અદાણી ગ્રુપ અંબુજા સિમેન્ટમાં પોતાની ભાગીદારી વેચવા પર વિચાર કરી રહ્યું છે. ફાઇનેંશિયલ ટાઇમ્સે આ મામલાથી પરિચિત લોકોના હવાલાથી પોતાનો રિપોર્ટમાં આ જાણકારી આપી છે. રિપોર્ટ પ્રમાણે અદાણીએ ગુરુવારે પોતાના સિમેન્ટ બિઝનેસ અંબુજા સિમેન્ટમાંથી 4 થી 5% ભાગ વેચવા માટે આંતરરાષ્ટ્રીય લેન્ડર્સ પાસે ઔપચારિક વિનંતી કરી છે.
આ વિશે જ્યારે ન્યૂઝ એજન્સી રોયટર્સે અદાણી ગ્રુપની પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કર્યો તો તેમણે તાત્કાલિક કોઇ જવાબ આપ્યો નથી. ગત વર્ષે જ અદાણી ગ્રુપે ભારતમાં હોલ્સિમ એજીના સિમેન્ટ બિઝનેસ અંબુજા સિમેન્ટ અને એસીસી લિમિટેડનું અધિગ્રહણ 10.5 બિલિયન ડોલરમાં કર્યું હતું. જે અત્યાર સુધી અદાણીનું સૌથી મોટું અધિગ્રહણ છે.
હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ આવ્યા પછી અદાણીને ઘણું નુકસાન થયું છે. અદાણીના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જોકે હવે થોડીક સારી સ્થિતિ જોવા મળી રહી છે. હવે અદાણી દ્વારા આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ગ્રુપ ઇન્વેસ્ટર્સના વિશ્વાસને ફરીથી બનાવવા માંગે છે.
આ પણ વાંચો – 19 વર્ષ બાદ આવી રહ્યો છે ટાટા ગ્રૂપની વધુ એક કંપનીનો IPO, રોકાણકારો માટે કમાણીની તક
હાલમાં જ અદાણી ગ્રુપે સમય પહેલા પોતાની ઘણી લોનોનું પેમેન્ટ કરીને પોતાના સમૂહ સાથે જોડાયેલા લોકોની ચિંતાઓ દુર કરવાનો પ્રયત્ન કર્યો છે. કેટલાક દિવસ પહેલા આવેલા રિપોર્ટમાં એ પણ દાવો કર્યો હતો કે ગૌતમ અદાણી અને તેમના પરિવારે પોતાના સમૂહ અદાણી ગ્રુપના શેરો દ્વારા સમર્થિત બધા ઉધારોનું પેમેન્ટ કર્યું છે.
હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં શું કહેવાયું હતું?
ગૌતમ અદાણી અને અદાણી ગ્રુપની આ સમગ્ર મુશ્કેલીનું કારણ ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ હિંડનબર્ગ ફર્મનો એક રિપોર્ટ છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ કોર્પોરેટ ગ્રુપ દાયકાઓથી શેરબજારને ખોટી રીતે નિયંત્રિત કરવાનું કામ કરી રહ્યું હતું. કંપની તેની સ્કીમોને પ્રમોટ કરીને શેરબજારને નિયંત્રિત કરી રહી હતી જે એક રીતનો ‘ફ્રોડ’ છે. હિંડનબર્ગ અદાણી ગ્રુપમાં યુએસ-ટ્રેડેડ બોન્ડ મારફતે એક્સપોઝર ધરાવે છે. તેનું કહેવું છે કે અદાણી ગ્રુપની ઘણી કંપનીઓ દેવાના ડુંગર તળે દબાયેલી છે અને તેના કારણ જ કોર્પોરેટ ગ્રૂપ પર સંકટ ઉભું થયું છે.