શું તમે જાણો છો કે જો તમે 10 વર્ષ સુધી ખાનગી નોકરી કરો છો તો તમે પેન્શન મેળવવા માટે હકદાર બની શકો છો. EPFOના નિયમો અનુસાર, જો કોઈ કર્મચારી EPFOમાં યોગદાન એટલે કે પીએફ કપાવે છે, તો 10 વર્ષ સુધી કામ કર્યા બાદ તે પેન્શન મેળવવાને હકદાર બને છે. જો કે, તેને આ પેન્શન 58 વર્ષની ઉંમર પછી મળે છે. ત્યાં તે અમુક કપાત સાથે 50 વર્ષ પછી પણ પેન્શનનો લાભ લઈ શકે છે. પરંતુ જો તેની ઉંમર 50 વર્ષથી ઓછી છે તો તેને પેન્શનનો લાભ નહીં મળે. જો કે, તેણે 10 વર્ષની નોકરી પૂર્ણ કરી નથી, તો તે પેન્શન ફંડ ઉપાડી શકે છે. આ અંગે EPFOના પોતાના નિયમો છે. તો ચાલો વિગતવાર જાણીયે
કર્મચારી પેન્શન યોજના (EPS) એ એક રિટાયરમેન્ટ સ્કીમ છે, જેનું સંચાલન EPFO દ્વારા કરવામાં આવે છે. એટલે કે, EPS એ EPFO દ્વારા ચલાવવામાં આવતી એક પેન્શન યોજના છે. આ યોજના એવા નિવૃત્ત કર્મચારીઓ માટે છે જેમણે સંગઠિત ક્ષેત્રમાં નોકરી – કામગીરી કરી છે, પરંતુ આ યોજનાનો લાભ ત્યારે જ લઈ શકાય છે જ્યારે કોઈ કર્મચારીએ ઓછામાં ઓછા 10 વર્ષ સુધી નોકરી કરી હોય. જોકે એવું જરૂરી નથી કે આ નોકરી સતત કરેલી હોવી જોઈએ. PF ખાતામાં જમા થયેલી રકમનો એક હિસ્સો પેન્શન ફંડ માટે EPS ખાતામાં જાય છે.
પેન્શનમાં કેટલી રકમ જમા થાય છે?
દર મહિને કર્મચારીના બેઝિક સેલરી + DAના 12 ટકા પીએફ ખાતામાં જમા થાય છે. એમ્પ્લોયર/કંપનીનું યોગદાન પણ માત્ર 12% છે. કંપની દ્વારા આપવામાં આવેલા યોગદાનમાંથી 8.33 ટકા રકમ કર્મચારી પેન્શન ફંડ (ઇપીએસ ફંડ)માં જાય છે અને બાકીની 3.67 ટકા રકમ પીએફ ખાતામાં જાય છે. જો કે, પેન્શનપાત્ર પગારની મહત્તમ મર્યાદા 15 હજાર રૂપિયા છે. આ કિસ્સામાં, જો કોઈ વ્યક્તિનો પગાર 15000 રૂપિયા છે, તો 15000 X 8.33/100 = 1250 રૂપિયા દર મહિને તેના પેન્શન ખાતામાં જશે.
જો તમારે 58 વર્ષની ઉંમર પહેલા પેન્શન જોઈતું હોય તો શું કરવું?
જો કે, EPFOના નિયમો અનુસાર, 58 વર્ષ પૂર્ણ થવા પર પેન્શન મળવાનું શરૂ થાય છે. પરંતુ તમે તેની પહેલા પણ તેનો દાવો કરી શકો છો. જો કે ધ્યાન રહે કે આની માટે તમારી ઉંમર 50 વર્ષ હોવી જરૂરી છે, તો જ તમે દાવો કરી શકો છો. પરંતુ અહીં તમને થોડી કપાત બાદ પેન્શન આપવામાં આવે છે. જો ઉંમર 58 વર્ષથી એક વર્ષ ઓછી હોય તો પેન્શનમાં 4 ટકાનો ઘટાડો થશે. પ્રત્યેક એક વર્ષ ઓછુ થતા 4 ટકા કપાસ વધતી જશે. જો તમે 55 વર્ષમાં પેન્શન લેવા માંગો છો, તો આ કપાત 12 ટકા હશે અને જો તમે 52 વર્ષમાં લેવા માંગો છો તો તે 24 ટકાનો કપાત થશે. જો તમારી ઉંમર 50 વર્ષથી ઓછી છે તો તમને પેન્શન નહીં મળે.
50 વર્ષની ઉંમર પહેલા નોકરી છોડી દીધી, તો હવે શું કરશો?
જો તમે 10 વર્ષ નોકરી કરી છે, પરંતુ 48 વર્ષમાં નોકરી છોડી દીધી છે, તો તમને તરત જ પેન્શન નહીં મળે. જ્યારે તમે 58 વર્ષના થશો ત્યારે જ તમને પેન્શન મળવાનું શરૂ થશે. તેનો અર્થ એ કે તમારા પેન્શન ફંડના પૈસા નકામા નહીં જાય.
તમે 10 વર્ષ પહેલા બધી રકમ ઉપાડી શકો છો
જો તમારી નોકરીનો સમયગાળો 10 વર્ષથી ઓછો છે, તો તમને પેન્શન નહીં મળે. પરંતુ આવી સ્થિતિમાં તમે પેન્શન ફંડમાં જમા થયેલી બધી જ રકમ માટે દાવો કરી શકો છો.
પેન્શન સર્ટિફિકેટ લેવાનું ભૂલશો નહીં
જો તમે 10 વર્ષ પહેલા નોકરી છોડી દીધી હોય તો વધુ એક વિકલ્પ છે. જો તમે ભવિષ્યમાં ફરીથી નોકરી કરવા ઈચ્છો છો, તો પેન્શન યોજનાનું પ્રમાણપત્ર લેવાનું ભૂલશો નહીં. આવી સ્થિતિમાં, જ્યારે પણ તમે નવી નોકરીમાં જોડાઓ છો, તો આ પ્રમાણપત્ર મારફતે તમે અગાઉના પેન્શન એકાઉન્ટને નવી નોકરી સાથે લિંક કરાવી શકો છો. આવી સ્થિતિમાં જો નોકરીનો સમય 10 વર્ષ પૂરો થઈ જાય, તો 58 વર્ષની ઉંમરે તમે પેન્શન મેળવવા માટે હકદાર બની શકો છો.
Disclaimer :- આ આર્ટિકલ Financial Express પરથી અનુવાદિત છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.