ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી તેના નવા ગ્રીન એનર્જી પ્રોજેક્ટ માટે 1 થી 1.5 અબજ ડોલરનું ધિરાણ લેવાનું વિચારણા કરી રહ્યા છે. નોંધનિય છે કે, જાન્યુઆરીમાં અમેરિકન શોર્ટ સેલર હિડનબર્ગ રિસર્ચે તેના રિપોર્ટમાં ગૌતમ અદાણી અને અદાણી ગ્રૂપની કંપનીઓ કથિત કૌભાંડ અને શેરમાં સટ્ટાખોરીના આક્ષેપ કર્યા હતા. આ સનસનાભર્ટી રિપોર્ટ બાદ ગૌતમ અદાણી મોટી મુશ્કેલીમાં મુકાયા હતા.
અદાણી ગ્રૂપે તાજેતરમાં સિંગાપોરમાં રોડ-શોનું આયોજન કર્યુ હતુ, ત્યારબાદ હોંગકોંગમાં પણ બે દિવસનો રોડ શો યોજ્યો હતો, જેમાં ભંડોળ એકત્ર કરવા માટે વૈશ્વિક નાણાકીય સંસ્થાઓ સાથે મંત્રણા કરવામાં આવી હતી, એવું ઘટનાક્રમથી માહિતગાર સુત્રોએ જણાવ્યું હતું.
સિંગાપોરની બેઠક બીએનપી પરિબાસ, ડીબીએસ બેંક, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, ડોઇશ બેંક, આઇએનજી, મિત્સુબિશી યુએફજે ફાયનાન્સિયલ ગ્રૂપ અને મિઝુઓ જેવી 12 વૈશ્વિક બેંકોની મદદથી યોજાઈ હતી, એવું સુત્રોએ જણાવ્યું હતું.
અદાણી ગ્રૂપે મોકલેલા ઈ-મેલનો કોઇ પ્રત્યુત્તર આપ્યો ન હતો.
24 જાન્યુઆરી, 2023ના રોજ અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે ગૌતમ અદાણી અને માલિકીની અદાણી ગ્રૂપની કંપનીઓ વિરુદ્ધ નાણાંકીય કૌંભાંડ અને શેરમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો કરતા કથિત રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં વેચવાલીનું ભયકંર ચક્રવાત આવ્યું અને કુલ માર્કેટમાં 110 અભજ ડોલરથી વધારે ધબડકો બોલાયો હતો.
અદાણી ગ્રૂપે હિંડનબર્ગના તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને રિકવરી માટે રણનીતિ ઘડી રહી છે. રોકાણકારોને વિશ્વાસ ફરી હાંસલ કરવા માટે અદાણી ગ્રૂપે કેટલાક દેવાની ચૂકવણી કરી અને ગિરવે મુકેલું શેરહોલ્ડિંગ પણ છોડાવી લીધું.
5 વર્ષમાં અદાણીનું દેવુ વધીને 27 અબજ ડોલરે પહોંચ્યું
ઉલ્લેખનિય છે કે, અદાણી ગ્રૂપનું દેવું છેલ્લા 5 વર્ષમાં વધીને 27 અબજ ડોલરે પહોંચી ગયુ છે, જ્યારે તેની એસેટ્સની બેઝ વેલ્યૂ વધીને 60 અબજ ડોલર થઇ છે અને તેનું EBITDA પણ વધીને 7.5 અબજ ડોલર થયું છે.
હિંડનબર્ગ વિવાદ બાદ 21000 કરોડનો FPO રદ કરવો પડ્યો
નોંધનિય છે કે, હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ રોકાણકારોનો વિશ્વાસ ડગમગી ગયો અને અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં દરરોજ મસમોટા કડાકાથી માર્કેટ વેલ્યૂમાં જંગી ધોવાણ થયુ હતુ. આ ઘટનાક્રમ બાદ 1 ફેબ્રુઆરીના રોજ ગૌતમ અદાણીને અદાણી એન્ટરપ્રાઇસીસ કંપનીનો 20,000 કરોડનો ફોલો ઓન પબ્લિક ઓફર (FPO) આખરે રદ કરવાનો નિર્ણય કર્યો છે. ગત 27 જાન્યુઆરી, 2023ના રોજ અદાણી એન્ટરપ્રાઇસીસનો 20 હજાર કરોડનો FPO ખૂલ્યો હતો. જે ભારતીય શેરબજારના ઇતિહાસનો સૌથી મોટો એફપીઓ હતો. વધુ વાંચવા અહીં ક્લિક કરો.