scorecardresearch

પીએફધારકો માટે સારા સમાચાર, EPFOએ ઉંચા પેન્શન માટે અરજી કરવાની ડેડલાઇન લંબાવી, જાણો અરજી કરવાની સરળ રીત

EPFO Higher Pension : શ્રમ અને રોજગાર મંત્રાલયના એક નિવેદન અનુસાર, EPFOના હાયર પેન્શન માટે આજ દિન સુધીમાં 12 લાખથી વધુ અરજીઓ મળી છે.

EPFO Pension
અગાઉ ઇપીએફઓ એ ઉંચું પેન્શનનો વિકલ્પ પસંદ કરવા માટે અરજી કરવાની તારીખ 3 મે, 2023 નક્કી કરી હતી.

પ્રોવિડન્ટ ફંડના સભ્યો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) એ ઉંચા પેન્શન માટે અરજી કરવાની અંતિમ તારીખ લંબાવી છે. ઇપીએફએફ દ્વારા મંગળવારે સાંજે જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયુ છે કે, હાયર પેન્શન માટે અરજી કરવાની ડેડલાઇન જે 3 મેના રોજ સમાપ્ત થવાની હતી, તેને 26 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે. આમ પાત્ર EPFOના સભાસદો હવે વધુ પેન્શન મેળવવા માટે 26 જૂન સુધી તેમની અરજી ઓનલાઈન સબમિટ કરી શકશે.

EPFOએ શા માટે ડેડલાઇન લંબાવી

EPFOએ વર્તમાન સભ્યો અને નિવૃત્ત કર્મચારીઓને પેન્શન અંગે 4 નવેમ્બર, 2022ના રોજ આપેલા મહત્વપૂર્ણ નિર્ણયને પગલે 3 મે, 2023 સુધીમાં ઓનલાઈન અરજી કરવા જણાવ્યું હતું. આ મહત્વપૂર્ણ નિર્ણયમાં દેશની સૌથી મોટી અદાલતે કહ્યું હતું કે, EPFOએ તેના વર્તમાન અને ભૂતપૂર્વ સભ્યોને હાયર પેન્શનનો વિકલ્પ પસંદ કરવાની તક આપવી જોઈએ. આ માટે કેટલીક શરતો અને વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી.

જો કે, કર્મચારી સંગઠનોના કેટલાક પ્રતિનિધિઓએ EPFOને સમયમર્યાદા વધારવાની વિનંતી કરી હતી. તેને ધ્યાનમાં રાખીને હાયર પેન્શન માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 26 જૂન સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. EPFOએ કહ્યું કે કર્મચારીઓ, કંપનીઓ અને તેમના સંગઠનો તરફથી મળેલી માંગણીઓ પર યોગ્ય વિચારણા કર્યા બાદ સમયમર્યાદા લંબાવવામાં આવી છે. આ સાથે પેન્શનરો અને વર્તમાન સભ્યોને અરજી કરવા માટે પૂરતો સમય મળશે.

હાયર પેન્શન માટે 12 લાખ અરજીઓ આવી

શ્રમ અને રોજગાર મંત્રાલયે મંગળવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હાયર પેન્શન માટે આજ દિન સુધીમાં 12 લાખથી વધુ અરજીઓ મળી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2022માં એમ્પ્લોઈઝ પેન્શન (સંશોધન) સ્કીમ 2014ને યથાવત રાખી હતી. 22 ઓગસ્ટ, 2014ના EPS સંશોધન મારફતે પેન્શનપાત્ર પગારની મર્યાદા પ્રત્યેક મહિના માટે રૂ. 6,500 થી વધારીને રૂ. 15,000 પ્રતિ માસ કરવામાં આવી હતી અને સભ્યોને તેમના એમ્પ્લોયર સાથે મૂળભૂત પગારના 8.33 ટકા યોગદાન આપવાની છૂટ આપવામાં આવી હતી (જો આ મર્યાદા વધુ હોય તો).

આ પણ વાંચોઃ EPFO દ્વારા ઓફર કરાયેલ હાયર પેન્શન વિકલ્પ શું છે?

હાયર પેન્શન માટે ઓનલાઈન અરજી કરવાની રીત

અહીં જણાવેલા પગલાં અનુસરીને તમે EPFOના હાયર પેન્શન માટે ઓનલાઈન જોઈન્ટ ઓપ્શનનું ફોર્મ ભરી શકો છો.

  • હાયર પેન્શનની ઓનલાઇન અરજી કરવા માટે તમે સૌથી પ્રથમ EPFOની સત્તાવાર વેબસાઇટ EPFO ​​unifiedportal-mem.epfindia.gov.in/memberInterfacePohw/ પર જાઓ.
  • વેબસાઇટ પર તમને બે ઓપ્શન દેખાશે.
  • જો તમે એવા કર્મચારી છો જે 1 સપ્ટેમ્બર, 2014 પહેલા નિવૃત્ત થયા હોય, તો ઉચ્ચ પેન્શન માટે પ્રથમ વિકલ્પ પસંદ કરો. જો તમે હજી નિવૃત્ત થયા નથી અને કંપનીમાં કામ કરી રહ્યા છો, તો બીજો વિકલ્પ પસંદ કરો.
  • બીજા વિકલ્પ પર ક્લિક કરવાથી વેબસાઇટ પર Registration Request ફોર્મ ખુલશે. માંગેલી માહિતી જેવી કે UAN, આધાર નંબર અને અન્ય આવશ્યક વિગતો ભરીને સબમિટ બટન પર ક્લિક કરો.
  • તમે ફોર્મ સબમિટ કરતાની સાથે જ કંપની પાસે કન્ફર્મેશન માટે જશે કે તમે સંબંધિત કંપનીમાં કામ કરો છો કે નહીં?
  • કંપની તરફથી પુષ્ટિ મળ્યા બાદ ઉચ્ચ પેન્શન માટે યોગદાન શરૂ થશે.

Disclaimer : આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.

Web Title: Epfo higher pension option applications deadline extends till 26 june

Best of Express