કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો (MSME)ને સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે સરકારે MSMEની મદદ કરવા માટે સરળ ધિરાણ યોજનાઓ શરૂ કરી હતી અને તેનાથી ઉદ્યોગોને ઘણો ફાયદો થયો છે. વર્ષ 2022માં જાન્યુઆરી થી નવેમ્બર દરમિયાન MSME સેક્ટરના ધિરાણમાં નોંધપાત્ર 30 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.
આજે નાણાં મંત્રી નિર્મલા સીતારમન દ્વારા સંસદમા રજૂ કરાયેલા આર્થિક સર્વેક્ષણ 2023 અનુસાર વર્ષ 2022માં જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન MSME સેક્ટરમાં ધિરાણ વૃદ્ધિ નોંધપાત્ર રીતે ઉંચી, સરેરાશ 30.6 ટકા રહી છે, જે ઇમરજન્સી ક્રેડિટ લિંક્ડ ગેરંટી સ્કીમ (ECLGS)ને આભારી છે. ઇકોનોમીક સર્વે અનુસાર MSME સેક્ટર પાસેથી બાકી ટેક્સ પેમેન્ટની વસૂલાત ઝડપથી રહી છે, જેમના સંકેત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શનમાં દેખાઇ આવે છે. ઉપરાંત ઇમરજન્સી ક્રેડિટ લિંક્ડ ગેરંટી સ્કીમે (ECGLS) તેમના દેવાની ચૂકવણીની ચિંતાઓને હળવી કરી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ભારતમાં અંદાજે 6 કરોડથી વધારે એમએસએમઇ યુનિટો છે અને તે 12 કરોડથી વધારે લોકોને રોજગારી આપે છે. MSME સેક્ટર ભારતના વિકાસદરમાં લગભગ 35 ટકા યોગદાન આપે છે.
જો આગામી નાણાંકીય વર્ષ 2024માં ફુગાવો ઘટે અને જો લોનના વ્યાજદરમાં વધારો ન થાય તો ધિરાણમાં ઝડપી વધારો થવાની શક્યતા છે.
મૂડીખર્ચમાં પ્રોત્સાહક વૃદ્ધિ
કોરોના મહામારી અને લોકડાઉનના કમરતોડ ફટકાથી અર્થતંત્ર ઝડપથી બેઠું થઇ રહ્યુ છે અને તેમાં સરકાર દ્વારા મૂડીખર્ચમાં વધારા એ મોટી ભૂમિકા ભજવી છે. આર્થિક સર્વેક્ષણના આંકડા અનુસાર ચાલુ નાણાંકીય વર્ષ 2023માં એપ્રિલથી નવેમ્બર સુધીના પ્રથમ આઠ મહિનામાં કેન્દ્ર સરકારનો મૂડી ખર્ચ (કેપેક્સ) 63.4 ટકા વધ્યો છે અને તેણે ભારતીય અર્થતંત્રના ચાલકબળની ભૂમિકા ભજવી છે.
આ પણ વાંચોઃ ભારતનો વિકાસદર FY24માં 3 વર્ષમાં સૌથી ઓછો રહેવાનો અંદાજ, ફુગાવો 6.8 ટકા રહેવાની ધારણા
ચાલુ નાણાકીય વર્ષ (FY23) દરમિયાન કેન્દ્ર સરકાર 7.5 લાખ કરોડ રૂપિયાના મૂડી ખર્ચ (CAPEX) લક્ષ્યને પૂર્ણ કરશે. સરકારે ગયા બજેટમાં કેપેક્સ માટે આ લક્ષ્યાંક નક્કી કર્યો હતો. સર્વે મુજબ કેન્દ્ર સરકારના આ મૂડીરોકાણના કારણે ખાનગી રોકાણમાં પણ તેજી જોવા મળી રહી છે.