ગૌતમ અદાણી અને તેમની માલિકીના અદાણી ગ્રૂપ વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરતા હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટથી અદાણી કોર્પોરેટ જૂથની વૈશ્વિક સ્તરે છબી ખરડાઇ છે. કારણ કે ફ્રાંસની એક કંપનીએ અદાણી ગ્રૂપ સાથે કરેલી ભાગીદારી હેઠળ પ્રસ્તાવિત મૂડીરોકાણની યોજના હાલ અટકાવી દીધી છે.
ફ્રાંસની કંપનીએ અદાણીના હાઇડ્રોજન પ્રોજેક્ટમાં રોકાણ અટકાવ્યું
ફ્રાન્સની ટોટલ એનર્જી કંપનીએ અદાણી ગ્રૂપના 50 અબજ ડોલરના હાઇડ્રોજન પ્રોજેક્ટમાં પ્રસ્તાવિત મૂડીરોકાણ અટકાવી દીધું છે. કંપનીના ચીફ એક્ઝિક્ટિવ પેટ્રિક પૌઆને જણાવ્યું કે, અમેરિકાની હિંડનબર્ગ રિસર્ચના ગૌતમ અદાણી અને તેમની માલિકીની કંપનીઓ કરેલા ગંભીર આક્ષેપને હાલ રોકાણ અટકાવી દીધું છે.
અદાણીના હાઇડ્રોજન પ્રોજેક્ટમાં 25 ટકા હિસ્સો ખરીદવાની યોજના
ફ્રાંસની ઓઇલ જાયન્ટ દ્વારા ગત વર્ષે જૂન મહિનામાં અદાણી ગ્રૂપના હાઇડ્રોજન પ્રોજેક્ટમાં 25 ટકા હિસ્સો ખરીદવા માટે ભાગીદારીની ઘોષણા કરવામાં આવી હતી. કંપનીના અધિકારીએ જણાવ્યું કે, ટોટલએનર્જીએ હજુ સુધી કરાર પર હસ્તાક્ષર કર્યા નથી. અમેરિકી શોર્ટ-સેલર હિન્ડેનબર્ગ રિસર્ચ દ્વારા લગાવવામાં આવેલા આરોપ અંગે અદાણી જૂથ તરફથી સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી હાઈડ્રોજન પ્રોજેક્ટમાં રોકાણને દેખીતી રીતે જ રોકી દેવામાં આવશે.
ટોટલએનર્જી એ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના બિઝનેસમાં સૌથી મોટા વિદેશી રોકાણકારો પૈકીનું એક છે અને તેણે અગાઉ અદાણી ગ્રૂપના રિન્યુએબલ એનર્જી વેન્ચર, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને સિટી ગેસ યુનિટ, અદાણી ટોટલ ગેસ લિમિટેડમાં હિસ્સો ખરીદ્યો હતો.
જૂન 2022 ની જાહેરાત મુજબ, ટોટલએનર્જીસ અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL)માં 25 ટકા ઇક્વિટી શેરહોલ્ડિંગ ખરીદવાની હતી. આ કંપની અદાણી ગ્રૂપની કંપની છે જે ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમમાં 10 વર્ષમાં 50 અબજ ડોલરનું મૂડીરોકાણ કરી રહી છે.
ટોટલએનર્જીસ એ ફ્રાંસની સૌથી મોટી ઓઇલ અને ગેસ કંપની છે, જે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડમાં 19.75 ટકા હિસ્સો ખરીદવાની પહેલા લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) સાહસ માટે 2018માં સૌપ્રથમ અદાણી સાથે હાથ મિલાવ્યા હતા અને વર્ષ 2020-21માં 2.5 અબજ ડોલરના રોકાણા સાથે સોલાર એસેટમાં હિસ્સો ખરીદ્યો હતો. તેણે અદાણી ટોટલ ગેસ લિમિટેડમાં 37.4 ટકા હિસ્સો પણ ખરીદ્યો હતો.