/indian-express-gujarati/media/media_files/2026/01/30/budget-2026-01-30-14-48-51.jpg)
Union Budget 2026 : કેન્દ્રીય બજેટ 2026 Photograph: (Freepik)
Budget 2026 : બજેટ 2026 દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં 1 ફેબ્રુઆરીએ રજૂ કરવાના છે. આ મોદી સરકાર 3.0નું ત્રીજું બજેટ છે. આ સાથે જ નિર્મલા સીતારમણ સતત 9મું બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવશે. બજેટ રજૂ કરવાની પહેલા બહુ તૈયારીઓ રજૂ કરવામાં આવે છે. બજેટ દેશના આર્થિક ભવિષ્યની દિશા અને દશા નક્કી કરનાર દસ્તાવેજ માનવામાં આવે છે. શું તમને ખબર છે, વર્ષ 1991ના બજેટ ને દેશની આર્થિક દિશા અને દશા બદલનાર ક્રાંતિકારી બજેટ કેમ કહેવાય છે? ચાલો જાણીયે
1991 પહેલા ભારતની આર્થિક પરિસ્થિતિ
1991 પહેલા ભારતના અર્થતંત્ર પર મોટું સંકટ હતું. ભારત પાસે થોડાક અઠવિડયા સુધી આયાત કરી શકે એટલું જ વિદેશી હૂંડિયામણ ભંડોળ હતું. સરકાર સામે સોનું ગીરવે મૂકવાની નોબત આવી ગઇ હતી. મોંઘવારી સતત વધી રહી હતી, ઉદ્યોગો ઠપ્પ થઇ રહ્યા હતા અને બેરોજગારી વધી રહી હતી. આંતરરાષ્ટીય બજારોમાં ભારતની શાખ ઘટી રહી હતી.
આર્થિક સંકટમાં મોટો નિર્ણય
આવી આર્થિક કટોકટીમાં તત્કાલિન વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ અને નાણામંત્રી મનમોહન સિંહે સાહસિક નિર્ણય લીધા જેણે ભારતની આર્થિક વિકાસ માટે નવા દરવાજા ખોલ્યા હતા. વર્ષ 1991ના બજેટમાં દેશને આર્થિક સંકટ માંથી બહાર કાઢવા માટે એક નક્કર રોડમેપ તૈયાર કરાયો હતો. નરસિમ્હા સરકારે 24 જુલાઈ 1991ના રોજ નવી આર્થિક નીતિની જાહેરાત કરી હતી. જેમા ઉદારીકરણ (Libération), ખાનગીકરણ (Privatization)અને વૈશ્વિકીકરણ (Globalization)ની નીતિ અપનાવવામાં આવી હતી.
લાઇસન્સ રાજનો અંત
1991ના બજેટની સૌથી મોટી ઘોષણા હતી લાઇસન્સ રાજનો અંત. અગાઉ ઉદ્યોગ શરૂ કરવા માટે સરકાર પાસેથી મંજૂરી લેવી ફરજિયાત હતી, જેના કારણે વિલંબ અને ભષ્ટાચારનું દૂષણ ફેલાયું હતું. આ બજેટમાં ઉદ્યોગોને મુક્તિ આપવામાં આવી, તેઓ જાતે નિર્ણય લઇ શકશે, ઉત્પાદન વધારે, હરિફાઇ કરે. તેનાથી ખાનગી ક્ષેત્રને નવી તાકાત મળી હતી.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/01/27/budget-2026-2026-01-27-14-48-54.jpg)
ભારતમાં વિદેશી રોકાણ માટે દરવાજા ખુલ્યા
આ બજેટમાં પહેલીવાર વિદેશી કંપનીઓને ભારતમાં મૂડીરોકાણ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. કસ્ટમ ડ્યૂટીમાં મોટો ઘટાડો કરાયો, જે બજેટ પહેલા 220 ટકા સુધી હતી અને તે ઘટાડીને 150 ટકા કરાઇ. તેનાથી આયાત નિકાસને પ્રોત્સાહન મળ્યું અને વિદેશી રોકાણકારો ભારતમાં રોકાણ કરવા પ્રેરિત થયા હતા.
આયાત નિકાસને પ્રોત્સાહન
તત્કાલિન સરકારે નિકાસને વેગ આપવા માટે ઘણા નીતિગત સુધારા કર્યા હતા. બિઝનેસને સરળ બનાવ્યું, કર માળખામાં ફેરફાર અને ઉદ્યોગોને નિયમોમાં છુટછાટ આપી હતી. પરિણામ ભારતની નિકાસ વધી, સરકારી તિજોરીમાં પૈસા આવ્યા અને રોજગારીની નવી તકો સર્જાઇ હતી.
અન્ય બજેટ કેમ ટર્નિંગ પોઇન્ટ ન બની શક્યા?
1991 પહેલા અને પછીના કોઇ પણ બજેટમાં આટલા મોટા નીતિગત નિર્ણય લેવામાં આવ્યા નથી. કારણ સ્પષ્ટ છે, બાકીના બજેટ સુધારાત્મક હતા, પરંતુ 199નું બજેટ પરિવર્તનકારક હતું. આ માત્ર કરવેરા અને આવક ખર્ચની વાત ન હતી, પરંતુ સંપૂર્ણ આર્થિક વિચારણામાં ફેરફાર કરાયો હતો. આ મજબૂરીમાં લેવાયેલો નિર્ણય હતો, જેણે દેશને નવી આર્થિક દિશા આપી હતી.
ભારતનું આર્થિક ચિત્ર બદલાયું
1991 બાદ ભારતની અર્થવ્યવસ્થા ધીમે ધીમે મજબૂત થવા લાગી. દેશનું વિદેશી હૂંડિયામણ ભંડોળ વધ્યું, ખાનગી મૂડીરોકાણ વધતા ઉદ્યોગ ધંધાનો વિકાસ થયો અને ભારત વૈશ્વિક સ્તરે એક વિકાસશીલ દેશ તરીકે ઉભરી આવ્યું. જો આ બજેટ ન આવ્યું હોત તો, ભારતની આર્થિક સ્થિતિ અન્ય નબળા અર્થંતંત્રો જેવી થવાનું જોખમ હતું.
આ પણ વાંચો | દેશનું સૌથી નાનું બજેટ ભાષણ, માત્ર 800 શબ્દો; સૌથી લાંબુ બજેટ ભાષણ કોણે આપ્યું?
તેને ક્રાંતિકારી બજેટ કેમ કહેવામાં આવે છે?
ડો. મનમોહન સિંહનું આ બજેટ એટલા માટે યાદ કરાય છે કારણ કે તેણે ડરના માહોલમાં આશાનું કિરણ દેખાડ્યું હતી. આ બજેટ ન માત્ર આર્થિક સુધારો હતો, પરંતુ ભારતમાં નવો આત્મવિશ્વાસ જગાવ્યો હતો. આજે પણ જ્યારે બજેટની ચર્ચા થાય છે, તો 1991ના બજેટનો ઉલ્લેખ થાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us