અદાણી ગ્રૂપ અને હિંડનબર્ગ કેસ સંબંધિત અરજી પર શુક્રવારે સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે મોટા નિર્ણય લીધા છે. સર્વોચ્ચ અદાલતે અદાણી – હિંડનબર્ગ કેસમાં એક કમિટીની રચના કરવાનો નિર્ણય લીધો છે અને આ સમિતિના સભ્યોની નિમણૂક સંબંધિત બાબતે કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. ઉપરાંત સુપ્રીમ કોર્ટે સ્ટોક માર્કેટ માટેના રેગ્યુલેશનને મજબૂત કરવા માટેની માહિતી આપતા કેન્દ્ર સરકારના સૂચનોને સીલબંધ કવરમાં સ્વીકારવા ઇનકાર કર્યો હતો.
અમે પારદર્શિતા જાળવી રાખવા માંગીએ છીએઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની ખંડપીઠે કહ્યું કે, તેઓ રોકાણકારોના હિતમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવા માંગે છે અને અમે સીલબંધ કવરમાં કેન્દ્ર સરકારના સૂચનોનો સ્વીકાર કરશે નહીં. ખંડપીઠે કહ્યું કે, “અમે તમારા સૂચનો સીલબંધ કવરમાં સ્વીકારીશું નહીં કારણ કે અમે પારદર્શિતા જાળવવા માંગીએ છીએ.”
સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી કરતી વખતે પહેલા 10 ફેબ્રુઆરીના રોજ અદાણી ગ્રૂપના શેરના ભાવમાં તીવ્ર ઘટાડાની પૃષ્ઠભૂમિમાં બજારની અસ્થિરતાને ધ્યાનમાં રાખીને ભારતીય રોકાણકારોના હિત અંગે ટિપ્પણી કરી હતી. તે સમયે અદાલતે કેન્દ્ર સરકારે નિયમનકારી પ્રણાલીને મજબૂત કરવા માટે ભૂતપૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં આ ક્ષેત્રના નિષ્ંણાતોની સમિતિ બનાવવા અંગે વિચારણા કરવા જણાવ્યું હતું.
અદાણી-હિંડનબર્ગ વિવાદમાં જનહિતની 4 અરજીઓ દાખલ
હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ ભારતીય ઉદ્યોગપતિ અને એક સમયે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બનેલા ગૌતમ અદાણીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. અદાણી ગ્રૂપ – હિંડનબર્ગ વિવાદમાં અત્યાર સુધી ચાર જાહેર હિતની અરજીઓ અદાલતમાં દાખલ કરવામાં આવી છે. એડવોકેટ એમએલ શર્મા અને વિશાલ તિવારી, કોંગ્રેસ નેતા જયા ઠાકુર અને કાર્યકર્તા મુકેશ કુમારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
નોંધનીય છે કે, અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા ગૌતમ અદાણી અને તેમની માલિકીના અદાણી ગ્રૂપ વિરુદ્ધ સામે અનેક આક્ષેપો કર્યા બાદ, અદાણી સમૂહની લિસ્ટેડ કંપનીઓના શેરના ભાવમાં જબરદસ્ત ધબડકો બોલાયો હતો. જો કે અદાણી જૂથે હિંડનબર્ગ રિસર્ચે કરેલા તમામ આક્ષેપો નકારી કાઢ્યા છે.
અદાણી કંપનીઓના શેરમાં આજે 50-50નો માહોલ
કંપનીનું નામ | બંધ ભાવ | વધ-ઘટ |
---|---|---|
અદાણી ટોટલ ગેસ | 973 | -5.00% |
અદાણી ટ્રાન્સમિશન | 919 | -4.87% |
અદાણી એન્ટરપ્રાઇસ | 1721 | -4.15% |
અદાણી પોર્ટ-સેઝ | 578 | +0.28% |
એસીસી લિમિટેડ | 1839 | -0.08% |
અદાણી ગ્રીન એનર્જી | 628 | +2.02% |
અંબુજા સિમેન્ટ | 353 | +1.52% |
અદાણી પાવર | 155 | +4.97% |
અદાણી વિલ્મર | 437 | +5.00% |
એનડીટીવી | 217 | +5.00% |