ગૌતમ અદાણી માલિકીની કંપની અદાણી એન્ટરપ્રાઇસીસ તરફથી એક મોટા સમાચાર આવ્યા છે. અદાણી એન્ટરપ્રાઇસીસ કંપનીએ તેનો 20,000 કરોડનો ફોલો ઓન પબ્લિક ઓફર (FPO) આખરે રદ કરવાનો નિર્ણય કર્યો છે. અદાણી એન્ટરપ્રાઇસીસ કંપનીએ શેરબજારને આપેલી આપેલી માહિતીમાં જણાવ્યું કે, કંપનીનો 20,000 કરોડ રૂપિયાનો એફપીઓ રદ કરવાનો રોકાણકારો પાસેથી મેળવેલા નાણાં તેમને પરત કરવામાં આવશે.
20,000 કરોડનો FPO રદ. રોકાણકારોને નાણાં પરત કરશે
અદાણી એન્ટરપ્રાઇઝે તેની રૂ. 20,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) રદ કરી દીધી છે, એવું કંપનીએ 1 ફેબ્રુઆરી, બુધવારેના રોજ મોડી સાંજે એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું.
કંપની તેના એફપીઓ હેઠલ મેળવેલા નાણાં રોકાણકારોને પરત કરશે, જે મંગળવારે કોર્પોરેટ અને વિદેશી રોકાણકારો દ્વારા ફુલ સબ્સક્રાઇબ કરવામાં આવ્યો હતો.
કંપનીએ ફાઇલિંગમાં જણાવ્યુ છે કે, ટૂંક સમયમાં રોકાણકારોને પૈસા પરત કરવામાં આવશે.અત્રે નોંધનીય છે કે, 27 જાન્યુઆરીના રોજ ગૌતમ અદાણીની કંપની અદાણી એન્ટરપ્રાઇસીસ 20 હજાર કરોડ એકત્ર કરવા FPO ઇશ્યૂ લાવી હતી.
FPO, જેને સેકન્ડરી ઓફરિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એવી પ્રક્રિયા છે જેમાં સ્ટોક એક્સચેન્જમાં પહેલાથી જ લિસ્ટેડ કંપની વર્તમાન શેરધારકો તેમજ નવા રોકાણકારોને નવા શેર જારી કરે છે.
શું FPO ઓવરસબ્સ્ક્રાઇબ થયો હતો?
મંગળવારે, કોર્પોરેટ અને વિદેશી રોકાણકારોએ શેરબજારમાં અસ્થિરતા વચ્ચે પણ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના એફપીઓમાં મોટા પ્રમાણમાં બીડ કરી હતી અને તે ઓવરસબ્સ્ક્રાઇબ થયો હતો.
હિંડનબર્ગ રિસર્ચના સનસનાટી ભર્યા રિપોર્ટ બાદ અદાણી એન્ટરપ્રાઇસના શેરમાં મસમોટા કડાકા વચ્ચે પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs), બિન સંસ્થાકીય રોકાણકારો (NII) અને ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂલ બાયર (QIB) તરફી જબરદસ્ત બીડ કરવામાં આવતા એફપીઓ છેલ્લા દિવસે 1.12 ગણો સબસ્ક્રાઈબ થયું હતું. જેમાં QIBનો પોર્શન 1.26 ગણો અને NII 3.32 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. કોર્પોરેટોએ 1.66 કરોડ શેર ખરીદવા માટે 5,438 કરોડ રૂપિયાની બિડ અને વિદેશી રોકાણકારોએ 1.24 કરોડ શેર ખરીદવા માટે 4,127 કરોડ રૂપિયાની બીડ કરી હતી.
રિટેલ રોકાણકારો FPOથી દૂર રહ્યા
જોકે, અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના શેરમાં મોટા કડાકા વચ્ચે નાના રોકાણકાર સાવચેત થઇ ગયા હતા અને અદાણી એન્ટરપ્રાઇસીસના એફપીઓમાં રોકાણથી દૂર રહ્યા હતા. અદાણી એન્ટરપ્રાઇસીસના એફપીઓમાં રિટેલ રોકાણકારો માટેનો પોર્શન માત્ર 0.12 ગણો (12 ટકા) સબ્સ્ક્રાઇબ થયો હતો. જેમાં રોકાણકારોએ 2.29 કરોડ શેરના ક્વોટાની સામે માત્ર 27.45 લાખ શેર માટે બિડિંગ કર્યું હતું. એમ્પ્લોય ક્વોટા પણ ભરાયો ન હતો અને માત્ર 55 ટકા ક્વોટા માટે બિડ મળી હતી.
