/indian-express-gujarati/media/media_files/2026/01/27/india-defence-budget-2026-2026-01-27-20-01-14.jpg)
India Defence Budget 2026 : ભારતના કેન્દ્રીય બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટે બજેટ ફાળવણી સતત વધી રહી છે. Photograph: (AI Freepik)
Operation Sindoor Impact on Budget 2026 : 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ રજૂ થનાર કેન્દ્રીય બજેટમાં માત્ર સરકારની આવક અને ખર્ચનો હિસાબ જ નહીં હોય, પરંતુ તે આગામી સમયમાં ભારત તેની સુરક્ષાને કેવી રીતે મજબૂત કરવા માંગે છે તેનો સંકેત પણ આપશે. ઓપરેશન સિંદૂર પછી દેશમાં યુદ્ધ અને સંરક્ષણ વ્યૂહરચનાનું મહત્વ અને પ્રાથમિકતા વધુ વધી ગઈ છે. આવી સ્થિતિમાં, સવાલ એ છે કે શું તેની અસર બજેટ 2026માં પણ જોવા મળશે? શું સરકાર આ વખતે સંરક્ષણ બજેટ વધારવા પર વિશેષ ધ્યાન આપશે?
ઓપરેશન સિંદૂર પછી ચિત્ર બદલાયું
22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 ભારતીયોના કરુણ મોત થયા હતા. આ પછી ભારતે ઓપરેશન સિંદૂરના નામે સરહદ પાર સૈન્ય કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી માત્ર વળતો હુમલો જ ન હતો, પરંતુ ટેકનોલોજી આધારિત યુદ્ધનું નવું ઉદાહરણ પણ હતું. આ ઓપરેશનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી તૈયાર કરવામાં આવેલા જૂના અને નવા ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેણે ટાર્ગેટિંગમાં લગભગ 94 ટકા ચોકસાઈ હાંસલ કરી હતી. આનાથી સ્પષ્ટ થયું કે ભાવિ યુદ્ધ માત્ર સૈનિકોની સંખ્યા દ્વારા જ નહીં, પરંતુ ટેકનોલોજી અને ડેટા પાવરથી લડવામાં આવશે.
બજેટ 2026 શા માટે મહત્વપૂર્ણ છે?
જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે, ત્યારે તે માત્ર આર્થિક દસ્તાવેજ નહીં હોય. આ સંકેત આપશે કે ભારત તેના આગામી સંભવિત પડકાર માટે કેવી રીતે તૈયારી કરી રહ્યું છે. ઓપરેશન સિંદૂર બાદ ડિફેન્સ પોલિસીમાં તફાવત જોવા મળ્યો છે. અગાઉ જ્યાં પરંપરાગત શસ્ત્રો પર ભાર મૂકવામાં આવતો હતો, ત્યાં હવે ડ્રોન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મિસાઇલ ડિફેન્સ અને સર્વેલન્સ સિસ્ટમને વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, બજેટ પાસેથી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે તે આ નવી વ્યૂહરચનાને મજબૂત આધાર આપશે.
આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિની અસર
ભારત માટે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ સરળ નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં ચીન અને પાકિસ્તાન સાથે તણાવ વધ્યો છે. બીજી તરફ સરકાર પણ પોતાની રાજકોષીય ખાધને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરી રહી છે. નાણાકીય વર્ષ 2026-27 માટે, સરકારે રાજકોષીય ખાધને જીડીપીના લગભગ 4.3 ટકા સુધી મર્યાદિત કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
જો કે, કેટલીક એજન્સીઓનો અંદાજ છે કે સંરક્ષણ અને મૂડી ખર્ચમાં વધારો થવાને કારણે તે 4.6 ટકા સુધી વધી શકે છે. કોવિડ દરમિયાન વધેલા સરકારી દેવાને સામાન્ય સ્થિતિમાં લાવવા માટે સરકાર ધીમે ધીમે દેવામાં ઘટાડાને પ્રાથમિકતા આપી રહી છે. પરંતુ તે જ સમયે, સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ અને રોજગાર પર ખર્ચ કરવો પડશે અને સંરક્ષણ તૈયારીઓને મજબૂત કરવી પડશે. એકંદરે, તે એક મુશ્કેલ પડકાર છે.
