હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ મુશ્કેલીમાં ફસાયેલા ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીઓમાં અમેરિકન ફર્મ GQG પાર્ટનર્સ મૂડીરોકાણ વધારી શકે છે એવું ફંડ ફર્મના સ્થાપક રાજીવ જૈને બુધવારે જણાવ્યું છે. સંકટગ્રસ્ત અદામી સમૂહમાં 15000 કરોડ રૂપિયાથી વધારે મૂડીરોકાણ કર્યાના એક સપ્તાહ બાદ તેમણે આ નિવેદન આપ્યું છે.
રાજીવ જૈને સિડનીમાં પત્રકારે પુછેલા પ્રશ્ન પર જણાવ્યું કે, અમે કદાચ વધારે હિસ્સો ખરીદી શકીયે છીએ કારણ કે અમે શરૂઆતમાં થોડોક હિસ્સો ખરીદીયે છીએ અને ત્યારબાદ પ્રદર્શન કેવું રહે છે તેના આધારે અમે મોટા પ્રમાણમાં શેરહોલ્ડિંગ ખરીદવાનો નિર્ણય કરીયે છીએ. હાલ અમે વધારે શેર ખરીદ્યા નથી.
વર્ષ 2016માં રાજીવ જૈન જેના સહ-સ્થાપક છે તે GQG પાર્ટનર્સે પાછલા સપ્તાહે જ અદાણી ગ્રૂપની ચાર કંપનીઓના 1.87 અબજ ડોલર કે 15000 કરોડ રૂપિયાની મૂલ્યના શેર ખરીદ્યા હતા, જે જાન્યુઆરીમાં શૉર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ ભારતીય સમૂહમાં પ્રથમ મોટું રોકાણ હતું.
ફ્લોરિડા સ્થિત જૈન રોકાણકારો સાથે વાટાઘાટો કરવા આ અઠવાડિયે ઓસ્ટ્રેલિયા ગયા હતા, જેમાં ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા પેન્શન ફંડનો પણ સમાવેશ થાય છે. ગયા અઠવાડિયે 71 અબજ ઓસ્ટ્રેલિયન ડોલર કે 46.82 અબજ ડોલરની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) ધરાવતા પેન્શન ફંડ રોકાણકાર Cbus Super અને જીક્યુજી પાર્ટનર્સ સાથે અદાણી ગ્રૂપમાં શેર ખરીદી અંગે Routersએ પુછ્યું હતું.
GQGના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જૈનની મુલાકાતનું આયોજન થોડાક સમય પહેલા કરવામાં આવ્યું હતું અને તેમાં અદાણી સિવાયના અન્ય મુદ્દાઓ સામેલ હતા.
આ પણ વાંચોઃ અદાણી ગ્રૂપે ₹ 7374 કરોડનું દેવુ ચૂકવ્યું, જાણો હજી કેટલું દેવું છે?
અદાણીના શેરમાં તેજીનો માહોલ, અદાણી એન્ટર.નો ભાવ બમણો થયો
અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં છેલ્લા એક સપ્તાહથી તેજીનો માહોલ છે. બુધવારે પણ અદાણી ગ્રૂપની તમામ 10 કંપનીઓના શેર વધીને બંધ થયા હતા જેમાં 6 કંપનીના શેરમાં તેજીની અપર સર્કિટ લાગી હતી. શેર બજારમાં ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇસનો શેર બુધવારે ટ્રેડિંગ સેશન દરમિયાન 2085 રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઇ બનાવી અંતે 2.9 ટકાની મજબૂતીમાં 2039 રૂપિયાના સ્તરે બંધ થયો છે. આ શેરમાં 3 ફેબ્રુઆરીના રોજ 1017 રૂપિયાની વર્ષનો સૌથી નીચો ભાવ બોલાયો હતો. ત્યારબાદથી અત્યાર સુધીમાં અદાણી એન્ટરપ્રાઇસનો શેર 100 ટકા વધી ગયો છે.
કંપનીનું નામ | બંધ ભાવ | વધારો |
---|---|---|
અદાણી એન્ટરપ્રાઇસ | 2039 | +2.86% |
અદાણી પોર્ટ-સેઝ | 712 | +3.22% |
અદાણી પાવર | 186 | +4.97% |
અદાણી ટ્રાન્સમિશન | 819 | +4.99% |
અદાણી ગ્રીન એનર્જી | 619 | +5.00% |
અદાણી ટોટલ ગેસ | 861 | +4.99% |
અદાણી વિલ્મર | 461 | +5.00% |
એનડીટીવી | 242 | +4.94% |
અંબુજા સિમેન્ટ | 392 | +1.69% |
એસીસી લિમિટેડ | 1887 | +1.17% |