બજેટ – 2023 રજૂ થવામાં હવે થોડાક જ દિવસો બાકી છે અને આ વખત સામાન્ય વ્યક્તિથી લઇને વિવિધ વેપારીઓ અને ઉદ્યોગો ઘણી આશા – અપેક્ષા રાખી રહ્યા છે. તેઓ ભૂતકાળની જેમ વર્ષ 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલા રજૂ થનાર પૂર્ણ કેન્દ્રીય બજેટમાં આ વખતે પણ લોકપ્રિય ઘોષણાઓ થવાની આશા રાખી રહ્યા છે. સોનાને રોકાણ માટેનો ઉત્તમ વિકલ્પ મનાય છે. જો કે હાલ સોનાના ભાવ ઐતિહાસિક ઉંચાઇએ પહોંચતા તેની ખરીદી સામાન્ય વ્યક્તિના હાથ બહારની વાત થઇ ગઇ છે. લોકો સોનું સસ્તુ થવાની અપેક્ષા રાખી રહ્યા છે. સરકાર ધારે તો કેટલાંક પગલાંઓ લઇને સોનાની કિંમત ઘટાડી શકે છે. જાણો સોના-ચાંદીના વેપારીઓ, જ્વેલર્સ એસોસિએશન બજેટમાં કઇ અપેક્ષા રાખી રહ્યા છે.
સામાન્ય લોકો માટે સોનું ખરીદવું મુશ્કેલ બન્યું
સોના – ચાંદીને વર્ષોથી ‘સંકટ સમયની સાંકળ’ ગણવામાં આવે છે. આર્થિક મુશ્કેલી આવે ત્યારે લોકો સોનું વેચીને નાણાં ઉભા કરી શકે છે. જો કે હાલ સોનાના ભાવ સતત નવી ઉંચાઇએ જઇ રહ્યા છે ત્યારે સામાન્ય લોકો માટે તેની ખરીદી મુશ્કેલ બની રહી છે. જો આગામી બજેટમાં સોના પરનો ટેક્સ ઘટાડવામાં આવે તો લોકોને થોડીક રાહત મળી શકે છે એવી માંગણી સોના-ચાંદીના વેપાર સાથે સંકળાયેલા ટ્રેડરો અને જ્વેલર્સ તરફથી કરવામાં આવી રહી છે.
આયાત જકાત ઘટે તો લોકોને સસ્તું સોનું મળે

હાલ ભારતમાં સોનાની આયાત ઉપર 12.5 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી અને 2.5 ટકા સેસ તેમજ 3 ટકા જીએસટી વસૂલવામાં આવે છે. આમ સોના ઉપરનો કુલ કરબોજ 18 ટકા છે. સોનાની આયાત જકાત ઘટવાની અપેક્ષા વ્યક્ત કરતા જ્વેલર્સ એસોસિએશન ઓફ અમદાવાદના પ્રમુખ જીગર સોની જણાવે છે કે, સરકાર જો સોના પરની આયાત જકાતને હાલના 12.5 ટકાથી ઘટાડીને 7.5 ટકા કરે તો લોકોને ઘણી રાહત મળી શકે છે. આયાત જકાત, સેશ અને જીએસટીના લીધે ભારતમાં સોનાની કિંમત વૈશ્વિક બજારની સરખામણીએ ઘણી વધી જાય છે.
સોના-ચાંદી જ્વેલર્સ ઉદ્યોગની બજેટ અપેક્ષા
- સોનાની આયાત જકાતને 12.5 ટકાથી ઘટાડીને 7.5 ટકા કરવી જોઇએ
- સોનાની ખરીદી પર ફરજિયાત પાનકાર્ડની લિમિટ વધારીને બે લાખ કે 5 લાખ કરવી જોઇએ
- ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં હાલ રોકાણકારોને વાર્ષિક અઢી ટકા વ્યાજ ચૂકવાય છે, જે વધારીને બેન્ક એફડીના વ્યાજદર જેટલા કરવા જોઇએ
- ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં જ્વેલર્સ સમુદાયનો પણ સમાવેશ કરવો
- 22 કેરેટના સોનાના દાગીના વેચવા માટે EMI શરૂ કરવાની મંજૂરી આપો
- કિંમતી ધાતુની ખરીદી માટે જો ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરાય તો દોઢી 3.5 ટકા જેટલો ચાર્જ વસૂલાય છે, તે નાબૂદ કરવો જોઇએ
- કેપિટલ ગેઇન ટેક્સમાં રાહત આપવાની માંગણી
હવે લોકો ગ્રામ નહીં પણ બજેટ પ્રમાણે દાગીના ખરીદે છે

સોનાના ભાવ સતત વધીને આકાશને આંબી રહ્યા છે ત્યારે સામાન્ય લોકો માટે તેની ખરીદી કરવી મુશ્કેલ બની રહી છે એવું જણાવતા અમદાવાદના માણેકચોક ચોક્સી મહાજનના પ્રમુખ ચીનુભાઇ ચોક્સી જણાવે છે કે, અગાઉ લોકો ગ્રામના આધારે સોનાના દાગીનાની ખરીદી કરતા હતા જ્યારે હવે લોકો તેમના બજેટ મુજબ ખરીદી કરે છે અને આ પરિવર્તનનું મુખ્ય કારણ છે સોનાના ઐતિહાસિક ઉંચા ભાવ. ભાવ ઐતિહાસિક ઉંચાઇએ પહોંચવાથી સોનાની ખરીદી ઉપર પણ અસર થઇ છે અને હાલ તે 15થી 20 ટકા જેટલી ઓછી છે. તેમણે આગામી બજેટમાં સોનાની આયાત જકાતને હાલના 12.5 ટકાથી ઘટાડીને 6 ટકા કરવાની સાથે સાથે તેના પર વસૂલવામાં આવતો 3 ટકા જીએસટી પણ ઘટાડવાની માંગણી કરી છે. જો આયાત જકાત ઘટે તો સોનું 1500થી 2000 રૂપિયા જેટલુ સસ્તુ થઇ શકે છે.
આ પણ વાંચોઃ સોનાનો ભાવ ₹ 58500ની ઐતિહાસિક ટોચે, જાણો વર્ષ 2023માં સોના અને ચાંદીના ભાવ ક્યાં પહોંચશે
સોના પરનો GST ઘટાડવાની જરૂર

અમદાવાદના માણેકચોક ચોક્સી મહાજનના પૂર્વ પ્રમુખ હર્ષવદન ચોક્સી જણાવે છે કે, ભારતમાં સોના ઉપર ઘણો ઉંચો ટેક્સ વસૂલવામાં આવે છે. હાલ સોના ઉપર 12 ઇમ્પોર્ટ ડ્યૂટી, અઢી ટકા સેશ અને 3 જીએસટી – એમ કુલ 18 ટકા ટેક્સ વસૂલાય છે. ભારત સોનાનો ચોખ્ખો આયાતકાર દેશ છે અને મોટાભાગની માંગ આયાત મારફતે સંતોષાય છે. જો કે સોના પર વસૂલવામાં આવતા 3 જીએસટીમાં ઘટાડો થાય તો લોકોને થોડીક રાહત મળી શકે છે.