ગૌતમ અદાણીએ તેમની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસનો રૂ. 20,000 કરોડનો FPO (ફોલો ઓન પબ્લિક ઑફર) રદ કર્યો છે. કંપનીએ FPO રદ કરવાના નિર્ણયની ઘોષણા કરતા જણાવ્યું કે, એફપીઓ માટે બીડ કરનાર રોકાણકારોના પૈસા પરત કરવામાં આવશે. હિંડનબર્ગ રિસર્ચના સનસનાટી ભરેલા રિપોર્ટ બાદ અદાણી જૂથની કંપનીઓને અત્યાર સુધીમાં 68 અબજ ડોલરથી વધારે નુકસાન થયું છે. જેમાં અદાણી ગ્રૂપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝને 25%થી વધારે નુકસાન સહન કરવું પડ્યું છે.
ગૌતમ અદાણી વિશ્વના અબજોપતિની યાદીમાં ‘અર્શથી ફર્શ પર’
હિંડનબર્ગ રિસર્ચના ગૌતમ અદાણી અને તેમની કંપનીઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરતા રિપોર્ટથી અદાણીની પડતી શરૂ થઇ છે. હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં જબરદસ્ત કડાકા બોલાતા ગૌતમ અદાણીની સંપત્તિમા જંગી ધોવાણ થયુ છે. વિશ્વના અબજોપતિની યાદીમાં ગૌતમ અદાણી નંબર – 3થી પટકાઇને હાલ નંબર – 13 ઉપર આવી ગયા છે. અત્રે નોંધનિય છે કે, એક સમયે ગૌતમ અદાણી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સના 2 ફેબ્રુઆરીના રિપોર્ટ અનુસાર, ગૌતમ અદાણી હવે વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં 72.1 અબજ ડોલરની સંપત્તિ સાથે 13માં નંબરે આવી ગયા છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ પર નજર કરીએ તો હિંડનબર્ગ રિસર્ચના ઘટસ્ફોટ બાદ ગૌતમ અદાણીની સંપત્તિમાં કુલ 48.5 અબજ ડોલરનું ધોવાણ થયુ છે, જેમાં માત્ર એક જ સપ્તાહમાં 12.5 અબજ ડોલર ગુમાવ્યા છે.
વર્ષ 2023 ભારતના આ ઉદ્યોગપતિઓ માટે ખરાબ સમાચાર લઈને આવ્યું
ગૌતમ અદાણી એકમાત્ર એવા ભારતીય ઉદ્યોગપતિ નથી જેમના માટે વર્ષ 2023ની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હોય. આ યાદીમાં મુકેશ અંબાણી, રાધાકિશન દામાણી અને સાવિત્રી જિંદાલ પણ સામેલ છે. બિઝનેસ ઈન્સાઈડરના એક રિપોર્ટ અનુસાર, ગૌતમ અદાણી ઉપરાંત વર્ષ 2023ની શરૂઆતથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં લગભગ 5 અબજ ડોલરનોં ઘટાડો થયો છે. તેવી જ રીતે રિટેલ ચેઇન કંપની ડીમાર્ટના સ્થાપક રાધા કિશન દામાણીએ 2 અબજ ડોલર અને સાવિત્રી જિંદાલને પણ 1 અબજ ડોલરનું નુકસાન થયુ છે. આમ અદાણી સહિત આ ચાર ભારતીય ઉદ્યોગપતિઓની સંપત્તિમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં અધધધ… 56.5 અબજ ડોલરનું ધોવાણ થયુ છે. ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો આ રકમ 46,43,27,17,00,000 રૂપિયા થાય છે.

આ પણ વાચોઃ Adani Group એ કેમ પરત લીધો FPO? ગૌતમ અદાણીએ જણાવ્યું કારણ, જાણો રોકાણકારો ઉપર શું થશે અસર
અબજોપતિની યાદીમાં અદાણી કરતા અંબાણી આગળ
મુકેશ અંબાણીની સંપત્તિમાં ચાલુ વર્ષે ભલે 5 અજ ડોલરનુ ધોવાણ થયુ હોય પરંતુ વિશ્વના અબજોપતિની યાદીમાં તેઓ ગૌતમ અદાણી કરતા આગળ નીકળી ગયા છે. હાલ મુકેશ અંબાણી 81 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના અબજોપતિની યાદીમાં 12 નંબર પર છે જ્યારે ગૌતમ અદાણી 13 નંબર પર છે.