રાખી જગ્ગા : ઓર્ગેનિક ખેતીના ઘણા ફાયદા છે અને હવે તે લોકપ્રિય પણ બની રહ્યું છે. આ પ્રકારની ખેતીમાં રસાયણોનો ઉપયોગ થતો નથી. આવો જ એક કિસ્સો પંજાબના બરનાલાથી સામે આવ્યો છે. વાસ્તવમાં એક પરિવાર 4 એકર જમીનમાં 40 થી વધુ પાક ઉગાડે છે અને તેમાં ઘણો નફો થાય છે.
હરવિંદર સિંહે 2017માં ઓર્ગેનિક ફાર્મિંગની શરૂઆત કરી હતી
2017 માં, 38 વર્ષીય હરવિંદર સિંહ જવાંધા અને તેcના બે નાના ભાઈઓ (પરમજીત અને હરજિંદર સિંહ) એ ઓર્ગેનિક ખેતી કરવાનું નક્કી કર્યું. આ માટે તેમણે પોતાની 13 એકર જમીનમાંથી 2 કેનાલ વિસ્તારની અલગ રાખી હતી. 2018માં વિસ્તાર વધારીને 3 એકર અને 2020માં 4 એકર કરવામાં આવ્યો હતો.
શરૂઆતમાં નુકશાન
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા હરવિંદર સિંહ જવાંધાએ કહ્યું, “અમને પહેલા બે વર્ષમાં નુકસાન થયું, પરંતુ આખરે અમારી મહેનત રંગ લાવી. આજે અમે આ 4 એકર જમીનમાં એક વર્ષમાં 40 થી વધુ પાક ઓર્ગેનિક રીતે ઉગાડીએ છીએ અને અમે ક્યારેય અમારી ઉપજ વેચવા માટે મંડીમાં જતા નથી. ખરીદદારો અમારા દરવાજા પર આવે છે.”
ખેતીમાં નફો કમાવવાનો મૂળ મંત્ર જણાવતા જવાંધા ભાઈઓએ કહ્યું કે, તમારા ખેતરમાં ઉગાડવામાં આવતી ઉપજને પ્રોસેસ કરો અને વર્ષમાં માત્ર બે જ પાક ઉગાડો અને તેને વેચો. તેમણે કહ્યું કે અમે ખેતીને બજારમાં વેચીને નફાનો સોદો બનાવી શકતા નથી. ખેડૂતે થોડુ સ્માર્ટ વિચારવાની જરૂર છે.
પેક કરીને સામાન વેંચી શકો છો
હરવિંદર સિંહે કહ્યું, “અમે શેરડી ઉગાડીએ છીએ, પરંતુ ગોળ અને ગોળનો પાવડર બનાવીને ગ્રાહકોને વેચીએ છીએ. અમે હળદર, મરચાં, વરિયાળી, ધાણા વગેરે ઉગાડીએ છીએ. પરંતુ અમે ગ્રાહકોને હળદર પાવડર, લાલ મરચાંનો પાવડર, ધાણાના બીજ/પાઉડર, અજવાઇન, વરિયાળી વગેરે પેકિંગ કરી વેચીએ છીએ. અમે 3-4 પ્રકારની કઠોળ ઉગાડીએ છીએ અને તે પણ પેક કરીને વેચાય છે.”
જવાંધાભાઈ તેમના ખેતરોમાં મોસમી શાકભાજી, ડ્રેગન ફ્રૂટ, જામફળ, અંજીર, આલુ, પપૈયા વગેરે પણ ઉગાડે છે. ગ્રાહકો આ પરિવાર પાસેથી શાકભાજી, ફળો, મસાલા, ઘઉં, ચોખા વગેરે ખરીદે છે. હરવિંદર સિંહે જણાવ્યું કે, તેમના ખેતરમાં સરસવની ખેતી પણ કરવામાં આવે છે અને સરસવનું તેલ ગ્રાહકોને વેચવામાં આવે છે.
પરિવારે Jawandha natural farms ની બહાર ‘Kisan hut’ બનાવ્યું છે, જેમાં તેઓ તમામ ખાદ્યપદાર્થો વેચે છે. કેન્દ્ર સરકારની એગ્રીકલ્ચરલ ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી (ATMA) યોજના હેઠળ ‘કિસાન હટ’ની સ્થાપના કરવામાં આવી છે.
આ પણ વાંચો – ગુજરાતમાં શાકભાજીના ભાવ તળીયે, બમ્પર પાક, ઠંડીનું મોજુ, પાંચ-સાત વર્ષમાં આ સૌથી નીચા દર
લોકોને વોટ્સએપ ગ્રુપથી જોડે છે
હરવિન્દર સિંહે કહ્યું, “ઘણા ગ્રાહકો અમારી સાથે વોટ્સએપ ગ્રુપ દ્વારા જોડાયેલા છે અને અમે ગ્રુપમાં અમારી ખેતીના વીડિયો મોકલતા રહીએ છીએ. એટલે કે અમે શું વાવીએ છીએ અને ઉત્પાદન કેવી રીતે બનાવીને/વેચીએ વગેરે. અમે ઘઉંની જૂની જાતો ઓર્ગેનિક રીતે ઉગાડીએ છીએ અને તે ખેતરમાં 40-45 રૂપિયા પ્રતિ કિલોની રેન્જમાં વેચાય છે. જો આપણે ઘઉંનો લોટ વેચીએ તો તેની કિંમત 60-70 રૂપિયા પ્રતિ કિલો છે. અમે ચણા અને કાળા ચણા પણ ઉગાડીએ છીએ. હવે અમે ચણાનો લોટ અને અન્ય કેટલાક ચણાના લોટના ઉત્પાદનો પણ બનાવવાનું વિચારી રહ્યા છીએ.”