scorecardresearch

Hindenburg Research report: હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ અગાઉ 17 કંપનીઓનો કર્યો ‘પર્દાફાશ’, વાંચો નાથન એન્ડરસનના કારનામાંઓની કહાણી

Hindenburg Research report: ગૌતમ અદાણી (Gautam Adani) અને તેમના અદાણી ગ્રૂપને (Adani group) હચમચાવી નાંખનાર હિંડનબર્સ રિસર્ચે (Hindenburg Research report) તેના સનસનાભર્યા રિપોર્ટથી આ અગાઉ 17 કંપનીઓના કૌભાંડોનો પર્દાફાશ કર્યો છે. જાણો કોણે છે હિંડનબર્ગ રિસર્ચના (Hindenburg Research) સ્થાપક નાથન એડન્સરન (Nathan Anderson).

Hindenburg Research
હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ અને નાથન એન્ડરસન

હિંડનબર્ગ રિસર્ચ નામની કંપનીએ ગૌતમ અદાણીને ‘અર્શ પરથી ફર્શ પર’ પટકી દીધા છે. હિંડનબર્ગના એક રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં સતત મસમોટા કડાકાનો સિલસિલો શરૂ થતા માત્ર 10 દિવસની અંદર ગૌતમ અદાણીની સંપત્તિમાં અડધાથી વધારે ધોવાણ થયું છે. હિંડનબર્ગે તેના સનસનાટી ભર્યા રિપોર્ટથી સટ્ટાકીય પ્રવૃત્તિ, શેરબજારમાં ગોલમાલ અને કૌભાંડો ખુલ્લા પાડ્યા હોય અદાણી ગ્રૂપ એક માત્ર કંપની નથી. આ અગાઉ હિંડનબર્ગ રિસર્ચે 17 કંપનીઓના કૌભાંડનો ‘પર્દાફાશ’ કર્યો હતો અને તેમના શેર તળિયા ઝાટક થઇ ગયા હતા. ચાલો જાણીયે હિંડનબર્ગે અત્યાર સુધી કઇ-કઇ કંપનીઓના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે…

કોણ છે હિંડનબર્ગના માલિક નાથન એન્ડરસન

હિંડનબર્ગ રિસર્ચ કંપનીના સ્થાપક નાથન એન્ડરસને ઇન્ટરનેશનલ બિઝનેસમાં કનેક્ટિકટ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુશન કર્યુ છે. એન્ડરસને તેની કારકિર્દીની શરૂઆત એક ડેટા કંપની FactSet Research Systems Incથી કરી હતી. વર્ષ 2020માં વોલ સ્ટ્રીટ જર્નલ સાથે વાત કરતા એન્ડરસને જણાવ્યું હતું કે તે ઈઝરાયેલમાં ઘણા સમય પહેલા એમ્બ્યુલન્સ ચલાવતો હતો.

હિંડનબર્ગની સ્થાપના અને તેની કામગીરી

નાથન એન્ડરસને હિંડનબર્ગ રિસર્ચ સ્થાપના વર્ષ 2017માં કરી હતી. હિંડનબર્ગ રિસર્ચ એક ફોરેન્સિક ફાઇનાન્સિયલ રિસર્ચ ફર્મ છે જે ઇક્વિટી, ક્રેડિટ અને ડેરિવેટિવ્ઝનું વિશ્લેષણ કરે છે. હિંડનબર્ગે તેની વેબસાઇટ ઉપર જણાવ્યું છે કે, તેનું કાર્ય માનવસર્જિત આપત્તિઓ અને નાણાકીય અનિયમિતતાઓની તપાસ કરવાનું છે.

(1) નિકોલા કોર્પોરેશન (Nikola Corporation)

હિંડનબર્ગ રિસર્ચ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે તેણે સપ્ટેમ્બર 2020માં અમેરિકાની ઇલેક્ટ્રિક ટ્રક મેન્યુફેક્ચર્સ કંપની નિકોલા કોર્પોરેશનનો પર્દાફાશ કર્યો હતો. આ કંપનીએ અસત્યનો સહારો લઈને લોકોનો વિશ્વાસ જીત્યો અને જનરલ મોટર્સ સાથે ભાગીદારી કરવા સુધી પણ પહોંચી ગઇ હતી. નિકોલા કંપની સામે કરેલા ઘણા ગંભીર આરોપો હિંડનબર્ગે સૌથી મોટો આરોપ મૂક્યો હતો કે, નિકોલાએ જે પ્રમોશનલ વીડિયો બહાર પાડ્યો હતો તે નકલી હતો. આ વીડિયોમાં એક ટ્રક પહાડ રોડ પરથી નીચે આવતી જોવા મળી રહી છે. કંપનીએ આ ટ્રકને ખાસ ટેક્નોલોજીથી બનેલી બેટરીથી ચલાવવાનો દાવો કર્યો હતો.

