ગૌતમ અદાણી અને તેમની માલિકીની અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં હિંડનબર્ગ રિસર્ચની રિપોર્ટ બાદ નોંધાયેલા કડાકા સંબંધિત વિવાદમાં ભારતીય બજાર નિયામક સેબીએ તપાસ શરૂ શરૂ કરી દીધી છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, સેબીની આ તપાસ સબ્સ્ક્રિપ્શન પૂર્ણ થયા બાદ 1 ફેબ્રુઆરીના રોજ રદ કરાયેલા અદાણી એન્ટરપ્રાઇઝના એફપીઓના બે એન્કર રોકાણકારો સાથે સંબંધિત છે. આ કેસમાં સેબી અદાણી એન્ટરપ્રાઇસના એફપીઓના બે એન્કર ઇન્વેસ્ટર – ગ્રેટ ઇન્ટરનેશનલ ટસ્કર ફંડ અને આયુષ્મત લિમિટેડના અદાણી ગ્રૂપના સ્થાપકો સાથેના સંબંધોની તપાસ કરશે. આ બંને એન્કર રોકાણકારો મોરેશિયસમાં સ્થિત છે. અદાણી એન્ટરપ્રાઇઝિસના રૂ. 20,000 કરોડનો એફપીઓ જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં ખુલ્યો હતો, જે સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ હોવા છતાં રદ કરવામાં આવ્યો હતો.
સેબી અદાણીના FPOની પણ તપાસ કરશે
એક એક્સક્લુઝિવ રિપોર્ટમાં રોઇટર્સે સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે સેબી તપાસ કરશે કે, શું અદાણી એન્ટરપ્રાઇઝિસના એફપીઓ હેઠળ શેર વેચવાની પ્રક્રિયામાં નિયમો અને કાયદાની અવગણના કરવામાં આવી છે? આ સંદર્ભે, માર્કેટ રેગ્યુલેટરે ખાસ તપાસ કરવી પડશે કે ગ્રેટ ઈન્ટરનેશનલ ટસ્કર ફંડ અને આયુષ્મત લિમિટેડના અદાણી ગ્રુપ સાથે કેવા પ્રકારના સંબંધો છે અને શું તેમાં કોઈ હિતોનો ઘર્ષણની કોઇ બાબત તો નથી ને? હકીકતમાં નિયમો અનુસાર કંપનીના સ્થાપક અથવા સ્થાપક જૂથ સાથે સંકળાયેલા કોઈપણ વ્યક્તિ અથવા એન્ટિટીને એન્કર ઇન્વેસ્ટર કેટેગરીમાં અરજી કરવાનો અધિકાર નથી.
એલારા કેપિટલ અને મોનાર્ક નેટવર્થ કેપિટલ પણ શંકાના દાયરામાં
રોઇટર્સના જણાવ્યા અનુસાર, તેણે આ સમાચાર વિશે ટિપ્પણી કરવા માટે સેબી અને અદાણી જૂથ તેમજ ગ્રેટ ઇન્ટરનેશનલ ટસ્કર ફંડ અને આયુષ્મત લિમિટેડનો સંપર્ક કર્યો છે, પરંતુ હજુ સુધી તેમના તરફથી કોઈનો પ્રતિસાદ મળ્યો નથી. એજન્સીનું કહેવું છે કે એફપીઓનું સંચાલન કરતી 10 ઇન્વેસ્ટમેન્ટ બેન્કોમાંથી બે – ઇલારા કેપિટલ અને મોનાર્ક નેટવર્થ કેપિટલ પર પણ સેબી બાજ નજર રાખી રહી છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર સેબીએ પાછલા સપ્તાહે જ આ બંનેનો સંપર્ક કર્યો હતો.
