/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Anil-Ambani.jpg)
Anil Ambani : અનિલ અંબાણી ભારતીય ઉદ્યોગપતિ છે. Photograph: ((File Photo))
Anil Ambani ED Case: ઉદ્યોગપતિ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપના (Reliance ADA Group) ચેરમેન અનિલ અંબાણી ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026 ના રોજ કથિત બેંક છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં બીજા તબક્કાની પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા હતા. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, 66 વર્ષીય ઉદ્યોગપતિ સવારે 10.30 વાગ્યે મધ્ય દિલ્હીમાં ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની ઓફિસે પહોંચ્યા હતા.
તપાસ એજન્સીના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) ની જોગવાઈઓ હેઠળ તેમનું નિવેદન નોંધશે. ઈડીએ ઓગસ્ટ 2025 માં તેની પ્રથમ વખત પૂછપરછ કરી હતી.
આ તપાસ તેમની ગ્રૂપ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરસીઓએમ) દ્વારા કથિત રીતે 40,000 કરોડ રૂપિયાથી વધુની બેંક છેતરપિંડી સાથે સંબંધિત છે. અંબાણી અને તેમની ઘણી કંપનીઓ પર લોન છેતરપિંડીનો આરોપ છે અને ઇડીએ તાજેતરમાં આ તમામ કેસોની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)ની રચના કરી છે. સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્દેશો પર એસઆઈટીની રચના કરવામાં આવી હતી.
ઇડીએ સુપ્રીમ કોર્ટને આપેલી માહિતી મુજબ તેણે બેંક લોન છેતરપિંડી અને અન્ય નાણાકીય ગેરરીતિઓના આરોપોની તપાસ માટે અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (એડીએજી) વિરુદ્ધ મની લોન્ડરિંગના ત્રણ કેસ દાખલ કર્યા છે.
આ પણ વાંચો | EPFO સભ્યો માટે ખુશખબર, સરકારે બંધ PF ખાતાધારકો માટે લીધો મોટો નિર્ણય
આ અગાઉ બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ અનિલ અંબાણીનું મુંબઈ સ્થિત 3716 કરોડ રૂપિયાનું ઘર 'અબોડ' એન્ટી મની લોન્ડરિંગ એક્ટ હેઠળ જપ્ત કર્યું હતું. 66 મીટર ઊંચું અને 17 માળનું આ ભવ્ય ઘર મુંબઈના પાલી હિલ વિસ્તારમાં આવેલું છે. વર્ષ 2000ની આસપાસ તેમણે આ મોંઘી અને લક્ઝુરીયસ પ્રોપર્ટી ખરીદી હતી. આ બિલ્ડિંગમાં છત પર એક હેલિપેડ છે, જેના પર એક સાથે ઘણા હેલિકોપ્ટર ઉતરી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us