જો કે, હિંડનબર્ગ રિસર્ચે તેના રિપોર્ટમાં ઘટસ્ફોટ કર્યો કે, આ ટ્રકને પહેલા પહાડ ઉપર લઇ જવામાં આવી હતી અને ત્યારબાદ ત્યાંથી નીચે તરફ ધકેલવામાં આવી હતી. એટલે કે હકીકતમાં આ ટ્રેક બેટરી ટેક્નોલોજીથી ચાલી રહી ન હતી.

એટલે એવું કહેવુ ખોટું નથી કે જે ટેકનોલોજીવાળી ટ્રકના નામે કંપની રોકાણકારો પાસેથી નાણાં ખંખેરી રહી હતી અને જનરલ મોટર્સ સાથે ભાગીદારી કરી હતી, જે હકીકતમાં કોઇ અસ્તિત્વ ધરાવતી જ ન હતી. આ ખુલાસા બાદ નિકોલા કંપનીના ચેરમેન ટ્રેવોર મિલ્ટને રાજીનામું આપી દેવું પડ્યું હતું. એક સમયે નિકોલા કંપનીની માર્કેટ વેલ્યૂ 34 અબજ ડોલરે પહોંચી ગઇ હતી જો કે હિંડનબર્ગ રિસર્ચે કૌભાંડનો પર્દાફાશ કરતા કંપનીના શેરમાં 92 ટકાનો ધબકડો બોલાયો હતો. હાલ કંપનીની નેટવર્થ 1.34 અબજ ડોલરની આસપાસ છે.

(2) વિન્સ ફાઇનાન્સ હોલ્ડિંગ્સ (Wins Finance Holdings)

હિંનડબર્ગ રિસર્ચે જૂન 2020માં ચીનની ફાઇનાન્સ સર્વિસ કંપની વિન્સ ફાઇનાન્સ હોલ્ડિંગ્સ (Wins Finance Holdings)નું કૌભાંડ દુનિયા સમક્ષ ખુલ્લુ પાડ્યું હતુ. આ ચીની કંપનીએ તેની પેટાકંપનીની 35 કરોડ મિલિયન ચાઇનીઝ યુઆન જેટલા મૂલ્યની એસેટ ફ્રીઝ કરી હોવાની એટલે કે ટાંચમાં લેવામાં આવી હોવાની વાત અમેરિકાના રોકાણકારોથી છુપાવી હતી. હિંડનબર્ગે રિપોર્ટમાં ઘટસ્ફોટ કર્યો હતો કે વિન્સ ફાઇનાન્સ હોલ્ડિંગ્સની પેરન્ટ કંપની જે 67.7 ટકા માલિકી હિસ્સો ધરાવે છે, તેને ચીનમાં પહેલાથી જ નાદાર જાહેર કરવામાં આવી છે અને આટલી મહત્વપૂર્ણ માહિતી અમેરિકાના રોકાણકારોથી છુપાવી હતી.

હિંડનબર્ગે કૌભાંડનો પર્દાફશ કર્યાના લગભગ ચાર મહિના બાદ ઑક્ટોબર 2020માં અમેરિકન સ્ટોક એક્સચેન્જ નાસ્ડેક (NASDAQ) એ વિન્સ ફાઇનાન્સ હોલ્ડિંગ્સને ડિલિસ્ટ કરી હતી.

Gautam Adani, share market
ગૌતમ અદાણી ટોપ 20 ધનવાનોમાંથી બહાર

(3) જિનિયસ બ્રાન્ડ્સ (Genius Brands)

હિંડનબર્ગ રિસર્ચે જૂન 2020માં જિનિયસ બ્રાન્ડ્સ વિરુદ્ધ એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. તે સમયે જિનિયસ બ્રાન્ડના શેરનો ભાવ 6.86 ડોલર હતી અને થોડાંક જ દિવસમાં ઘટીને 1.5 ડોલર થઇ ગયો હતો.