હિંડનબર્ગના રિપોર્ટમાં મોનાર્ક અને ઈલારાનો ઉલ્લેખ
સૂત્રોએ રોઇટર્સને જણાવ્યું છે કે સેબી એ બાબતની પણ તપાસ કરી રહી છે કે શું એફપીઓ હેઠળ શેર ઇશ્યૂ કરવાની પ્રક્રિયામાં ઇલારા અને મોનાર્કને સંડોવતા હિતોનો સંઘર્ષ છે કે કેમ. હિંડનબર્ગે તેના અહેવાલમાં આક્ષેપ કર્યો છે કે, અદાણીની માલિકીની ખાનગી એન્ટિટી મોનાર્કમાં લઘુમતી હિસ્સો ધરાવે છે અને આ કંપની અગાઉ અદાણી જૂથ માટે બુક રનર તરીકે કામ કરી ચૂકી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બંને વચ્ચે ગાઢ સંબંધ છે, જે દેખીતી રીતે હિતોના સંઘર્ષનો મામલો છે. હિંડનબર્ગ રિસર્ચે એવું પણ કહ્યું છે કે, ઇલારાના મોરેશિયસ સ્થિત ફંડે તેની માર્કેટ વેલ્યૂની 99 ટકા રકમનું અદાણી જૂથના શેરમાં રોકાણ કર્યું છે.
ઈલારા, મોનાર્ક અંગે અદાણી ગ્રૂપે શું કહ્યું?
અદાણી ગ્રૂપનું કહેવું છે કે, તેણે મોનાર્કના ક્રેડેન્શિયલ અને રિટેલ માર્કેટમાંથી નાણાં એકત્ર કરવાની તેની ક્ષમતાને જોયા પછી જ પોતાના શેરના વેચાણમાં સમાવેશ કર્યો હતો. રોઇટર્સના જણાવ્યા અનુસાર, જ્યારે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે મોનાર્કે જણાવ્યું હતું કે અદાણી ગ્રૂપની એક એન્ટિટી 2016 થી કંપનીમાં 0.03 ટકા હિસ્સો ધરાવે છે, જે ‘બિન-નોંધપાત્ર’ છે. મોનાર્કે એવું પણ કહ્યું કે તેણે 3 ફેબ્રુઆરીએ પણ એક્સચેન્જને આ માહિતી આપી દીધી છે. અદાણી ગ્રૂપનું એવું પણ કહેવું છે કે તેના સ્થાપકો અને ઈલારા વચ્ચે કોઈપણ પ્રકારના સંબંધોની વાત તદ્દન ખોટી છે.
અદાણી મુદ્દે પીએમ મોદી પર વિક્ષપના આકરાં પ્રહાર
ગૌત્તમ અદાણી અને અદાણી કંપનીઓના શેરમાં કડાકા મામલે વિક્ષેપ કોંગ્રેસે પીએમ નરેન્દ્ર પર નિશાન ટાંક્યુ છે. વિપક્ષનો આરોપ છે કે અદાણી ગ્રૂપના સ્થાપક અને થોડા દિવસો પહેલા વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખૂબ જ નજીકના સંબંધો છે. વિપક્ષનો એવો પણ આરોપ છે કે દેશમાં મોદી સરકાર બની ત્યારથી અદાણી ગ્રુપે જબરદસ્ત પ્રગતિ કરી છે અને વડાપ્રધાનના સપોર્ટથી જ આ બની શક્યું છે. ભારતની સંસદમાં ઘણા દિવસોથી આ જ મુદ્દા પર ચર્ચા થઈ રહી છે. સૂત્રોને ટાંકીને રોયટર્સે એવો પણ દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારનું કોર્પોરેટ અફેર્સ મંત્રાલય પણ સેબીના સંપર્કમાં છે અને તેણે આ મામલે વડાપ્રધાન મોદીની ઓફિસના અધિકારીઓને પણ જાણકારી આપી છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, તેમની પાસે આ સમયગાળા દરમિયાન તેમની વચ્ચે થયેલી વાતચીતની વિગતો નથી.