અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ભારે વેચવાલી વચ્ચે એક મોટા સમાચાર આવી રહ્યા છે. રોયટર્સ અને કેટલાક મીડિયા સ્ત્રોતોને ટાંકીને સમાચાર આવ્યા છે કે, અદાણી ગ્રૂપની કેટલીક કંપનીઓએ તેમના પ્લેજ્ડ કરેલા એટલે કે ગીરવે મૂકેલા શેર છોડાવી લીધા છે. કંપનીના ગીરવે મૂકેલા શેરને મેચ્યુરિટી પહેલા જ રિલિઝ કરાવવા માટે અદાણી ગ્રૂપે 1.1 અબજ ડોલરનું પ્રીપેમેન્ટ કર્યું છે. પ્રીપેમેન્ટ એટલે મુદ્દત પહેલા ચૂકવણી કરવી.
એવું માનવામાં આવે છે કે, હિંડનબર્ગ રિસર્ચના સનસનાટી ભર્યા રિપોર્ટ બાદ શોર્ટ સેલિંગથી અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં રીતસરનો ધબડકો બોલાયો અને આવી કટોકટીના સમયે રોકાણકારોનો વિશ્વાસ અપાવવા માટે મેચ્યુરિટી પહેલા પેમેન્ટ કરીને ગીરવે મૂકેલા શેરને છોડાવી લીધા છે. અત્રે નોંધનિય છે કે, હિંડનબર્ગ રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપના શેરમાં આવેલા વેચવાલીના વાવાઝોડાથી ચિંતિત થઇને ગૌતમ અદાણીએ તેમની ફ્લેગશિપ અદાણી એન્ટરપ્રાઇસનો 20,000 કરોડ રૂપિયાનો એફપીઓ રદ રદ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તીવ્ર વેચવાલીથી અદાણી ગ્રૂપની શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓના શેરમાં 65 ટકાથી વધુનો ધબડકો બોલાયો છે.
કઇ-કઇ કંપનીઓના ગીરવે મૂકેલા શેર છોડાવ્યા
મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રમોટર અદાણી ગ્રૂપે ગીરવે મૂકેલી જે કંપનીઓના શેર છોડાવ્યા છે તેમાં અદાણી પોર્ટ્સ અને સેઝ, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનનો સમાવેશ થાય છે.

માહિતી અનુસાર પ્રમોટરો અદાણી પોર્ટ્સ-સેઝ કંપનીના ગીરવે મૂકેલા 16.82 કરોડ ઇક્વિટ શેર છોડાવી લીધા છે, જે પ્રમોટર્સના 12 ટકા શેરહોલ્ડિંગ જેટલા થાય છે. બીજી તરફ, અદાણી ગ્રીન કંપનીના 2.75 કરોડ ઇક્વિટી શેર અને અદાણી ટ્રાન્સમિશનના 1.17 કરોડ ઇક્વિટી શેર રિડિમ કરાવ્યા છે, જે પ્રમોટર્સના અનુક્રમે 3 ટકા અને 1.4 ટકા શેરહોલ્ડિંગના સમકક્ષ છે.

પ્રમોટરોએ 3 કંપનીના ગીરવે મૂકેલા શેર પ્રીપેમેન્ટ કરીને છોડાવી લીધા છે. આ સાથે પ્રમોટર્સ દ્વારા અદાણી પોર્ટ્સ-સેઝના ગીરવે મૂકેયાલે શેરહોલ્ડિંગનું પ્રમામ 17.31 ટકાથી ઘટીને 5.31 ટકા થયું છે, તો અદાણી ગ્રીન એનર્જીના પ્લેજ્ડ શેર્સની સંખ્યા 4.36 ટકાથી ઘટીને 1.36 ટકા અને અદાણી ટ્રાન્સમિશનના શેરની સંખ્યા 6.62 ટકાથી ઘટીને 5.22 ટકા થઈ છે.
અદાણી ગ્રૂપના પ્રમોટર્સના કઇ કંપનીના કેટલા શેર ગીરવે છે
કંપનીનું નામ | પ્રમોટર્સનું કુલ હોલ્ડિંગ | અગાઉ પ્લેજ્ડ શેર | હાલ પ્લેજ્ડ સ્ટોક | |
---|---|---|---|---|
અદાણી ગ્રીન એનર્જી | 60.75% | 4.36% | 1.36% | |
અદાણ પાવર | 74.97% | 25.01% | 25.01% | |
અદાણી ટોટલ ગેસ | 74.80% | 0.00% | 0.00 | |
અદાણી ટ્રાન્સમિશન | 74.19% | 6.62% | 5.22% | |
અદાણી એન્ટરપ્રાઇસ | 72.63% | 2.66% | 2.66% | |
અદાણી પોર્ટ્સ-સેઝ | 65.13% | 17.31% | 5.31% | |
અંબુજા સિમેન્ટ | 63.22% | 0.00 | 0.00 | |
એસીસી | 56.69% | 0.00 | 0.00 | |
અદાણી વિલ્મર | 87.84% | 0.00 | 0.00 |
શા માટે કંપનીઓ શેર ગીરવે મૂકે છે
ઘણી વખત કંપનીઓ તેમના બિઝનેસના વિકાસ અને વિસ્તરણ માટે બેંક અથવા માર્કેટમાંથી ધિરાણ મેળવે છે. જેમાં કોઇ જામીનગીરી સામે લોન મેળવવામાં આવે છે. આમ બેંકો કંપનીઓની આપેલી લોનની રકમ સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે જામીનગીરી તરીકે કોઇ સંપત્તિ કે શેર ગીરવે મૂકાવાની લોન આપે છે. ઘણી કંપનીઓ બેન્કો કે ફાઇનાન્સ કંપનીઓ પાસે તેના શેર ગીરવે મૂકીને ધિરાણ મેળવતી હોય છે. જે-તે કંપનીના શેરના કરન્ટ માર્કેટ પ્રાઇસના આધારે કંપનીઓને શેર સામે લોન આપવામાં આવે છે.