અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં છેલ્લા ત્રણેક દિવસથી તેજી જોવા મળી રહી છે અને તેમાંય શુક્રવારે તો મોટાભાગના સ્ટોક્સમાં તેજીની અપર સર્કિટ લાગી હતી. જેમાં ગૌતમ અદાણીની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઇસ કંપનીનો શેર 17 ટકા ઉછળ્યો હતો. આ તેજીનું મુખ્ય કારણ છે ગૌતમ અદાણી દ્વારા અદાણી ગ્રૂપની ચાર કંપનીઓના હિસ્સાનું અમેરિકાની GQG પાર્ટનર્સ કંપનીને વેચાણ છે.
અદાણીના તમામ શેર તેજીના રેકોટમાં ઉડ્યા
અમેરિકાના GQG પાર્ટનર્સ ઇન્ક દ્વારા અદાણી ગ્રૂપની ચાર કંપનીઓમાં હિસ્સો ખરીદવાના અહેવાલ બાદ શુક્રવારે શેર બજારમાં અદાણી ગ્રૂપની તમામ લિસ્ટેડ દસે-દસે કંપનીના શેર તેજીની સર્કિટમાં ઉડ્યા હતા. લગભગ 40 દિવસ બાદ અદાણી ગ્રૂપના શેરમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. શુક્રવારે ગૌતમ અદાણીની માલિકીની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇસનો શેર સૌથી વધુ 17 ટકા ઉછળ્યો હતો. ત્યારબાદ અદાણી પોર્ટ-સેઝ 10 ટકા વધ્યો હતો. અન્ય આઠ કંપનીના શેરમાં 5 ટકાની તેજીની સર્કિટ લાગી હતી.
આ આ સપ્તાહ અદાણી ગ્રૂપના શેર માટે પ્રોત્સાહક રહ્યું છે. આ સપ્તાહે અદાણી એન્ટરપ્રાઇસનો શેર સૌથી વધુ 42 ટકા અને અદાણી પોર્ટ-સેઝના શેરમાં 22 ટકાનું રિટર્ન મળ્યું છે.
અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં તેજીની સર્કિટ
કંપનીનું નામ | આજનો બંધ ભાવ | ઉછાળો | સાપ્તાહિક વધારો | |
---|---|---|---|---|
અદાણી એન્ટરપ્રાઇસ | 1879 | +16.97% | 42.5% | |
અદાણી પોર્ટ-સેઝ | 684 | +9.81% | 22.50 | |
અદાણી પાવર | 169 | +4.99% | 15.44% | |
અદાણી ટ્રાન્સમિશન | 743 | +5.00% | 4.47% | |
અદાણી ગ્રીન એનર્જી | 562 | +5.00% | 15.47% | |
અદાણી ટોટલ ગેસ | 781 | +5.00% | 3.92% | |
અદાણી વિલ્મર | 418 | +4.99% | 15.45% | |
અંબુજા સિમેન્ટ | 392 | +5.70% | 13.50% | |
એસીસી લિમિટેડ | 1894 | +5.11% | 9.48% | |
એનડીટીવી | 220 | +4.98% | 15.42% |
હિંડનબર્ગ વિવાદ બાદ અદાણીના શેરમાં 11 લાખ કરોડથી વધારે નુકસાન
ઉલ્લેખનીય છે કે, 24 જાન્યુઆરી, 2023ના રોજ હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ ગૌતમ અદાણીની માલિકીની અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં તીવ્ર વેચવાલીનું વાવાઝોડું આવ્યું અને રોકાણકારોને 11.81 લાખ કરોડ રૂપિયાથી વધારે નુકસાન થયું છે.
ગૌતમ અદાણીએ 4 ગ્રૂપ કંપનીનો હિસ્સો 15,446 કરોડમાં વેચ્યા
ગુરુવારે અદાણી ગ્રૂપ દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલિઝ મુજબ ગૌતમ અદાણીએ તેમની ચાર કંપનીનો કેટલોક હિસ્સો અમેરિકાની GQG પાર્ટનર્સ ઇન્કને રૂ. 15,446 કરોડમાં વેચ્યા છે. માહિતી અનુસાર એસબી અદાણી ફેમિલી ટ્રસ્ટે ગુરુવારે ઓપન માર્કેટમાં અદાણી ગ્રૂપની ચાર કંપનીઓના 21 કરોડ ઇક્વિટી શેર રૂ. 15,446 કરોડમાં વેચ્યા છે. આ ટ્રસ્ટ એ અદાણી ગ્રૂપના પ્રમોટર જૂથનો એક ભાગ છે.
આ પણ વાંચોઃ એક મહિનામાં અદાણીના શેરમાં રોકાણકારોએ ₹ 11.81 લાખ કરોડ ગુમાવ્યા
કઇ-કઇ કંપનીનો હિસ્સો વેચ્યો
ગૌતમ અદાણીએ બ્લોક ડીલ મારફતે ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ), અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનમાં હિસ્સો વેચ્યો છે. અમેરિકા સ્થિત કંપની GQG પાર્ટનર્સે સેકન્ડરી બ્લોક ટ્રેડ ટ્રાન્ઝેક્શન દ્વારા આ હિસ્સો ખરીદવામાં આવ્યો છે.