વર્ષ 2021માં જીનિયસ બ્રાન્ડ્સ રોકાણકારોા એક જૂથ દ્વારા કરાયેલા જામીનગીરી કૌભાંડના કેસને રદ કરાવવા માટે કેલિફોર્નિયામાં ન્યાયાધીશને સમજાવવામાં સફળ રહી હતી. રોકાણકારોના જૂથે જિનિયલ બ્રાન્ડ સામે ગેરમાર્ગે દોરતા નિવેદનોનો ઉપયોગ કરીને તેના સ્ટોકનું માર્કેટિંગ કરવાનો આરોપ મૂક્યો હતો.

(4) ચાઇના મેટલ રિસોર્સિસ યુટિલાઇઝેશન (China Metal Resources Utilization)

હિંડનબર્ગ રિસર્ચે મે-2020માં ચાઇના મેટલ રિસોર્સિસ યુટિલાઇઝેશન (China Metal Resources Utilization) વિરુદ્ જાહેર કરેલા એક રિપોર્ટમાં લખ્યું હતું કે, કંપની કેવી રીતે કંપની ભારે દેવામાં ડૂબી ગઈ છે, જેના કારણે ગંભીર પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક હિસાબી ગેરરીતિઓ પણ જોવા મળી હતી. કેટલાક પાર્ટી ટ્રાન્ઝેક્શન્સ પણ સામે આવ્યા હતા, જેનો જનતા સમક્ષ ખુલાસો કરવામાં આવ્યો ન હતો. હિંડનબર્ગનો રિપોર્ટ જાહેર કર્યા બાદ આ કંપનીના શેર 90 ટકા તૂટ્યા હતા.

(5) એસસી વોર્ક્સ (SC Worx)

વર્ષ 2020ના મે મહિનામાં હિન્ડેનબર્ગે અમેરિકાની SC Worx (NASDAQ:WORX) વિશે લખ્યું હતું કે, કંપનીએ જાહેર કરેલી COVID-19 ટેસ્ટિંગ ડીલ “સંપૂર્ણપણે બોગસ” છે. કંપનીના સીઇઓ વિશે પણ પ્રશ્નો ઉઠાવતા લખ્યું કે હતુ, જે એક દોષિત ગુનેગાર છે અને તેના કોવિડ-19 ટેસ્ટિંગ પાર્ટનર હોવાનો દાવો કર્યો હતો તે કંપની એક દોષિત બળાત્કારી દ્વારા ચલાવવામાં આવી રહી હતી. હિંડનબર્ગના રિપોર્ટ જાહેર થયો તે દિવસ જે અમેરિકાના શેરબજાર નિયામકે આ કંપનીના શેરમાં ટ્રેડિંગ અટકાવી દીધું હતું.

(6) પ્રિડિક્ટિવ ટેકનોલોજી ગ્રૂપ (Predictive Technology Group)

હિંડનબર્ગે માર્ચ 2020માં એક રિપોર્ટમાં પ્રિડિક્ટિવ ટેક્નોલોજી ગ્રુપ (Predictive Technology Group) કંપનીની કોવિડ-19 સંબંધિત પ્રેસ રિલીઝ સામે સવાલ ઉઠાવ્યા હતા. આ રિપોર્ટ બાદ અમેરિકન બજાર નિયામક યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (US Securities and Exchange Commission) આ કંપનીના શેરમાં ટ્રેડિંગ અટકાવી દીધુ હતુ. હિંડનબર્ગે જ્યારે આ કંપની વિશે પહેલીવાર લખ્યુ હતુ ત્યારે તેની માર્કેટકેપ 1 અબજ ડોલર જેટલી હતી અને ત્યારબાદ અત્યાર સુધીમાં 90 ટકા વેલ્યૂ ઘટી ગઇ છે.

(7) એચએફ ફૂડ્સ (HF Foods)

હિંડનબર્સ રિસર્ચે માર્ચ 2020માં એફ ફૂડ્સ (HF Foods) વિશેના રિપોર્ટમાં કંપની દ્વારા શેરધારકોની મૂડીનો દૂરોપયોગ અને 50.9 કરોડ ડોલરના મર્જર સહિત ઘણી ગેરરીતિઓ વિશે ઘટસ્ફોટ કર્યો હતો. રિપોર્ટ જાહેર થયો તે સમયે કંપનીની માર્કેટકેપ 40 કરોડ ડોલર હતી અને ત્યારબાદ તેમાં સતત ધોવાણ થતું ગયુ.

