scorecardresearch

અદાણી હિંડનબર્ગ વિવાદની તપાસ કરનાર જસ્ટિસ અભય સપ્રે કોણ છે?, સુપ્રીમ કોર્ટે 6 સભ્યોની તપાસ સમિતિ બનાવી

Adani Hindenburg case : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરતી વખતે અદાણી ગ્રૂપ હિંડનબર્ગ વિવાદની તપાસ માટે પૂર્વ ન્યાયાધીશ અભય મનોહર સપ્રેની આગેવાની હેઠળ 6 સભ્યોની એક્સપર્ટ્સ કમિટી બનાવી અને સેબીને બે મહિનાની અંદર તપાસ રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો.

adani Hindenburg case
અદાણી ગ્રૂપ અને હિંડનબર્ગ વિવાદની તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક્સપર્ટ્સ કમિટી બનાવી

અદાણી ગ્રૂપ હિંડનબર્ગ રિસર્ચ મામલે સુપ્રીમ કોર્ટે ભારતીય શેર બજાર નિયામક સેબીને બે મહિનાની અંદર તપાસ રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે રેગ્યુલેટરી મિકેનિઝમની સમીક્ષા કરવા માટે નિષ્ણાંત સમિતિની પણ રચના કરવામાં આવી છે. આ સમિતિમાં ચેરમેન સહિત કુલ 6 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ (સીજેઆઈ ડીવાય ચંદ્રચુડ), ન્યાયાધીશ પીએસ નરસિમ્હા અને ન્યાયમૂર્તિ જેબી પારડીવાલાની ખંડપીઠે તેમના આદેશમાં કહ્યું કે, આ નિષ્ણાંત સમિતિની આગેવાની સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ અભય મનોહર સપ્રે કરશે.

આ સમિતિના અધ્યક્ષ જસ્ટિસ સપ્રે કોણ છે?

ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપ અને હિંડનબર્ગ રિસર્ચ વચ્ચેના વિવાદની તપાસ માટે રચવામાં આવેલી એક્સપર્ટસ કમિટિના અધ્યક્ષ ન્યાયમૂર્તિ અભય મનોહર સપ્રે એ સુપ્રીમ કોર્ટના નિવૃત્તિ ન્યાયાધીશ છે, તેઓ 27 ઓગસ્ટ, 2019 ના રોજ નિવૃત્ત થયા હતા. જસ્ટિસ સપ્રે સુપ્રીમ કોર્ટની નવ જજની બંધારણીય બેંચનો ભાગ હતા, જેણે ગોપનીયતાના અધિકાર પર ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં જોડાતા પહેલા જસ્ટિસ સપ્રે ગૌહાટી હાઈકોર્ટ અને મણિપુર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પદે રહ્યા હતા. આ ઉપરાંત તેમણે રાજસ્થાન હાઈકોર્ટ અને મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં જજ તરીકે પણ કામગીરી કરી છે.

નિષ્ણાત સમિતિના અન્ય સભ્યોઃ-

  1. ઓપી ભટ્ટઃ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના પૂર્વ ચેરમેન ઓપી ભટ્ટનો પણ નિષ્ણાં તસમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઓ.પી. ભટ્ટ હાલમાં ઓએનજીસી કંપનીમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેઓ ટાટા સ્ટીલ લિમિટેડ અને હિન્દુસ્તાન યુનિલિવરમાં સ્વતંત્ર ડિરેક્ટરનો હોદ્દો ધરાવે છે.
  2. જસ્ટિસ જેપી દેવધ રઃ બોમ્બે હાઈકોર્ટના પૂર્વ જજ જસ્ટિસ જેપી દેવધરને પણ એક્સપર્ટ કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે. જસ્ટિસ દેવધર સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલના પૂર્વ પ્રિસાઇડિંગ ઓફિસર પણ રહી ચૂક્યા છે.
  3. કે.વી. કામત : નિષ્ણાંત સમિતિના અન્ય સભ્યોમાં કેવી. કામતનો પણ સમાવેશ થાય છે, જેઓ BRICS દેશોની ન્યૂ ડેવલપમેન્ટ બેંકના ભૂતપૂર્વ વડા અને ઈન્ફોસિસ લિમિટેડના ચેરમેન પણ રહી ચૂક્યા છે.
  4. નંદન નીલેકણી : ઈન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીનો પણ આ એક્સપર્ટ્સ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. નંદન નિલેકણી આધારકાર્ડ બનાવતી સંસ્થા UIDAIના ભૂતપૂર્વ અધ્યક્ષ છે.
  5. સોમશેખર સુંદરેસન: આ નિષ્ણાંત સમિતિના પાંચમા સભ્ય એડવોકેટ સોમશેખર સુંદરેસન છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમ તરફથી બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે સુંદરેશનની ભલામણ કરવામાં આવી છે, હાલ આ નિર્ણય પેન્ડિંગ છે.

એક્સપર્ટ્સ કમિટીને શું કામગીરી સોંપવામાં આવી છે?

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે નિષ્ણાત સમિતિ સમગ્ર મામલાની એકંદર સમીક્ષા કરશે અને તપાસ કરશે કે શેર બજાર પર તેની કોઈ અસર પડે છે કે કેમ. ઉપરાંત રોકાણકારોની જાગૃતિ માટે અન્ય કયા પગલાં લઈ શકાય તે પણ સૂચવશે. સુપ્રીમ કોર્ટે સેબીના ચેરમેનને નિષ્ણાત સમિતિ દ્વારા માંગવામાં આવેલી તમામ માહિતી આપવાનો નિર્દેશ આપ્યો છે.

આ ઉપરાંત કેન્દ્ર સરકારની તમામ એજન્સીઓને પણ આ સમિતિને સહકાર આપવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે. આ સમિતિ બહારના કોઈપણ નિષ્ણાત પાસેથી સલાહ કે સૂચનો લેવા માટે સ્વતંત્ર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સમિતિના અધ્યક્ષ આ સમિતિના સભ્યોના ભથ્થા નક્કી કરશે અને તેનો ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે.

આ પણ વાંચોઃ એક મહિનામાં અદાણીના શેરમાં રોકાણકારોએ ₹ 11.81 લાખ કરોડ ગુમાવ્યા

પાછળી સુનાવણીમાં કેન્દ્રને લાગ્યો હતો આંચકો

ઉલ્લેખનીય છે કે, અદાણી-હિંડનબર્ગ કેસની પાછલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના સૂચનને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે સ્પષ્ટ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ પોતે જ એક સમિતિની રચના કરશે. જે આ કેસની તપાસ કરશે.

Web Title: Adani hindenburg case supreme court sebi experts committee market news

Best of Express