Budget 2023 Updates: દેશના નાણા મંત્રી નિર્મલા સીતારામને વર્ષ 2023-24 માટે બુધવારે કેન્દ્રીય બજેટ રજુ કર્યું હતું. આ બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. બજેટને લઇને સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ બજેટમાં મોંઘવારથી કોઇ રાહત મળશે નહીં, આ બજેટથી મોંઘવારી વધશે. બેરોજગારી દૂર કરવાની કોઇ યોગ્ય યોજના નથી. શિક્ષા બજેટ 2.64% થી ઘટાડીને 2.5% કરવું દુર્ભાગ્યપૂર્ણ છે. સ્વાસ્થ્ય બજેટ 2.2% થી ઘટાડીને 1.98% કરવું હાનિકારક છે.
કેજરીવાલે કહ્યું કે દિલ્હીના લોકો સાથે ફરીથી સાવકો વ્યવહાર કરવામાં આવ્યો છે. દિલ્હીવાળાએ ગત વર્ષે 1.75 લાખ કરોડથી વધારે ઇન્કમ ટેક્સ આપ્યો હતો. તેમાંથી માત્ર 325 કરોડ રૂપિયા દિલ્હીના વિકાસ માટે આપ્યા છે. આ દિલ્હીના લોકો સાથે ઘોર અન્યાય છે.
બજેટમાં ફક્ત ફેન્સી જાહેરાતો – કેસી વેણુગોપાલ
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે આ બજેટ દેશની વાસ્તવિક ભાવનાને સંબોધિત નથી કરી રહ્યું જે મોંઘવારી અને બેરોજગારી છે. આમાં ફક્ત ફેન્સી જાહેરાતો હતી જે પહેલા પણ કરવામાં આવી હતી પણ અમલ વિશે શું? પીએમ કિશાન યોજનાથી ફક્ત વીમા કંપનીઓને ફાયદો થયો, ખેડૂતોને નહીં.
આ બજેટ ગરીબોની વિરુદ્ધ – મમતા બેનરજી
બજેટને લઇને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ ટિકા કરતા કહ્યું કે તે આ રીતનું બજેટ અડધા કલાકમાં બનાવી શકે. આજનું બજેટ ગરીબોની વિરુદ્ધ છે, જનવિરોધી છે. જેથી હું બજેટની ટિકા કરું છું. આ આગામી ચૂંટણીને જોતા બનાવવામાં આવ્યું છે.
અમૃત કાળનું પ્રથમ બજેટ લોક કલ્યાણકારી – જેપી નડ્ડા
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે અમૃત કાળનું પ્રથમ બજેટ લોક કલ્યાણકારી છે. આ ગરીબ, ખેડૂતો, આદિવાસીઓ, દલિતો, પછાત, વંચિતો અને મધ્યમ વર્ગને સશક્ત અને સક્ષમ બનાવનાર બજેટ છે. આ બજેટ બાળકોના અભ્યાસ, મધ્યમ વર્ગની કમાણી અને વૃદ્ધોની ભલાઇ પર બળ આપનારું છે.
આ પણ વાંચો – બજેટમાં ગામડા, ગરીબ, ખેડૂતો પર ધ્યાન, વિકસિત ભારતનું સપનું થશે સાકાર – પીએમ નરેન્દ્ર મોદી
બજેટમાં બિહાર માટે કશું જ નથી – તેજસ્વી યાદવ
બિહારના ડિપ્ટી સીએમ તેજસ્વી યાદવે કહ્યું કે આ બજેટમાં બિહાર માટે કશું જ નથી. કેન્દ્રમાં બિહારના જેટલા સાંસદો છે તેમણે શરમથી ડૂબી જવું જોઈએ. ખેડૂતો માટે, રેલવે માટે કશું નથી. UPAની સરકારમાં બિહારને જેટલું આપ્યું હતું શું આ સરકારે આપ્યું? મધ્યમ વર્ગ મોંઘવારીથી પરેશાન છે. ટેક્સમાં છૂટ આંખમાં ધૂળ નાખવા બરાબર છે.
2047ના દેશના અમૃતકાળનો રોડમેપ કંડારતું બજેટ – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2047ના દેશના અમૃતકાળનો રોડમેપ કંડારતું બજેટ ગણાવ્યું છે. મુખ્યમંત્રીએ આ બજેટને ગરીબ, વંચિત, પીડિત, શોષિત સહિત મધ્યમવર્ગીય પરિવારોના હિતોને ધ્યાનમાં રાખી તૈયાર થયેલું સર્વસમાવેશી, સર્વસ્પર્શી અને સર્વગ્રાહી બજેટ તરીકે આવકાર્યુ છે. મુખ્યમંત્રીએ કેન્દ્રીય બજેટમાં ખેડૂતો ખાસ કરીને નાના સિમાંત ખેડૂતો, કોઓપરેટીવ્ઝ તેમજ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો માટે કરવામાં આવેલી જાહેરાતો આવકારદાયક ગણાવી છે અને આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે દેશના લાખો લોકોના ઘરના ઘરનું સપનું સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 66 ટકાનો વધારો વડાપ્રધાનની સૌને આવાસની પ્રતિબદ્ધતાનું પૂરક બનશે.
વિશ્વની આશાને સાકાર કરનારું બજેટ – પુષ્કર સિંહ ધામી
ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે આ દેશની જનતા સાથે વિશ્વની આશાને પણ સાકાર કરનારું બજેટ છે. આ ગરીબોનું બજેટ છે. નવા ભારતનો સંકલ્પ આ બજેટમાં જોવા મળે છે. આ બજેટ ભારતના ગરીબ લોકોને સમર્પિત છે. આ સબકા સાથ, સબકા પ્રયાસ, સબકા વિશ્વાસ, બધાને સાથે લઇને ચાલનારું બજેટ છે.
જનતાના ખિસ્સા ખાલી, થોડાક લોકોના હાથમાં સંપત્તિ – માયાવતી
બસપાના સુપ્રીમો માયાવતીએ મોદી સરકારના ચૂંટણી પહેલાના અંતિમ બજેટને દગો ગણાવ્યો છે. માયાવતીએ કહ્યું કે પહેલાથી જ દેશની સંપત્તિ કેટલાક લોકોના હાથમાં સિમટાઇ ગઇ છે. સરકારે બજેટથી તેમના હાથ વધારે મજબૂત કરી દીધા છે. સામાન્ય લોકોના ખિસ્સા પુરી રીતે ખાલી છે.