વિશ્વના ટોચના અબજોપતિ અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી માટે શુક્રવારનો દિવસ ‘બ્લેક ફ્રાઇડે’ બની રહ્યો હતો. એક રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના શેરમાં મસમોટો કડાકો બોલાયો અને તેના પરિણામે ગૌતમ અદાણીને સંપત્તિમાં જંગી ધોવાણ થયું. જેમાં અદાણીની કુલ સંપત્તિ 100 અબજ ડોલરથી ઓછી થઇ ગઇ છે. આ સાથે જ તેઓ વિશ્વના અબજોપતિઓની યાદીમાં ગૌત્તમ અદાણી ત્રીજા સ્થાને ઉતરીને 7માં સ્થાને આવી ગયા.
ગૌત્તમ અદાણીની સંપત્તિમાં 22.6 અબજ ડોલરનો ઘટાડો
ફોર્બ્સની ધી રિયલ ટાઈમ બિલિયોનેર્સ લિસ્ટ અનુસાર ભારતીય ધનાઢ્ય ગૌતમ અદાણીની સંપત્તિમાં 22.6 અબજ ડોલરથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે ગૌત્તમ અદાણીની સંપત્તિમાં લગભગ 19 ટકાનો ઘટાડો નોંધાયો 96.6 અબજ ડોલરની નેટવર્થ સાથે તેઓ વિશ્વના ટોપ – 10 ધનિકોની યાદીમાં સાતમા સ્થાને આવી ગયા. અદાણી ઉપરાંત વિશ્વના ટોપ-10 ધનિકોમાં સામેલ મુકેશ અંબાણીની સંપત્તિ પણ 1.6 અબજ ડોલર ઘટીને 83.6 અબજ ડોલર થઇ છે. અંબાણી વિશ્વના ધનાઢ્યોની યાદીમાં હાલ 10માં ક્રમે છે.
ક્રમ ધનિકનું નામ કુલ સંપત્તિ (ડોલરમાં) ઘટાડો (અબજ ડોલરમાં) દેશ 1 બર્નાર્ડ અર્નોલ્ટ એન્ડ ફેમિલી 213.9 અબજ +1.3 અબજ | 0.63% ફ્રાસ 2 એલન મસ્ક 170.1 અબજ +10.1 અબજ | 6.29% અમેરિકા 3 જેફ બેઝોસ 122.4 અબજ +2 અબજ | 1.68% અમેરિકા 4 લેરી એલિસન 112.8 અબજ +93.2 કરોડ | 0.83% અમેરિકા 5 વોરન બફેટ 107.8 અબજ -38.6 કરોડ | -0.36% અમેરિકા 6 બિલ ગેટ્સ 104.1 અબજ +89.6 કરોડ | 0.87% અમેરિકા 7 ગૌતમ અદાણી 96.6 અબજ -22.6 અબજ | -18.98% ભારત 8 કાર્લોસ સ્લિમ હેલુ અને ફેમિલી 93.0 અબજ +31 કરોડ | 0.33% મેક્સિકો 9 લેરી પેજ 85.0 અબજ +1.8 અબજ | 2.22% અમેરિકા 10 મુકેશ અંબાણી 83.6 અબજ -1.6 અબજ | -1.85% ભારત
‘અદાણી’ સેબીના રડારમાં
આ દરમિયાન ભારતીય બજાર નિયામક સેબીએ છેલ્લા એક વર્ષમાં અદાણી ગ્રૂપ દ્વારા કરાયેલા મોટા સોદાની તપાસ વધારી દીધી છે. સુત્રોના જણાવ્યા અનુસાર સેબી હવે હિંડનબર્ગ રિસર્ચ દ્વારા જારી કરાયેલી રિપોર્ટનું વિશ્લેષ્ણ અને તપાસ શરૂ કરી શકે છે.
બે દિવસમાં અદાણી ગ્રૂપની માર્કેટકેપમાં 4.2 લાખ કરોડનું ધોવાણ

હિંડનબર્ગ રિસર્ચની રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની કંપનીઓમાં શરૂ થયેલી મંદી શુક્રવારે તીવ્ર બની હતી અને મહત્તમ ગ્રૂપ કંપનીના શેરમાં સેલર સર્કિટ લાગી હતી. અદાણી ગ્રૂપની લિસ્ટેડ 10 કંપનીઓના શેરમાં 27 જાન્યુઆરી, 2023ના રોજ બોલાયેલા મસમોટા કડકાથી એક જ દિવસમાં અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટકેપમાં લગભગ 3.4 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયુ છે. આ સાથે છેલ્લા બે ટ્રેડિંગ દિવસમાં અદાણી ગ્રૂપના શેરમાં સતત ઘટાડાથી તેની સંયુક્ત માર્કેટકેપમાં 4.2 લાખ કરોડ રૂપિયા ‘સાફ’ થઇ ગયા છે. અદાણી ગ્રૂપના શેરમાં ‘સેલર સર્કિટ’ લાગતા શુક્રવારે તેની સંંયુક્ત માર્કેટ વેલ્યૂમાં ₹ 3.4 લાખ કરોડનું ધોવાણ થયું છે.





