બિઝનેસ વર્ષ દરમિયાન 40 ટકા આવક વૃદ્ધિનું લક્ષ્ય રાખ્યું હતું, જો કે તે હવે ઘટાડીને 15-20 ટકા કરવામાં આવ્યું છે. એટલે કે તેમાં 50 ટકાનો ઘટાડો કરાયો છે. તેવી જ રીતે, અદાણી ગ્રૂપે તેની મૂડી ખર્ચ (કેપેક્સ) યોજનામાં પણ ભારે કાપ મૂક્યો છે. ગ્રૂપના જણાવ્યા અનુસાર, અદાણી જૂથ હવે રોકડની બચત અને તેના દેવાની ચૂકવણી અને ગીરવે મૂકેલા શેરને રિડીમ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
ડીબી પાવર બાદ PTC ઇન્ડિયાને ખરદીવાનું માંડી વાળ્યું
હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ ગૌતમ અદાણી ચારેય બાજુથી ભીંસમાં મુકાયા છે, અને સીધી નકારાત્મક અસર કંપનીઓના શેરની સાથે સાથે તેમની બિઝનેસ પ્રવૃત્તિઓ પર પણ થઇ રહી છે. હિંડનબર્ગ વિવાદને પગલે ગૌતમ અદાણીએ છત્તીસગઢમાં થર્મલ પાવર પ્લાન્ટનું સંચાલન કરતી કંપની ડીબી પાવરને ટેકઓવર કરવાની પ્રક્રિયામાંથી પીછેહઠ કર્યા બાદ સોમવારે પાવર ટ્રેડિંગ કંપની એટલે કે PTC ઇન્ડિયા લિમિટેડમાં હિસ્સો ખરીદવાની યોજના પડતી મૂકી છે.
અદાણી કંપનીના શેર ભાવ પર એક નજર
કંપનીનું નામ | 21 ફેબ્રુ.નો બંધ ભાવ | વધઘટ |
---|---|---|
અદાણી ગ્રીન એનર્જી | 567 | -5.00% |
અદાણી ટોટલ ગેસ | 878 | -5.00% |
અદાણી ટ્રાન્સમિશન | 830 | -4.99% |
અદાણી વિલ્મર | 410 | -4.33% |
અદાણી એન્ટરપ્રાઇસ | 1568 | -3.16% |
એસીસી લિમિટેડ | 1829 | -1.15% |
અંબુજા સિમેન્ટ | 352 | -0.11% |
એનડીટીવી | 210 | +0.69% |
અદાણી પોર્ટ-સેઝ | 583 | +0.63% |