scorecardresearch

બેંકોમાં જમા ₹ 35,012 કરોડની થાપણોનો કોઇ દાવેદાર નથી, શું છે RBIનો નિયમ? જાણો

Banks unclaimed deposits RBI : RBIની માહિતી અનુસાર ફેબ્રુઆરી 2023 સુધી સરકારી બેંકોમાં 35,012 કરોડ રૂપિયાની નધણિયાત થાપણ એટલે કે અનક્લેમ્ડ ડિપોઝિટ હતી, જેમાં સૌથી વધુ રકમ SBIમાં જમા છે.

Banks unclaimed deposits RBI
બેંકોમાં ફેબ્રુઆરી 2023 સુધીમાં 35,012 કરોડની અનક્લેમ્ડ ડિપોઝિટ પડેલી હતી.

ભારતની વિવિધ બેંકોમાં ફેબ્રુઆરી 2023 સુધીમાં 35,012 કરોડ રૂપિયાની નધણિયાત થાપણો જમા છે. બેંકોની નધણિયાત થાપણો એટલે એવી રકમ જેની માટે ઘણા વર્ષો કોઇ પણ વ્યક્તિ દ્વારા દાવો કરવામાં આવ્યો નથી. સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ માર્ચ 2022ના અંતે અનક્લેમ્ડ ડિપોઝિટ્સ 48,262 કરોડ રૂપિયા હતી. તેનો અર્થ એવો થયો કે એક વર્ષમાં અનક્લેમ્ડ ડિપોઝિટમાં 13,250 કરોડ રૂપિયાનો ઘટાડો આવ્યો છે.

આવી નધણિયાત થાપણો બેંકના સેવિંગ કે કરન્ટ એકાઉન્ટમાં જમા રકમ હોય છે જે 10 વર્ષ કે તેથી વધારે સમય સુધી પડેલી હોય છે અને આ દરમિયાન તેમાં કોઇ ટ્રાન્ઝેક્શન કરવામાં થયા ન હોય. આવી સ્થિતિમાં આવા બેંક ખાતાને નિષ્ક્રિય ગણવામાં આવે છે. જાહેર ક્ષેત્રની બેંકોમાં 10 વર્ષ કે તેથી વધુ સમયની અનક્લેઈમ ડિપોઝિટમાં ડિસેમ્બર 2020 થી ફેબ્રુઆરી 2023 દરમિયાન 70 ટકાનો વધારો થયો છે

બેંકોની 35,012 કરોડની થાપણો માટે કોઇ દાવેદાર નથી

રાજ્યકક્ષાના નાણાંમંત્રી ભાગવત કરાડે 3 એપ્રિલ, 2023ના રોજ સંસદમાં એક લેખિત પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે, જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ને ટ્રાન્સફર કરવામાં આવેલી કુલ અનક્લેમ્ડ ડિપોઝિટ જમા રકમ ફેબ્રુઆરી 2023 સુધીમાં 35,012 કરોડ રૂપિયા રહી છે, જે માર્ચ 2022ના અંતે 48,262 કરોડ રૂપિયા હતી. આવા થાપણોના બેંક એકાઉન્ટમાં છેલ્લા 10 વર્ષથી કોઇ લેવડ-દેવડ થઇ નથી.

બેંકોએ અનક્લેમ્ડ ડિપોઝિટની સંખ્યા અને તેની કમની માહિતી રિઝર્વ બેંકને આપવાની હોય છે. ત્યારબાદ નધણિયાત થાપણ રકમને રિઝર્વ બેંકના ડિપોઝિટર્સ એજ્યુકેશન એન્ડ એવરનેસ ફંડ (DEAF)માં ટ્રાન્સફર કરવામાં આવે છે.

કઇ બેંકમાં કેટલી અનક્લેમ્ડ ડિપોઝિટ છે?

દેશની સરકારી માલિકીની બેંકોમાં ફેબ્રુઆરી 2023ના અંતે 35,000 કરોડ રૂપિયાથી વધારે નધણિયાત થાપણો હતી. જેમાં સૌથી વધારે અનક્લેમ્ડ ડિપોઝિટ દેશની સૌથી મોટી સરકારી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) પાસે 8086 કરોડ રૂપિયા છે. ત્યારબાદ પંજાબ નેશનલ બેંકમાં 5340 કરોડ રૂપિયા, કેનેરા બેંકમાં 4558 કરોડ રૂપિયા, બેંક ઓફ બરોડા પાસે 3904 કરોડ રૂપિયા

અનક્લેમ્ડ ડિપોઝિટ અંગે શું નિયમ છે?

RBI દ્વારા જુલાઇ 2014માં જારી કરાયેલા એક પરિપત્ર અનુસાર એવા બેંક ખાતાની વાર્ષિક સમીક્ષા કરવી જરૂરી છે, જેમાં એક વર્ષ કે તેનાથી વધારે સમય સુધી કોઇ ટ્રાન્ઝેક્શન થયું ન હોય. બેંકોએ ખાતાધારકોનો સંપર્ક કરવો જોઇએ અને તેમને લેખિતમાં સૂચના પહોંચાડવી જોઇએ કે તેમના એકાઉન્ટમાં કોઇ ટ્રાન્ઝેક્શન થયું નથી. બેંકો આ પાછળના કારણો જાણી શકે છે.

આ પણ વાંચોઃ બેંકો ATMમાં ₹2000ની નોટ કેમ નથી મૂકતી? નાણા મંત્રી સીતારમને સંસદમાં આપ્યો જવાબ

બેંકોને એવી સલાહ આપવામાં આવી છે કે, આવા ખાતાના માલિકોની શોધખોળ કરીને એક ખાસ અભિયાન શરૂ કરી શકાય છે જે નિષ્ક્રિય થઇ ગયા છે, એટલે કે જેમાં બે વર્ષથી કોઇ ટ્રાન્ઝેક્શન થયા નથી. તે ઉપરાંત બેંકોને નિષ્ક્રિય ખાતાંની યાદી (જે 10 વર્ષ કે તેના કરતા વધારે સમયથી નિષ્ક્રિય છે) પોતાની વેબસાઇટ મૂકવી પડશે. આ યાદીમાં ખાતાધારકના નામ અને સરનામાનો પણ ઉલ્લેખ કરવાનો રહેશે.

Web Title: Banks transfer 35012 crore unclaimed deposits to rbi

Best of Express