ગૌતમ અદાણી અને અદાણી ગ્રૂપની કંપનીઓને હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટના વિવાદ બાદ ઉભી થયેલી મુશ્કેલીઓથી હાલ રાહત મળવાની કોઇ શક્યતા દેખાતી નથી. હિંડનબર્ગ વિવાદ બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં જંગી નુકસાન બાદ ગૌતમ અદાણી હવે રોકાણકારોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે કંપનીને વધુ એક ફટકો લાગ્યો છે. અદાણી ગ્રૂપે ગુજરાતમાં મુદ્રા ખાતે 34,900 કરોડ રૂપિયાનો પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ અટકાવી દીધો છે.
મુદ્રા ખાતેનો પેટ્રોકેમિકલ પ્લાન્ટ અટાકવ્યો
ગૌતમ અદાણીની માલિકીની મુખ્ય ગ્રૂપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) એ વર્ષ 2021માં સંપૂર્ણ માલિકીની પેટાકંપની – મુન્દ્રા પેટ્રોકેમ લિમિટેડની શરૂઆત કરી હતી. આ કંપનીની સ્થાપના ગુજરાતના કચ્છ જિલ્લામાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) જમીન પર ગ્રીનફિલ્ડ કોલ-ટુ-PVC પ્લાન્ટ સ્થાપવા માટે કરવામાં આવી હતી.
આ ઘટનાક્રમથી માહિતગાર સુત્રોએ જણાવ્યું કે, અદાણી જૂથે થોડાંક સમય માટે વાર્ષિક 10 લાખ ટન ગ્રીન પીવીસી પ્રોજેક્ટને આગળ ન વધારવાનો નિર્ણય લીધો છે. જૂથે વેન્ડરો અને સપ્લાયરોને તાત્કાલિક ધોરણે તમામ ગતિવિધી રોકવા માટે ઇ-મેલ કર્યો છે.
અદાણી ગ્રૂપે આ પ્રોજેક્ટ સ્થાપવાની યોજના એટલા માટે ઘડી હતી કારણ કે, ભારતમાં પીવીસીની માંગ લગભગ 3.5 MTPA છે અને વાર્ષિક ધોરણે 7 ટકાના દરે વધી રહી હતી. ભારતમાં PVCનું સ્થાનિક ઉત્પાદન 14 લાખ ટન વાર્ષિક જેટલુ છે, આથી ભારત માંગ સાથે વૃદ્ધિ જાળવી રાખવા માટે આયાત પર નિર્ભર છે.
PVC એ પ્લાસ્ટિકનું દુનિયામાં ત્રીજું સૌથી વધુ વ્યાપકપણે ઉત્પાદિત સિન્થેટિક પોલિમર છે. તેનો ઉપયોગ ફ્લોરિંગથી માંડીને ગટરની પાઈપો બનાવવા અને પાઈપના અન્ય પાર્ટ્સ, ઇલેક્ટ્રિકલ વાયર પર ઇન્સ્યુલેશન, પેકેજિંગ અને એપ્રોનના ઉત્પાદનમાં થાય છે.
હિંડનબર્ગ વિવાદ બાદ અદાણી ગ્રૂપને 140 અબજ ડોલરનું નુકસાન
24 જાન્યુઆરી, 2023ના રોજ અમેરિકાની શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે ગૌતમ અદાણી અને તેમની માલિકીની અદાણી ગ્રૂપ કંપનીઓ પર શેરબજારમાં ગેરરીતિ અને કૌભાંડ અને જંગી દેવું હોવાના આક્ષેપ કરતો એક સનસનાટી ભર્યો રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. હિંડનબર્ગ રિસર્ચના આ રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં મસમોટા કડાકા બોલાયા હતા અને તેને પગલે કોર્પોરેટ ગ્રૂપને 140 અબજ ડોલરનું જંગી નુકસાન થયુ છે. એપલથી એરપોર્ટ સુધીની ઇન્ડસ્ટ્રીઝમાં અગ્રણી કામગીરી બજાવતું અદાણી ગ્રૂપ હવે રોકાણકારોનો વિશ્વાસ હાંસલ કરવા પ્રયાસ કરી રહ્યું છે.
રોકાણકારોનો વિશ્વાસ હાંસલ કરવા રણનીતિ ઘડી
અદાણી ગ્રૂપે રોકાણકારોનો વિશ્વાસ ફરી હાંસલ કરવા માટે એક રણનીતિ તૈયાર કરી છે. જે હેઠળ દેવાની પરત ચૂકવણી, કંપનીના ગીરવે મૂકેલા શેર પરત છોડાવવા, કામગીરીનું એકીકૃતકરણ કરી રહી છે.
અદાણી ગ્રૂપે હિંડનબર્ગ રિસર્ચે કરેલા તમામ આક્ષેપોને ફગાવી દીધા છે. એટલું જ નહીં અદાણી ગ્રૂપ નાણાંકીય ભંડોળ અને ઉપલબ્ધ ફાઇનાન્સના આધાર પર પોતાના પ્રોજેક્ટોનું ફેર મૂલ્યાંકન કરી રહી છે.
આ પણ વાંચોઃ હિંડનબર્ગ વિવાદથી મુશ્કેલીમાં મુકાયેલા ગૌતમ અદાણી સિમેન્ટ બિઝનેસ વેચશે
હિંડનબર્ગ વિવાદ બાદ અદાણીએ ઘણા સોદા રદ કર્યા
હિંડનબર્ગ વિવાદ બાદ અદાણી ગ્રૂપને નાછુટકે ઘણા સોદા અને પ્રોજેક્ટ ખરીદવાની ડીલ રદ કરવા પડ્યા છે. જેમાં અદાણી ગ્રૂપે 7000 કરોડ રૂપિયાના કોલ પ્લાન્ટને ખરીદવાની યોજના પડતી મૂકી છે. ઉપરાંત ખર્ચ ઘટાડવા માટે કંપનીએ પાવર ટ્રેડર PTCમાં પણ હિસ્સો ખરીદવા માટે બીડ કરવાની યોજના પણ માંડીવાળી હતી. ઉપરાંત કંપનીના પ્રમોટરોએ ગીરવે મૂકેલા શેરહોલ્ડિંગને પરત છોડવવા માટે દેવાની પરત ચૂકવણી કરી રહ્યા છે.