બુધવારે એવું તે શું થયું કે FPO રદ કરવો પડ્યો?
અદાણી ગ્રૂપના શેર અને બોન્ડમાં છેલ્લા એક સપ્તાહની જબરદસ્ત મંદીનો માહોલ છે અને બુધવારે પણ શેરના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 28% અને અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં 19%નો ઘટાડો થયો હતો, જે બંને કંપનીઓ માટે અત્યાર સુધીનો સૌથી ખરાબ દિવસ છે.
બુધવારે અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં ઇન્ટ્રા-ડેમાં 34 ટકા તૂટીને 19942 રૂપિયાના તળિયે ક્વોટ થયો હતો. શેરબજારના કામકાજના અંતે શેર 28.45 ટકાનો જબરદસ્ત કડાકા સાથે 2128.70 રૂપિયાના ભાવે બંધ થયો હતો. 31 જાન્યુઆરી, 2023ના રોજ આ કંપનીના શેરનો બંધ ભાવ 2975 રૂપિયા છે. તેવી જ રીતે અદાણી પોર્ટ-સેઝ કંપનીનો શેર 459 રૂપિયાની ઇન્ટ્રા-ડે બોટમ બનાવી સેશનના અંતે 20 ટકાના સેલર સર્કિટમાં શેર 492.15 રૂપિયાના ભાવે બંધ થયો હતો.
ક્રેડિટ સ્વીસે અદાણી ગ્રૂપને આપ્યો મોટો ઝટકો
ગૌતમ અદાણી દ્વારા અદાણી એન્ટરપ્રાઇસીસનો 20,000 કરોડ રૂપિયાનો એફપીઓ રદ કરવા પાછળનું કારમે હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ ઉપરાંત ક્રેડિટ સ્વીચનો એક નિર્ણય છે. બ્લૂમબર્ગની એક રિપોર્ટ અનુસાર ક્રેડિટ સ્વીસ ગ્રૂપ એજીએ પોતાના પ્રાઇવેટ બેન્કિંગ ક્લાયન્ટ્સ પાસેથી માર્જિન લોન માટે કોલેટરલ એટલે જામીનગીરી તરીકે ગૌતમ અદાણીની કંપનીઓના બોન્ડ્સ સ્વીકારવાનું બંધ કર્યુ છે. આ અહેવાલ જ બુધવારે અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં કડાકાનું નિમિત્ત બન્યુ છે.
અદાણી ગ્રૂપની આ કંપનીઓના બોન્ડની વેલ્યૂ ‘શૂન્ય’
બ્લૂમબર્ગની એક રિપોર્ટ અનુસાર સ્વિસ લેન્ડર ક્રેડિટ સ્વીસ ગ્રૂપ એજીની પ્રાઇવેટ બેન્કિંગ એન્ટિટીએ અદાણી પોર્ટ્સ અને સેઝ, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ઇલેક્ટ્રીસિટી મુંબઇ લિમિટેડ તરફથી ઇશ્યૂ કરાયેલા બોન્ડ્સની વેલ્યૂ ‘શૂન્ય’ કરી દીધી છે. અગાઉ ક્રેડિટ સ્વીસ ગ્રૂપની આ એન્ટિટી અદાણી પોર્ટ્સના બોન્ડ્સ પર લગભગ 75 ટકા જેટલું ધિરાણ આપતી હતી.
હિંડનબર્ગ રિસર્ચનો ગૌતમ અદાણી અને અદાણી ગ્રૂપ પર ગંભીર આક્ષેપ
ગૌતમ અદાણી અને અદાણી ગ્રૂપની આ સમગ્ર મુશ્કેલીનું કારણ ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ હિંડનબર્ગ ફર્મનો એક રિપોર્ટ છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ કોર્પોરેટ ગ્રૂપ દાયકાઓથી શેરબજારને ખોટી રીતે નિયંત્રિત કરવાનું કામ કરી રહ્યું હતું. કંપની તેની સ્કીમોને પ્રમોટ કરીને શેરબજારને નિયંત્રિત કરી રહી હતી જે એક રીતનો ‘ફ્રોડ’ છે. હિંડનબર્ગ અદાણી ગ્રૂપમાં યુએસ-ટ્રેડેડ બોન્ડ મારફતે એક્સપોઝર ધરાવે છે. તેનું કહેવું છે કે અદાણી ગ્રૂપની ઘણી કંપનીઓ દેવાના ડુંગર તળે દબાયેલી છે અને તેના કારણ જ કોર્પોરેટ ગ્રૂપ પર સંકટ ઉભું થયું છે. વાંચો હિંડનબર્ગ રિસર્ચનો સંપૂર્ણ રિપોર્ટ