(8) સ્માઇલ ડાયરેક્ટ ક્લબ (SmileDirectClub)

હિંડબર્ગ રિસર્ચે ઓક્ટોબર 2019માં કસ્ટમરોને ઉદ્દેશને સ્માઇલડાયરેક્ટક્લબ (SmileDirectClub)ની શંકાસ્પદ વ્યાપારી પદ્ધતિઓ અંગે ચેતવણી આપી હતી અને રોકાણકારોને ચેતવણી આપી કે નબળો કસ્ટમર રિવ્યૂ, કોર્ટ કેસ, વિવિધ નિયમનકારી તપાસ અને યોગ્ય લાયસન્સ વગર ડેન્ટિસ્ટ પ્રેક્ટિસ કરવાના આરોપોના પરિણામે કંપનીની નકારાત્મક છાપ ફેલાઈ શકે છે.

(9) બ્લૂમ એનર્જી (Bloom Energy)

હિંડનબર્ગે સપ્ટેમ્બર 2019માં બ્લૂમ એનર્જી (Bloom Energy) સામે આક્ષેપ કર્યો હતો કે કંપની ઉપર અબજો ડોલરનું દેવુ છે અને તેની માહિતી છુપાવી છે. હિંડનબર્ગે ખાસ કરીને કંપનીના એકાઉન્ટ્સ અને સર્વિસ એગ્રીમેન્ટ્સ વિશે ચિંતા વ્યક્ત કરી હતી.

હિંડનબર્ગના આક્ષેપના લગભગ પાંચ મહિના બાદ કંપનીએ સ્પષ્ટતા કરી કે, પ્રત્યેક ક્વાર્ટરમાં તેના સર્વિસ એગ્રીમેન્ટ્સને લગતી “વ્યાપક” એકાઉન્ટિંગ ભૂલોને કારણે લગભગ ચાર વર્ષના દસ્તાવેજો ફરી જાહેર કરવામાં આવશે. ફોર્બ્સે કંપની પર અનુરૂપ ખુલાસો પ્રકાશિત કર્યો.

(10) યાંગત્ઝે રીવર પોર્ટ અને લોજિસ્ટિક્સ (Yangtze River Port & Logistics)

હિંડનબર્ગે ડિસેમ્બર 2018માં 8 અબજ ડોલરની માર્કેટવેલ્યૂ ધરાવતી યાંગ્ત્ઝે રીવર પોર્ટ એન્ડ લોજિસ્ટિક્સ (Yangtze River Port & Logistics) વિશે એક રિપોર્ટ લખ્યો હતો. આ રિપોર્ટમાં આક્ષેપ કર્યો હતો કે,ગંભીર વિસંગતતાઓ વચ્ચે કંપનીની મુખ્ય એસેટ્સનું હકીકતમાં કોઇ અસ્તિત્વ જ નથી.

કંપનીએ બદનક્ષીનો આરોપ લગાવતા હિંડનબર્ગ સામે દાવો માંડ્યો હતો. તેના વળતા જવાબમાં હિંડનબર્ગ કંપની વિરુદ્ધ અસંખ્ય નવા ખુલાસાઓ કર્યા હતા. કંપનીની 98 ટકા માર્કેટવેલ્યૂ સાફ થઇ ગઇ અને છ મહિના બાદ અમેરિકન સ્ટોક એક્સચેન્જ નાસ્ડેક (NASDAQ) પરથી ડીલિસ્ટ કરવામાં આવી હતી.

(11) લિબર્ટી હેલ્થ સાયન્સ (Liberty Health Sciences)

હિંડનબર્ગે ડિસેમ્બર 2018માં લિબર્ટી હેલ્થ સાયન્સ (Liberty Health Sciences) અને અફ્રિયા વચ્ચેના અનિયમિત સંપાદન અને ટ્રાન્ઝેક્શન વિશે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટ બાદ લિબર્ટી કંપનીના CEO અને CFO સહિત ચાર ડિરેક્ટરોએ રાજીનામા આપી દીધા હતા. વર્ષ 2020માં લિબર્ટી હેલ્થ સાયન્સે જણાવ્યું હતું કે તે ક્લાસ-એક્શન સ્યૂટનું સમાધાન કરવા માટે એક કરાર પર પહોંચી ગયું છે. આ કેસની પતાવટ 18 લાખ ડોલરમાં કરવામાં આવી હતી.

