IPOના રોકાણકારો માટે શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો એક સારી તક આવી રહી છે. ટાટા ગ્રૂપ 19 વર્ષ બાદ વધુ એક કંપનીનો આઇપીઓ લાવવાની તૈયારી કરી રહી છે, આ કંપનીનું નામ છે ટાટા ટેકનોલોજીસ લિમિટેડ (Tata Technologies Limited). આ અગાઉ વર્ષ 2004માં ટાટા ગ્રૂપની સૌથી મજબૂત કંપની TCSનો IPO આવ્યો હતો.
19 વર્ષ બાદ ટાટા ગ્રૂપની કોઇ કંપનીનો IPO આવશે
ભારતનું અગ્રણી અગ્રણી કોર્પોરેટ ગ્રૂપ ટાટા સમૂહ 19 વર્ષ બાદ તેની કોઇ ગ્રૂપ કંપની ટાટા ટેકનોલોજીસ લિમિટેડનો પબ્લિક ઇશ્યૂ લાવવાની તૈયારી કરી રહ્યું છે. ટાટા ટેક્નોલોજિસે ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO) દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયામાં (સેબી)માં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (IPO) ફાઇલ કર્યો છે. ટાટા ટેક્નોલોજીસ એ ટાટા મોટર્સની પેટાકંપની છે અને કંપનીએ 9 માર્ચના રોજ સેબીમાં DRHP ફાઇલ કર્યું હતું.
ટાટા ટેકનોલોજીસના કેટલા શેરનું વેચાણ કરાશે?
ટાટા ટેકનોલોજીસ લિમિટેડે સેબીમાં ફાઇલ કરેલા DRHP મુજબ, આ IPO ઇશ્યૂ હેઠળ કંપનીના હાલના પ્રમોટર્સ અને શેરધારકો 9.57 કરોડ સુધીના ઇક્વિટી શેરનું વેચાણ કરશે, જે કંપનીની પેઇડ-અપ શેર કેપિટલના 23.6 ટકા જેટલા છે. ટાટા ટેકનોલોજીસનો આઇપીઓ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ હશે. આ IPO હેઠળ ટાટા મોટર્સ ટાટા મોટર્સ ટાટા ટેકનોલોજીસના 8.11 કરોડ શેર, આલ્ફા TC હોલ્ડિંગ્સ Pteના 97.2 લાખ શેર અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ-I 48.6 લાખ શેરનું વેચાણ કરશે.
ટાટા ટેકનોલોજીસમાં ટાટા ગ્રૂપનો હિસ્સો કેટલો?
હાલ ટાટા મોટર્સ આ Tata Technologies કંપનીમાં 74.69 ટકા હિસ્સો ધરાવે છે. તો Alpha TC Holdings Pte પાસે 7.26 ટકા અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ-I પાસે 3.63 ટકા શેરહોલ્ડિંગ છે.
આ IPOના લીડ બુક મેનેજર જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, બોફા સિક્યોરિટીઝ અને સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા હશે. કંપનીએ હમણાં જ સેબીમાં તેના IPO પેપર્સ ફાઇલ કર્યા છે. જો કે, IPO દ્વારા કેટલું ભંડોળ એકત્ર કરવામાં આવશે અને IPOની પ્રાઇસ બેન્ડ શું હશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
ટાટા ટેકનોલોજીસ કંપની શું બિઝનેસ કરે છે?
ટાટા ટેક્નોલોજીસ એ ટાટા ગ્રૂપની 33 વર્ષ જૂની કંપની છે. આ કંપનીની સ્થાનપા વર્ષ 1989માં થઇ હતી અને તેનું હેડક્વાર્ટર પુનામાં આવેલું છે. ટાટા ટેકનોલોજીસ કંપની પ્રોડક્ટ એન્જિનિયરિંગ અને ડિજિટલ સર્વિસનો બિઝનેસ કરે છે. આ કંપની ઓટોમોટિવ, ઈન્ડસ્ટ્રીયલ હેવી મશીનરી અને એરોસ્પેસ સેક્ટરમાં સર્વિસ પૂરી પાડે છે. કંપની બિઝનેસ માટે ટાટા ગ્રૂપની અન્ય કંપનીઓ ટાટા મોટર્સ અને જગુઆર લેન્ડ રોવર પર પણ નિર્ભર છે. કંપનીમાં 11 હજાર જેટલા કર્મચારીઓ કામગીરી કરે છે. આ કંપનીના મુખ્ય હરીફ Cyient, ઇન્ફોસિસ, KPIT ટેકનોલોજીસ, Persistent છે.
આ પણ વાંચોઃ અમિતાભ બચ્ચનનો કરોડપતિ સ્ટોક, 5 વર્ષમાં મળ્યું 5 ગણું તગડું રિટર્ન
કંપની કેટલો નફો કરે છે?
ટાટા ટેકનોલોજીસ એ નફો રળતી કંપની છે. 31 ડિસેમ્બર 2022ના રોજ સમાપ્ત થયેલા નવ મહિનામાં કંપનીનો કોન્સોલિડેટેડ નફો 23 ટકા વધીને 4.07 અબજ રૂપિયા કે 4.96 કરોડ ડોલર નોંધાયો હતો. સમીક્ષાધીન સમયગાળામાં કંપનીની કુલ આવક 15.5 ટકા વધીને 30.12 અબજ રૂપિયા થઇ હતી.