રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ ATM મારફતે 2000 રૂપિયાની ચલણી નોટોના વિતરણ કરવા માટે બેંકો પર નિયંત્રણો લાદયા છે? આ પ્રશ્નના જવાબમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમને લોકસભામાં જણાવ્યું કે, બેંકોના ATMમાં 2000 રૂપિયાની નોટ ન મૂકવા બેંકોને આવી કોઈ સૂચના આપવામાં આવી નથી.
સીતારમને જણાવ્યું હતું કે, “બેંકો ભૂતકાળના વપરાશ, ગ્રાહકની જરૂરિયાત, સીઝનલ ટ્રેન્ડ વગેરેના આધારે એટીએમ માટે રકમ અને કેટલા મૂલ્યની ચલણી નોટો મૂકવી તેનું મૂલ્યાંકન કરે છે.”
સંસદના ચાલી રહેલા સત્ર દરમિયાન 2000 રૂપિયાની ચલણી નોટોના ભવિષ્ય અંગે ફરી એકવાર સવાલો ઉભા થયા છે. મંગળવારે 21 માર્ચના રોજ રાજ્યસભાના સભ્ય રાજમણિ પટેલે પૂછ્યું કે શું ભારતીય રિઝર્વ બેંક (RBI) મહાત્મા ગાંધી (નવી) સિરિઝના ભાગ રૂપે રૂ. 2000 ના મૂલ્યની બેંકન્કનોટની નવી ડિઝાઇન રજૂ કરી રહી છે?. આ પ્રશ્નના લેખિત પ્રત્યુત્તરમાં, નાણાં મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે, આવી કોઈ યોજના નથી કારણ કે રિઝર્વ બેંકે વર્ષ 2016માં 2000 રૂપિયાની નોટોની નવી ડિઝાઇન પહેલેથી જ રજૂ કરી છે.
આ અગાઉ 14મી માર્ચના રોજ સરકારે એક પ્રશ્નનો જવાબ આપવો પડ્યો હતો કે, શું સરકાર 2000 રૂપિયાની નોટો બંધ કરવાની યોજના બનાવી રહી છે? તેના પ્રત્યુત્તરમાં ચૌધરીએ કહ્યું કે, વર્ષ 2019-20થી 2000 રૂપિયાની ચલણી નોટો છાપવામાં આવી નથી. જો કે 2000 રૂપિયાની નોટ બંધ કરવાની કોઈ યોજના નથી.
“વર્ષ 2019-20થી 2000 રૂપિયાના મૂલ્યની એક પણ નવી ચલણી નોટ છાપવામાં આવી નથી. હાલ આ મૂલ્યની ચલણી નોટો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
આ પણ વાંચોઃ હોમ લોન ટ્રાન્સફરના ફાયદા અને ગેરફાયદા જાણો
સોમવારે, 20 માર્ચના રોજ લોકસભામાં સાંસદ સંતોષ કુમારે પૂછ્યું કે, શું નોટબંધી બાદ જારી કરાયેલી 500 અને 2000 રૂપિયાના મૂલ્યની લગભગ 9.21 લાખ કરોડ રૂપિયાની ચલણી સર્ક્યુલેશનમાંથી ગાયબ થઇ ગઇ છે? આ પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા નાણાપ્રધાન નિર્મલા સીતારમને કહ્યું કે, “આવી કોઈ માહિતી કે આંકડા ઉપલબ્ધ નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના વાર્ષિક અહેવાલો મુજબ, માર્ચ 2017ના અંત સુધીમાં 500 અને 2000 રૂપિયાના મૂલ્યની 9.512 લાખ કરોડ અને માર્ચ 2022ના અંત સુધીમાં 27.057 લાખ કરોડ રૂપિયાની ચલણી નોટો હતી.”