હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ ચારેય બાજુથી મુશ્કેલીમાં મુકાયેલા ગૌતમ અદાણી હવે આ સંકટમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મુશ્કેલીમાં બહાર નીકળવાના ભાગરૂપે અદાણી ગ્રૂપે તેણે ગીરવે મુકેલા 7374 કરોડ રૂપિયા એટલે કે 90 કરોડ ડોલરનું દેવું ચૂકવી દીધું છે. અદાણી ગ્રૂપે મંગળવારે આ જાણકાર આપી છે. અદાણી સમૂહ તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, તેઓ આવા પ્રકારના દેવાની માર્ચ અંત સુધીમાં ચૂકવણી કરી દેશે.
અદાણી ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રૂ. 7,374 કરોડની ઇક્વિટી-બેક્ડ દેવાની નિર્ધારિત સમય પહેલાં ચૂકવણી કરવામાં આવી છે, ત્યારે આ લોનની મુદ્દત એપ્રિલ, 2025માં સમાપ્ત થવાની હતી. “લિસ્ટેડ કંપનીઓના શેર સામે લીધેલા દેવાનો બોજ ઘટાડવા પ્રમોટરોની પ્રતિબદ્ધતાને અનુરૂપ નિર્ધારિત સમય પહેલાં તેની ચૂકવણી કરવામાં આવી છે,” એવું અદાણી જૂથે જણાવ્યું હતું.
અદાણી જૂથના પ્રમોટરે ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇસીસનો 4 ટકા હિસ્સો અને અદાણી પોર્ટ્સ અને સેઝનો 11.8 ટકા હિસ્સો ગીરવે મૂક્યો હતો. ઉપરાંત અદાણી ટ્રાન્સમિશન લિમિટેડના 3.6 કરોડ શેર કે 4.5 ટકા હિસ્સો, અદાણી ગ્રીન એનર્જીના 1.1 કરોડ શેર કે 1.2 ટકા હિસ્સો પ્રમોટરે ધિરાણકર્તાઓ પાસે ગીરવે મુક્યો હતો.
શેર ગીરવે મૂકીને લોનની ચુકવણી કર્યા બાદ આ ચારેય ગ્રૂપ કંપનીઓના શેર પ્રમોટર પાસે પરત આવશે. આ અગાઉ અદાણી જૂથે ફેબ્રુઆરીની શરૂઆતમાં અમૂક લોનની ચૂકવણી કરી હતી. એક નિવેદન અનુસાર અત્યાર સુધીમાં અદાણી ગ્રૂપે શેર સામે લીધેલી લોન પેટેનું 2.016 અબજ ડોલરનું દેવું ચૂકવ્યું છે. અદાણી સમૂહે જણાવ્યું કે, તેઓ 31 માર્ચ, 2023 સુધીમાં તમામ ઇક્વિટી-સમર્થિત દેવું ચૂકવવા માટે પ્રમોટર્સની પ્રતિબદ્ધતા પર અડગ છે.
અમેરિકન ફર્મ હિંડનબર્ગ રિસર્ચે 24 જાન્યુઆરીના રોજ એક અહેવાલમાં અદાણી જૂથ પર નાણાકીય છેતરપિંડી અને શેરના ભાવમાં હેરાફેરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જો કે જૂથે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા હતા, પરંતુ આ અહેવાલ બાદ અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના શેરમાં મોટા કડાકા બોલાતા રોકાણકારોને જંગી નુકસાન થયું છે. આવી કટોકટીની સ્થિતિમાં હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ જારી થયાના એક મહિનામાં જ અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓની માર્કેટ વેલ્યૂમાં 60 ટકાથી વધુનું ધોવાણ થયું હતું. અલબત્ત, છેલ્લા એક સપ્તાહથી અદાણી ગ્રૂપની તમામ કંપનીઓના શેરમાં હાલ સુધારાની ચાલી જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ ગૌતમ અદાણી માટે ખુશખબર, અદાણી એન્ટરપ્રાઇસને NSEએ સર્વેલન્સ લિસ્ટમાંથી હટાવી
અદાણી ગ્રૂપ ઉપર કેટલું દેવુ છે?
પાછલા વર્ષોમાં અદાણી ગ્રૂપના દેવામાં તીવ્ર વધારો થયો છે. રોકાણકારો સમક્ષ કરેલી રજૂઆત અનુસાર અદાણી ગ્રૂપનું દેવુ વર્ષ 2019માં 1.11 લાખ કરોડ રૂપિયા હતું જે વધીને વર્ષ 2023માં 2.21 લાખ કરોડે પહોંચી ગયુ છે. રોકડનો સમાવેશ કર્યા બાદ હવે વર્ષ 2023માં અદાણી જૂથનું ચોખ્ખું દેવું 1.89 લાખ કરોડ રૂપિયા હતું.