રક્ષા બજેટમાં વધારો થયો પરંતુ હિસ્સેદારી નહીં
નાણાકીય વર્ષ 2025-26માં સંરક્ષણ માટે લગભગ 6.81 લાખ કરોડ રૂપિયાની બજેટની જોગવાઈ કરવામાં આવી હતી, જે પાછલા વર્ષ કરતાં લગભગ 9.5 ટકા વધુ છે. પ્રથમ નજરમાં, આ વધારો સારો લાગે છે. પરંતુ કેન્દ્ર સરકારના કુલ ખર્ચમાં સંરક્ષણ બજેટનો હિસ્સો છેલ્લા કેટલાક વર્ષોથી લગભગ સ્થિર રહ્યો છે. દરમિયાન, ચીન અને પાકિસ્તાને તેમના સૈન્ય ખર્ચમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જેના કારણે ભારત પર તેની તૈયારીઓ ઝડપી બનાવવા માટે દબાણ પણ વધે છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/01/27/budget-2026-2026-01-27-14-48-54.jpg)
આધુનિક શસ્ત્રો પર વિશેષ ધ્યાન
ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે તાજેતરમાં જ લગભગ 79 હજાર કરોડ રૂપિયાના આધુનિક પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. તેમાં એર ડિફેન્સ મિસાઇલ, લાંબા અંતરના રોકેટ, ફાઇટર ડ્રોન, એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ, એર-ટુ-એર રિફ્યુઅલિંગ એરક્રાફ્ટ અને આધુનિક સર્વેલન્સ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. આ સૂચવે છે કે સરકાર શસ્ત્રોની ખરીદી અને ટેકનોલોજી અપગ્રેડેશનને લઈને ખૂબ જ ગંભીર છે.
ડિફેન્સ સેક્ટરમાં મૂડી ખર્ચની સ્થિતિ
સંરક્ષણ ક્ષેત્રમાં મૂડી ખર્ચની વૃદ્ધિ પર પણ ચર્ચા થઈ રહી છે. નાણાકીય વર્ષ 2025-26માં લગભગ 1.8 ટ્રિલિયન રૂપિયાનો મૂડી ખર્ચ નક્કી કરવામાં આવ્યો હતો. એપ્રિલથી નવેમ્બર વચ્ચે તેનો 62 ટકા ખર્ચ થયો છે, જે છેલ્લા કેટલાક વર્ષોની તુલનામાં ઘણી ઝડપી ગતિ દર્શાવે છે. આ દર્શાવે છે કે સરકાર મંજૂરી પછી પૈસા ખર્ચવામાં પણ ઝડપ બતાવી રહી છે. આ તેજી માત્ર તાજેતરની પરિસ્થિતિને કારણે છે કે પછી આવનારા વર્ષોમાં ચાલુ રહેશે, તેનો જવાબ આવનારા બજેટમાં અપેક્ષિત છે.
આ પણ વાંચો | નિર્મલા સીતારમણની બજેટ ટીમના 7 ધુરંધર અધિકારી, જાણો કોણ શું કામગીરી કરે છે?
બજેટ 2026માં વાસ્તવિક પડકાર શું છે?
બજેટ 2026માં સરકાર સામે વાસ્તવિક પડકાર એ નક્કી કરવાનો રહેશે કે, સંરક્ષણ ખર્ચ માત્ર સંકટના સમયમાં જ વધારવો જોઈએ કે તેમા સતત વધારો કરવો જોઇએ. ઓપરેશન સિંદૂરે સ્પષ્ટ કર્યું છે કે આવનારા સમયમાં યુદ્ધ દરમિયાન ટેક્નોલોજી, સંશોધન અને સ્વદેશી ડિફેન્સ પ્રોડક્ટ્સનું મહત્વ વધવાનું છે. તેથી, બજેટ ફાળવણીને આ દિશામાં મજબૂત રીતે આગળ વધારવાની જરૂર છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us