અદાણી ગ્રૂપને મોટો ઝટકો લાગ્યો છે. મોર્ગન સ્ટેનલી કેપિટલ ઈન્ટરનેશનલ (MSCI) એ જણાવ્યું છે કે અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશનને 31 મેથી MSCI ઈન્ડિયા ઈન્ડેક્સમાંથી દૂર કરવામાં આવશે. આ સ્પષ્ટીકરણ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. MSCIએ કહ્યું કે તેમણે ઇન્ડેક્સમાંથી 3 કંપનીઓને દૂર કરવાનો અને 3 નવી કંપનીઓ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. આ ફેરફારો 31 મે 2023થી લાગુ થશે.
MSCI ઇન્ડિયા ઇન્ડેક્સમાંથી દૂર થતા અદાણી ગ્રૂપના શેરમાં ઘટાડો
MSCI ઇન્ડિયા ઇન્ડેક્સમાં અદાણી ગ્રૂપ બે કંપની – અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગેસને દૂર કરવાના નિર્ણય બાદ તેમના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે ગુરુવારે BSE ખાતે અદાણી ટોટલ ગેસનો શેર 5 ટકાની સેલર સર્કિટમાં 812.60 રૂપિયાની ઇન્ટ્રા-ડે બોટમ બનાવી સેશનના અંતે 4.33 ટકાના ઘટાડે 818 રૂપિયા બંધ થયો હતો. તો અદાણી ટ્રાન્સમિશનનો શેર પણ 5 ટકા ઘટીની નુકસાનમાં 871.15 રૂપિયાની ઇન્ટ્રા-ડે બોટમ બનાવી સેશનના અંતે 3.5 ટકા તૂટીને 885 રૂપિયા બંધ થયો હતો.
MSCIએ જણાવ્યું કે, MSCI ઇન્ડિયા ઇન્ડેક્સમાંથી 3 કંપનીઓને દૂર કરવાનો અને તેમના સ્થાને 3 નવી કંપનીઓ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. આ ફેરફારો 31 મે 2023થી લાગુ થશે. MSCI ઈન્ડિયા ઈન્ડેક્સમાંથી દૂર થનાર ત્રણ કંપનીઓમાં ઇન્ડક ટાવર્સનું પણ નામ છે. આજે ઇન્ડસ ટાવર્સનો શેર BSE પર 147.90 રૂપિયાની ઇન્ટ્રા-ડે બોટમ બનાવી સેશનના અંતે 148.20 રૂપિયાના સ્તરે બંધ થયો હતો. તો MSCI ઇન્ડિયા ઇન્ડેક્સમાં જે 3 નવી કંપનીઓને સામેલ કરવામાં આવશે તેમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ, મેક્સ હેલ્થકેર ઈન્સ્ટિટ્યૂટ અને સોના BLW પ્રિસિઝન છે. દુનિયાભરના રોકાણકારો રોકાણના નિર્ણયો લેવા માટે MSCI ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સનો વ્યાપકપણે ઉપયોગ કરે છે.
અદાણી ગ્રૂપની 10માંથી 9 કંપનીના શેર તૂટ્યા
આજે અદાણી ગ્રૂપના શેરબજારમાં લિસ્ટેડ 10માંથી 9 કંપનીઓના શેર તૂટ્યા હતા.
કંપનીનું નામ | શેર ભાવ | વધ/ઘટ |
---|---|---|
અદાણી ટોટલ ગેસ | 818 | -4.33% |
અદાણી ટ્રાન્સમિશન | 885 | -3.49% |
એનડીટીવી | 180 | -1.34% |
અદાણી એન્ટરપ્રાઇસ | 1964 | -1.00% |
અદાણી વિલ્મર | 392 | -0.70% |
અદાણી પાવર | 241 | -0.64% |
અદાણી સિમેન્ટ | 410 | -0.51% |
એસીસી લિમિટેડ | 1797 | +0.61% |
અદાણી ગ્રુપની ફંડ એકત્ર કરવાની તૈયારી
ગૌતમ અદાણીની બે કંપનીઓને ઇન્ડેક્સમાંથી બાકાત રાખવાનો નિર્ણય MSCI ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સ દ્વારા એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે અદાણી ગ્રૂપ તેની ત્રણ કંપનીઓ દ્વારા જંગી ભંડોળ એકત્ર કરવાની તૈયારી કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ, ગૌતમ અદાણી જૂથની ત્રણ કંપનીઓ અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનએ 5 અબજ ડોલર એટલે કે લગભગ 40,000 કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. હિંડનબર્ગ રિપોર્ટ બાદ ફંડ એકત્ર કરવાની દિશામાં અદાણી ગ્રુપનું આ મોટું પગલું છે. આ કંપનીઓની મહત્વની બોર્ડ મીટિંગ 13 મેના રોજ યોજાવા જઈ રહી છે.