જાહેર ક્ષેત્રની બેંકોની નોન પર્ફોર્મિંગ એસેટ્સ એટલે કે એનપીએમાં વધારો અને લોન માંડવાળીના આંકડાથી સરકાર ચિંતિત છે. મોદી સરકારના શાસનકાળમાં બેંકો દ્વારા મોટા પ્રમાણમાં લોન રાઇટ ઓફ એટલે કે લોન જતી કરવામાં આવી છે અને બીજી બાજુ લોન રિકવરીનો દર પણ અત્યંત ઓછો છે. છેલ્લા પાંચ નાણાકીય વર્ષો દરમિયાન ભારતની જાહેર ક્ષેત્રની બેંકોએ 7.34 લાખ કરોડ રૂપિયાની લોન રાઈટ ઓફ કરી છે. આ માંડવાળ કરાયેલી કુલ લોનમાંથી માત્ર 14 ટકા રકમની વસૂલાત કરવામાં આવી છે.
બેંકોને લોન રિકવરી રેટ વધારીને 40% કરવા આદેશ
સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, લોનના નબળા રિકવરી રેટને કારણે કેન્દ્રીય નાણા મંત્રાલય ચિંતિત છે. અને જાહેર ક્ષેત્રની બેંકોને રિકવરી રેટ વધારીને 40 ટકા કરવા સૂચના આપી છે. હકીકતમાં માર્ચ 2022ના રોજ પૂરા થયેલા પાંચ વર્ષ દરમિયાન દેશની જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા જતી કરવામાં આવેલી કુલ 7.34 લાખ કરોડ રૂપિયાની લોનમાંથી માત્ર 1.03 લાખ કરોડ રૂપિયાની જ વસૂલાત થઈ શકી હતી. આમ માર્ચ 2022ના અંતે જાહેર ક્ષેત્રની બેંકોની માંડવાળ કરાયેલી લોનની ચોખ્ખી રકમ 6.31 લાખ કરોડ રૂપિયા હતી.
સરકારી બેંકોના અધિકારીઓની બેઠક બોલાવશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસિસ આ મુદ્દાની સમીક્ષા કરવા માટે જાહેર ક્ષેત્રની બેંકોના વરિષ્ઠ અધિકારીઓની ટૂંક સમયમાં બેઠક યોજવા જઈ રહ્યું છે. આ સૂચિત મીટિંગમાં રાઈટ ઓફ એકાઉન્ટ્સ સંબંધિત કેસ, જે વિવિધ અદાલતો, ડેટ રિકવરી ટ્રિબ્યુનલ (ડીઆરટી) અને ડેટ રિકવરી એપેલેટ ટ્રિબ્યુનલ (ડીઆરએટી) માં પેન્ડિંગ છે, તેની પણ સમીક્ષા કરવામાં આવશે. નાણા મંત્રાલયે જાહેર ક્ષેત્રની બેંકોને કહ્યું છે કે મોટી રકમના લોન એકાઉન્ટ જેને રાઈટ ઓફ કરવામાં આવ્યા છે તેમની પાસેથી રિકવરી માટે વધારે સક્રિયતા દાખવવી પડશે.
લોનની વસૂલાત કરવામાં સરકારી બેંકો ઉદાસીન
સૂત્રોના જણાવ્યા અનુસાર, નાણા મંત્રાલયને લાગે છે કે એકવાર નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPAs) રાઈટ-ઓફ થઈ જાય પછી, જાહેર ક્ષેત્રની બેંકો તેની રિકવરી અંગે ઉદાસીન વલણ ધરાવે છે. જેના કારણે રિકવરી રેટ ઘણો ઓછો થઈ જાય છે જે સરકારને સ્વીકાર્ય નથી. બીજી તરફ જતી કરાયેલી લોનની વસૂલાતની રકમને સીધી બેંકના નફામાં ઉમેરવામાં આવે છે, જે તેમની નાણાકીય સ્થિતિમાં સુધારો કરે છે.
છ વર્ષમાં બેંકોએ કુલ 11.17 લાખ કરોડની બેડ લોન માંડવાળ કરી
માર્ચ 2022ના રોજ પૂરા થયેલા 6 વર્ષ દરમિયાન દેશની તમામ બેંકોએ તેમની બેલેન્સશીટમાંથી 11.17 લાખ કરોડ રૂપિયાની બેડ લોન રાઇટ ઓફ કરી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેટા અનુસાર જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા 8,16,421 કરોડ રૂપિયા અને ખાનગી બેંકો દ્વારા 3,01,462 કરોડ રૂપિયાની લોન રાઈટ ઓફ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ GST ક્લેક્શનથી સરકારની તિજોરી છલકાઇ, એપ્રિલમાં ₹ 1.87 લાખ કરોડની વિક્રમી આવક થઇ
બેંકો લોન કેમ રાઈટ ઓફ કરે છે?
બેંકો તેમની બેલેન્સશીટને ક્લિન કરવા, કર લાભો મેળવવા અને મૂડીના વધુ સારા સંચાલન માટે નિયમિતપણે બેડ લોનને રાઈટ-ઓફ કરે છે. રાઈટ ઓફની આ પ્રક્રિયા આરબીઆઈની માર્ગદર્શિકા અને બેંકોના બોર્ડ દ્વારા મંજૂર કરાયેલી નીતિઓના આધારે કરવામાં આવે છે. જ્યારે લોન રાઈટ-ઓફ કરવામાં આવે છે ત્યારે નોન-પર્ફોર્મિંગ લોન (NPAs)ને બેંકો તેમની બેલેન્સ શીટમાંથી દૂર કરે છે. તેમાં 4 વર્ષથી જૂની NPAનો સમાવેશ થાય છે, જેના માટે 100 ટકા જોગવાઈ કરવામાં આવે છે. આમ કરવાથી બેંકોની બેલેન્સ શીટ સારી દેખાવા લાગે છે.
Disclaimer : આ આર્ટિકલ Financial Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીંં વાંચી શકો છો.