ભારતમાં સોનાના ભાવ નવી ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યા છે. સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના હાજર ભાવ 58500 રૂપિયાના ઓલટાઇમ હાઇ લેવલે પહોંચી ગયા છે. હાજર બજારની સાથે સાથે વાયદા બજારમાં પણ સોનામાં ઐતિહાસિક તેજી જોવા મળી છે. સોનાની પાછળ પાછળ ચાંદી પણ મોંઘી થઇ છે.
સોનું 58500 રૂપિયાની ટોચે
16 જાન્યુઆરી, 2023ના રોજ અમદાવાદ ઝવેરી બજારમાં સોનામાં 800 રૂપિયાનો ઉછાળો આવ્યો અને પ્રતિ 10 ગ્રામની કિંમત 58,500 રૂપિયા થઇ છે, જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. છેલ્લે 9 જાન્યુઆરીના રોજ સોનાની કિંમત 58000 રૂપિયાની ઉંચાઇએ પહોંચી હતી.
હાજર બજારની સાથે સાથે વાયદા બજારમાં પણ સોનાની કિંમત ઐતિહાસક ઉંચી સપાટીએ પહોંચી છે. મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) ખાતે સોનાનો વાયદાનો ભાવ વધીને 56517 રૂપિયાની નવી ઉંચી સપાટીને સ્પર્શ્યો છે.
ચાંદીમાં 1500 રૂપિયાનો ઉછાળો
સોનાની પાછળ પાછળ ચાંદીમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. અમદાવાદના ઝવેરી બજારમાં ચાંદીમાં આજે 1500 રૂપિયાનો ઉછાળો બોલાયો અને પ્રતિ 1 કિગ્રાની કિંમત 59000 રૂપિયા થઇ છે. એમસીએક્સ ખાતે ચાંદીનો ભાવ 70000 રૂપિયાની ઉપર બોલાઇ રહ્યો છે.

વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓ 9 મહિનાની ટોચે
મહામારી, મોંઘવારી અને મંદીની દહેશતે અને યુએસ ડોલર નબળો પડવાથી વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓની કિંમત નવ મહિનાની ઉંચી સપાટીએ પહોંચી છે. સોમવારે વૈશ્વિક બજારમાં સોનાની કિંમત 0.3 ટકા વધીને 1926.07 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ છે, જે છેલ્લા નવ મહિનાનો સૌથી ઉંચો ભાવ છે. નવેમ્બર 2022માં વિશ્વ બજારમાં સોનાની કિંમત 1615 ડોલર હતી. તો વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમત 24.22 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી.
વર્ષ 2023માં સોનું 1900 રૂપિયા મોંઘુ થયુ
દિવાળી બાદથી સોના – ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. જો કેલેન્ડર વર્ષ 2023ની વાત કરીય તો સોનું પ્રતિ 10 ગ્રામ દીઠ 1900 રૂપિયા મોંઘુ થયુ. છે. 31 ડિસેમ્બર 2022ના રોજ સ્થાનિક બજારમાં સોનાની કિંમત 56600 રૂપિયા હતી જે વધીને 16 જાન્યુઆરી 2023ના રોજ 58500 રૂપિયાના ઓલટાઇમ હાઇ લેવલે પહોંચી છે. તેવી જ રીતે નવા વર્ષમાં ચાંદી 1500 રૂપિયા મોંઘી થઇ છે.

સોના-ચાંદીમાં તેજીના કારણ
- યુએસ ડોલર ઇન્ડેક્સ અને યુએસ યીલ્ડમાં ઘટાડો
- ચીન સહિત ઘણા દેશોમાં કોરોના મહામારીનો પ્રકોપ
- મોંઘવારી અને મંદીની દહેશત
- વિવિધ દેશોની મધ્યસ્થ બેન્કો દ્વારા સોનાની સતત ખરીદી
- ભારતમાં લગ્નસરાની સીઝન શરૂ થતા સોના-ચાંદીની ખરીદી વધવાની આશા
- ડોલર સામે ભારતીય ચલણ રૂપિયાના મૂલ્યમાં ધોવાણ
- શેરબજાર અને ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં મંદીનો માહોલ
વર્ષ 2023માં સોના-ચાંદીના ભાવ નવી ઉંચાઇએ પહોંચશે
વર્ષ 2023 સોના -ચાંદી માટે તેજીનું વર્ષ રહેશે. જે રીતે દુનિયાની કેટલીક મહત્વપૂર્ણ અર્થવ્યવસ્થાઓમાં મંદીની દહેશત પ્રવર્તી રહી છે, જેને ધ્યાનમાં રાખતા આગામી સમયમાં સોનામાં સેફ હેવન ડિમાન્ડથી તેજીનો માહોલ રહેવાની આશા છે. ચાલુ વર્ષે બંને કિંમતી ધાતુના ભાવ નવી ઉંચી સપાટીએ પહોંચવાની ધારણા છે, જાણો વર્ષ 2023માં સોના અને ચાંદી ભાવ ક્યાં પહોંચશે