ગૌતમ અદાણી અને તેમની માલિકીના અદાણી ગ્રૂપની કંપનીઓ હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટના વિવાદ બાદ મોટી મુશ્કેલીમાં ફસાઇ ગયા છે. આ દરમિયાન ગૌતમ અદાણી એ તેમની ચાર કંપનીઓનો અમુક હિસ્સો અમેરિકાની ઇન્વેસ્ટમેન્ટ ફર્મ GQGને 15466 કરોડમાં વેચ્યો છે. ગૌતમ અદાણીએ શેરબજારમાં ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્સન મારફતે અદાણી ગ્રૂપની ચાર કંપનીની હિસ્સેદારી વેચી છે.
કઇ-કઇ કંપનીનો હિસ્સો વેચ્યો
હિંડનબર્ગ રિસર્ચના સનસનાટી ભર્યા રિપોર્ટ બાદ મુશ્કેલીમાં મુકાયેલા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ તેમની ચાર કંપનીઓમાંનો કેટલોક હિસ્સો વેચી દીધો છે. એસબી અદાણી ફેમિલી ટ્રસ્ટે આજે ઓપન માર્કેટમાં અદાણી ગ્રૂપની ચાર કંપનીઓના 21 કરોડ ઇક્વિટી શેર રૂ. 15,446 કરોડમાં વેચ્યા છે. આ ટ્રસ્ટ એ અદાણી ગ્રૂપના પ્રમોટર જૂથનો એક ભાગ છે.
આ બ્લોક ડીલના આંકડા અનુસાર, એસબી અદાણી ફેમિલી ટ્રસ્ટે અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ), અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનમાં હિસ્સો વેચ્યો છે. અમેરિકા સ્થિત કંપની GQG પાર્ટનર્સે સેકન્ડરી બ્લોક ટ્રેડ ટ્રાન્ઝેક્શન દ્વારા આ હિસ્સો ખરીદવામાં આવ્યો છે. આ તમામ કંપનીઓના શેર આજે તેજી સાથે બંધ રહ્યા હતા. અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનના શેરમાં પણ તેજીની ઉપલી સર્કિટ લાગી હતી
GQG પાર્ટનર્સે એ અદાણી એન્ટરપ્રાઇઝનો હિસ્સો પ્રતિ ઇક્વિટી શેર દીઠ 1,410.86 રૂપિયાના ભાવે ખરીદ્યો છે અને આમ કુલ 5,460 કરોડ રૂપિયાની મૂલ્યના શેર ખરીદ્યા છે. તેવી જ રીતે અદાણી પોર્ટ-સેઝના 5,282 કરોડ રૂપિયાની મૂલ્યના શેર ખરીદ્યા છે અને આ ડીલ ઇક્વિટી શેર દીઠ 596.20 રૂપિયાના ભાવે કરવામાં આવી હતી. અમેરિકન કંપનીએ અદાણી ટ્રાન્સમિશનના ઇક્વિટી શેર પ્રતિ 668.4ના ભાવે અને અદાણી ગ્રીન એનર્જીના શેર 504.6 રૂપિયાના ભાવે ખરીદયા છે. આમ અદાણી ટ્રાન્સમિશનનો હિસ્સો 1,898 કરોડ રૂપિયામાં અને અદાણી ગ્રીન એનર્જીમાં હિસ્સો 2,806 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. અદાણી ગ્રુપે કહ્યું કે દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે યુએસ કંપનીનું રોકાણ મહત્વપૂર્ણ છે. વૈશ્વિક બ્રોકરેજ જેફરીઝે આ ડીલમાં બ્રોકરની ભૂમિકા ભજવી હતી.

GQG પાર્ટનર્સ કંપની ક્યાંની છે અને શું કામગીરી કરે છે?
ગૌતમ અદાણીની ચાર કંપનીમાં અમેરિકાની GQG પાર્ટનર્સ કંપનીએ હિસ્સો ખરીદયો છે. આ કંપની અગ્રણી ગ્લોબલ અને ઇમર્જિંગ માર્કેટ ઇન્વેસ્ટર્સ છે. તે લાંબા ગાળાનો ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો ધરાવે છે. GQG પાર્ટનર્સ કંપની ઓસ્ટ્રેલિયાના શેરબજરમાં લિસ્ટેડ છે અને તેનું મોટાભાગનું શેર હોલ્ડિંગ તેના કર્મચારીઓ પાસે છે. કંપનીની હેડ ઓફિસ ફ્લોરિકામાં છે. 31 જાન્યુઆરી 2023 સુધીમાં આ કંપની લગભગ 92 અબજ ડોલરથી વધારે ક્લાયન્ટ એસેટ્સનું મેનેજમેન્ટ કરી રહી હતી.