(12) એફ્રિયા (Aphria)

હિંડનબર્ગે ડિસેમ્બર 2018 લેમિંગ્ટોન સ્થિત એફ્રિયા (Aphria)ના કૌભાંડનો ખુલાસો કર્યો હતો. હિંડનબર્ગે તેના રિસર્ચ રિપોર્ટમાં જણાવ્યું કે, તેણે અત્યંત અત્યાધિક, ઉંચી મૂલ્યવાળા કંપનીઓનું એક્વિઝિશન કર્યુ છે, જે ઇનસાઇડર સેલ્ફ- ડિલિંગના સાબૂતો મળ્યા છે. હિંડનબર્ગના રિપોર્ટ બાદ કંપનીના ચેરમેન/સીઈઓ, સહ-સ્થાપક અને એક્ઝિક્યુટિવ/બોર્ડ ડિરેક્ટરે રાજીનામા આપી દીધા અને શેરમાં મોટો ધબડકો બોલાયો હતો.

(13) રિયોટ બ્લોકચેન (Riot Blockchain)

હિંડનબર્ગે ડિસેમ્બર 2017માં રિયોટ બ્લોકચેઇન (Riot Blockchain)ના શંકાસ્પદ એક્વિઝિશન અંગેની એક પછી એક રિપોર્ટ રજૂ કર્યા હતા. આ રિપોર્ટમાં એવો આક્ષેપ કરાયો હતો. કંપની દ્વારા એક્વિઝિશન અંદરના લોકોને લાભ આપવા માટે કરાયા હતા.રિયોટના તત્કાલિન સીઈઓ પર SEC દ્વારા છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને હાલ તેમના વિરુદ્ધ તપાસ ચાલી રહી છે.

(14) પોલારિટી ટીઇ (PolarityTE)

ડિસેમ્બર 2017માં હિંડનબર્ગે પોલારિટી ટીઇ (PolarityTE)ની વાસ્તવિકતા અને અનિયમિત નાણાકીય જાહેરાતો વિશે એક રિપોર્ટ લખ્યો હતો. ત્યારબાદ કંપનીના CFOએ રાજીનામું આપ્યું હતું અને અમેરિકન શેરબજાર નિયામક દ્વારા પણ વર્ષ 2018માં પંપ અને ડમ્ સ્કીમ્સમાં કથિત રીતે કામગીરી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

(15) ઓપ્કો હેલ્થ (Opko Health)

હિંડનબર્ગે નવેમ્બર 2017માં 3 અબજ ડોલરની માર્કેટકેપ ધરાવતી ઓપ્કો હેલ્થ (Opko Health) વિશે એક રિપોર્ટ લખ્યો હતો. આ રિપોર્ટમાં કંપનીના કથિત ગુનાહિત જોડાણ તેમજ ઉત્પાદનમાં નિષ્ફળતા અને ગંભીર અનિયમિતતા અંગે ખુલાસા કર્યા હતા. છેલ્લે વર્ષ 2018માં કંપનીના ચેરમેન/ સીઇઓ એ રાજીનામું આપ્યું હતું.

ગૌતમ અદાણી અને અદાણી એન્ટરપ્રાઇસના 3 મોટા સમાચાર

(1)  અદાણી એન્ટરપ્રાઇસનો 20,000 કરોડનો FPO રદ, રોકાણકારોને પૈસા પરત કરશે  
(2)  ગૌતમ અદાણી ટોપથી પહોંચ્યા તળિયે, Top 20 ધનવાનોની યાદીમાંથી બહાર, હવે કેટલી સંપત્તિ રહી? 
(3)  અદાણી ગ્રૂપના શેરમાં ઘટાડો યથાવત, ‘સેબી અને આરબીઆઈ દ્વારા તપાસ!’

(16) પર્શિંગ ગોલ્ડ (Pershing Gold)

હિંડનબર્ગે પર્શિંગ ગોલ્ડ વિશે નવેમ્બર 2017માં એક રિપોર્ટ જાહેર કર્યો હતો અને કંપનીના અનિયમિત ડિસ્ક્લોઝરની ઘટનાઓ પાછળ એક વ્યક્તિનો હાથ હોવાનો ખુલાસો કર્યો હતો. અમેરિકાના બજાર નિયામકે આ વ્યક્તિ પર મલ્ટિપલ પંપ અને ડમ્પ સ્કીમ્સ ચલાવવાનો આરોપ ધરાવતા જૂથના માસ્ટર માઇન્ડ હોવાનો આરોપ મૂક્યો હતો.

Web Title: Hindenburg research report alleged against 17 companies before adani group who is nathan anderson

Best of Express