ભારતીયોમાં ‘દેવું કરીને ઘી પીવું’નું એટલે ઉછીના પૈસાથી જલસા કરવાનું ચલણ વધી રહ્યું છે. સરળ શબ્દોમાં કહીયે તો વિદેશની જેમ ભારતીયો પણ રોજબરોજના દૈનિક ખર્ચાઓ અને શોપિંગ માટે મોટા પ્રમાણમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. પરિણામે ભારતીયો પર ક્રેડિટ કાર્ડના કુલ દેવામાં અધધધ… 31 ટકાનો કરમતોડ વધારો થયો છે એવું રિઝર્વ બેંકના આંકડામાં જાણવા મળ્યું છે.
ક્રેડિટ કાર્ડનું દેવું 31 ટકા વધીને 1.94 લાખ કરોડે પહોંચ્યું
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ 31 માર્ચ, 2023ના રોજ સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષ2002-23માં ભારતીયોનું ક્રેડિટ કાર્ડનું કુલ બાકી દેવું 31 ટકા વધીને 1.94 લાખ કરોડે પહોંચી ગયું છે, જે 31 માર્ચ, 2022ના અંતે 1.32 લાખ કરોડ રૂપિયા હતું. આમ રકમની દ્રષ્ટિએ જોઇયે તો ક્રેડિટ કાર્ડના બાકી દેણામાં છેલ્લા એક વર્ષમાં 45866 કરોડ રૂપિયાનો વધારો થયો છે.
ક્રેડિટ કાર્ડનું ધિરાણ સૌથી જોખમી
ક્રેડિટ કાર્ડનું ધિરાણ એ એક અનસિક્યોર્ડ લોન છે અને તેમાં બેંકો કે ફાઇનાન્સિયલ કંપનીઓ માટે જોખમ રહેલું હોય છે, કારણ કે આવી નાણાંકીય સુવિધા કોણ પણ પ્રકારની જામીનગીરી કે કોલેટરલ વગર આપવામાં આવે છે. આથી જો ક્રેડિટ કાર્ડધારક ડિફોલ્ટ થાય તો બેંકોને નુકસાન સહન કરવું પડે છે.
અસુરક્ષિત લોન એ એવી લોન છે જે કોઈ પણ કોલેટરલ આપ્યા વિના મેળવી શકે છે. પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ અને એજ્યુકેશન લોન એ અસુરક્ષિત લોનના વિવિધ પ્રકારો છે. આવી લોન આપવામાં બેંકો માટે ઉંચુ જોખમ હોય છે કારણ કે લોન લેનાર ડિફોલ્ટના કિસ્સામાં વસૂલ કરવા માટે કોઈ કોલેટરલ કે જામીનગીરી હોતી નથી.
રિટેલ લોનમાં ક્રેડિટ કાર્ડના બાકી લેણાંનો હિસ્સો 5 ટકા
માર્ચ 2023મા સમાપ્ત થયેલા 12 મહિનામાં કુલ રિટેલ લોનમાં ક્રેડિટ કાર્ડના બાકી લેણાંનો હિસ્સો 5 ટકા જેટલો થયો છે, જે નાણાકીય વર્ષ 2021-22માં 4 ટકા હતો.
કોરોના મહામાર દરમિયાન અવરજવર પર પ્રતિબંધ અને નોકરીની અનિશ્ચિતતાએ ગ્રાહકોના વિવેકાધીન ખર્ચને ગંભીર અસર કરી હતી. જો કે ત્યારબાદ પ્રતિબંધો હટાવી દેવામાં આવતા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વેકેશન, કારની ખરીદી અને ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ વધતા ક્રેડિટ કાર્ડનો વપરાશ વધ્યો છે.
નાણાં વર્ષ 2023માં ક્રેડિટ કાર્ડથી ભારતીયોએ 14.33 લાખ કરોડ ખર્ચ્યા
RBIના આંકડા દર્શાવે છે કે, નાણાકીય વર્ષ 2022-23માં ભારતીયોએ ક્રેડિટ કાર્ડથી અધધધ… 14.33 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, જ્યારે નાણાકીય વર્ષ 2021-22માં આ રકમ 9.72 લાખ કરોડ રૂપિયા હતી. ટ્રાન્ઝેક્શનની રીતે જોઇએ તો નાણાંકીય વર્ષ 2022ના 224 કરોડની સામે નાંણાકીય વર્ષ 2023માં 291 કરોડ ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન થયા છે.
નવા 1.17 કરોડ ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કર્યા
બેંકોએ નાણાંકીય વર્ષ 2022-23માં 1.17 કરોડ નવા ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કર્યા છે. આ સાથે દેશમાં કુલ ક્રેડિટ કાર્ડની સંખ્યા માર્ચ 2022 સુધીમાં 7.36 કરોડથી વધીને 8.53 કરોડ થઈ છે.
તાજેતરમાં રિઝર્વ બેંકે ક્રેડિટ કાર્ડ સેગમેન્ટમાં વધતી નોન-પર્ફોર્મિંગ લોન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. રિઝર્વ બેંકે એપ્રિલ
2023ના માસિક બુલેટિનમાં પ્રકાશિત ‘સ્ટેટ ઑફ ઈકોનોમી’ લેખમાં જણાવ્યું હતું કે, “ક્રેડિટ કાર્ડ્સ અને એજ્યુકેશન લોનને બાદ કરતાં કન્ઝ્યુમર ક્રેડિટની તમામ કેટેગરીમાં 90+ દિવસના બાકી લેણાંની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે,”
Disclaimer : આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.