ગૌતમ અદાણીના આગેવાની હેઠળના અદાણી ગ્રૂપની તમામ લિસ્ટેડ કંપનીના શેરમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો છે. બુધવારે શેરબજારમાં લિસ્ટેડ અદાણી ગ્રૂપની કંપનીઓના શેર ઇન્ટ્રા-ડે 7 ટકા સુધી તૂટ્યા હતા. જેમાં સૌથી વધુ ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇસ કંપનીનો શેર તૂટ્યો હતો. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં સતત ઘટી રહ્યા છે. આ વખતે શેર ઘટવા પાછળ વધુ એક કારણ જવાબદાર છે અને તે છે અદાણી ટોટલ ગેસ કંપનીના સ્વતંત્ર ઓડિટર પદેથી અમદાવાદની ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ફર્મ શાહ ધનધરિયા એન્ડ કંપનીનું રાજીનામું છે. નોંધનિય છે કે, હિંડનબર્ગ રિસર્ચની રિપોર્ટમાં સીએ ફર્મ શાહ ધનધરિયાનું પણ નામ હતું.
હિંડનબર્ગ રિપોર્ટમાં શાહ ધનધરિયાનો ઉલ્લેખ
અદાણી ટોટલ ગેસ કંપનીના સ્વતંત્ર ઓડિટર પદેથી અમદાવાદની ચાર્ટર્ડ એકાઉન્ટ ફર્મ શાહ ધનધરિયા એન્ડ કંપનીએ રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનિય છે કે, હિંડનબર્ગ રિસર્ચે ગૌતમ અદાણી અને તેમન કંપનીઓ પર કથિત આક્ષેપો કરેતો જે રિપોર્ટ રિલિઝ કર્યો હતો તેમાં આ સીએ ફર્મ શાહ ધનધરિયાનો પણ ઉલ્લેખ હતો.
અદાણી ટોટલ ગેસ કંપનીએ 26 જુલાઇ 2022ના રોજ પાંચ વર્ષની મુદ્દત માટે શાહ ધનધરિયા એન્ડ કંપનીને ઓડિટર તરીકે નિમણુંક કરી હતી. પરંતુ એક વર્ષ કરતા પણ ઓછા સમયમાં શાહ ધનધરિયાએ અદાણી ટોટલ ગેસના સીએ ઓડિટર પદેથી રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનિય છે કે, શાહ ધનધરિયા ફર્મ એ અદાણી એન્ટરપ્રાઇસની પણ ઓડિટર છે. રાજીનામું આપવાની સાથે જ સીએ ફર્મ શાહ ધનધરિયાના બોર્ડ ઓફ ડિરેક્ટરે ચોથા ક્વાર્ટર અને સમગ્ર નાણાંકીય વર્ષ 2022-23ના પરિણામોને પણ મંજૂરી આપી છે.
અદાણી ગ્રૂપના તમામ શેર તૂટ્યા
સીએ ફર્મ ધનધરિયાના ઓડિટર પદેથી રાજીનામાંના અહેવાલને પગલે અદાણી ગ્રૂપની શેર બજારમાં લિસ્ટેડ તમામ કંપનીઓના શેર તૂટ્યો રહ્યા છે. બીએસઇ ખાતે લિસ્ટેડ અદાણી એન્ટરપ્રાઇસનો શેર ઇન્ટ્રા-ડે 7 ટકા જેટલો તૂટીને 1768 રૂપિયાની નીચી સપાટી બનાવી સેશનના અંતે સવા ટકાના ઘટાડે 1838.55 રૂપિયાના સ્તરે બંધ થયો હતો. તેવી જ રીતે અદાણી ગ્રીન એનર્જી 3.3 ટકા ઘટીને 941 રૂપિયા બંધ થયો હતો.
આ પણ વાંચોઃ અદાણી ગ્રૂપ – હિંડનબર્ગ વિવાદની તપાસ માટે સેબીએ સુપ્રીમ કોર્ટ પાસે 6 મહિનાનો સમય માંગ્યો
અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં ઘટાડો
કંપનીનું નામ | બંધ ભાવ | ઘટાડો |
---|---|---|
અદાણી વિલ્મર | 397.65 | 4.30% |
અદાણી એન્ટરપ્રાઇસ | 1838.55 | 4.24% |
અદાણી ટોટલ ગેસ | 922.10 | 3.81% |
અદાણી ગ્રીન એનર્જી | 941.95 | 3.30% |
અદાણી ટ્રાન્સમિશન | 993.40 | 2.76% |
અંબુજા સિમેન્ટ | 383.50 | 2.76% |
અદાણી પાવર | 231.25 | 1.99% |
એનડીટીવી | 182.60 | 1.75% |
અદાણી પોર્ટ-સેઝ | 669.85 | 1.69% |
એસીસી લિમિટેડ | 1744.60 | 1.13% |