હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ મુશ્કેલીમાં મુકાયેલા ગૌતમ અદાણી અને તેમની માલિકીની અદાણી ગ્રૂપની કંપનીઓ માટે એક સપ્તાહની અંદર ત્રીજા ખુશીના સમાચાર આવ્યા છે. ગત સપ્તાહે અમેરિકાની કંપની GQG પાર્ટનર્સે અદાણી ગ્રૂપની કંપનીઓમાં 15,000 કરોડ રૂપિયાથી વધુનું મૂડીરોકાણ કર્યા બાદ શેરમાં સારી છેલ્લા પાંચેક દિવસથી સારી તેજી જોવા મળી રહી છે. હવે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇસીસને મોનિટરિંગ લિસ્ટમાંથી દૂર કરી છે.
શું છે સમગ્ર મામલો
NSE એ અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇસીસને શોર્ટ ટર્મ એડિશનલ સર્વેલન્સ ફ્રેમવર્કમાંથી હટાવી દીધી છે. અદાણી ગ્રૂપની અન્ય કંપનીઓ અંબુજા સિમેન્ટ્સ અને અદાણી પોર્ટ્સને પણ 2 ફેબ્રુઆરીએ શોર્ટ ટર્મ એડિશનલ સર્વેલન્સ ફ્રેમવર્ક (ST-ASM) હેઠળ મૂકવામાં આવી હતી. જોકે, આ કંપનીઓ 13 ફેબ્રુઆરીના થોડા સમય બાદ ST-ASM ફ્રેમવર્કમાંથી બહાર નીકળી ગઈ હતી.
એડિશનલ સર્વેલન્સ ફ્રેમવર્ક શું છે?
NSE ના પરિપત્ર મુજબ, SEBI અને સ્ટોક એક્સચેન્જોએ સંયુક્ત રીતે રોકાણકારોને શેર બજારમાં અમૂક કંપનીઓના સ્ટોકમાં ટ્રાન્ઝેક્શન કરતી વખતે સાવચેતી રાખવાની સલાહ આપવા માટે એડિશનલ સર્વેલન્સ મિકેનિઝમ (ASM) બનાવ્યું છે. ટૂંકમાં આ મિકેનિઝમ રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે બનાવવામાં આવ્યું છે. નિયામક આ મિકેનિઝમ હેઠળ રાખવામાં આવેલા શેરમાં વધ-ઘટ પર બાજ નજર રાખે છે. સ્ટોક્સને લાંબા ગાળા અને ટૂંકા ગાળા માટે આ મિકેનિઝમ હેઠળ રાખવામાં આવે છે. સિક્યોરિટીઝને અમુક માપદંડોના આધારે આ મિકેનિઝમ હેઠળ આવરી લેવા માટે શોર્ટલિસ્ટ કરાય છે. જેમ કે હાઇ-લો વેરિયેશન, ક્લાયન્ટ કોન્સેન્ટ્રેશન, ક્લોઝ પ્રાઇસ વેરિયેશનની નજીક, માર્કેટકેપ, વોલ્યૂમમાં વધઘટ, ડિલિવરી પર્સેન્ટેજ, યુનિક પાન નંબર, પીઇ વગેરે સામેલ છે.
આ પણ વાંચોઃ ગૌતમ અદાણી પર TMC સાસંદ મહુઆ મોઇત્રાનો આક્ષેપ – ‘અદાણીના વેવાઇ સેબીની સમિતિમાં સભ્ય છે’
અદાણી ગ્રૂપ પર સટ્ટાકિય ટ્રેડિંગના આક્ષેપ
અમેરિકાની ફર્મ હિંડનબર્ગ રિસર્ચે ગૌતમ અદાણી અને અદાણી ગ્રૂપની કંપનીઓ પર સટ્ટાકીય ટ્રેડિંગ અને નાણાંકીય હિસાબોમાં ગોટાળો કરવાના આરોપ મૂક્યા હતા. 24મી જાન્યુઆરીએ રિપોર્ટ રિલિઝ કરાયા બાદ અદાણી એન્ટરપ્રાઇઝ સહિત અદાણી ગ્રૂપની તમામ લિસ્ટેડ કંપનીઓના શેરમાં ભારે 80 ટકા સુધીનો કડાકો બોલાયો હતો, ત્યારબાદ NSEએ અદાણી ગ્રૂપના શેરને એડિશનલ સર્વેલન્સ મિકેનિઝમ હેઠળ મૂક્યા હતા.