ગો-ફર્સ્ટ એરલાઇન્સ કંપનીએ 3 અને 4 મે માટેની તમામ ફ્લાઇટ રદ કરવાની સાથે સાથે તેણે નેશનલ કંપની લો ટ્રિ્બ્યુનલ (NCLT)માં સ્વૈચ્છિક નાદારી માટે અરજી પણ દાખલ કરી દીધી છે. ભારતની લો-કોસ્ટ એરલાઇન્સ કંપનીની માલિકી વાડિયા ગ્રૂપ પાસે છે. ગે-ફર્સ્ટ એરલાઇન ‘અર્શ પરથી ફર્શ’ પર આવતા વાડિયા ગ્રૂપની શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓના શેર પર પણ તેની માઠી અસર થઇ છે. વાડિયા ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના શેરમાં બુધવારે ઇન્ટ્રા-ડેમાં 10 ટકા સુધીના કડાકો બોલાયો હતો.
ગો-ફર્સ્ટમાં વાડિયા ગ્રૂપનો હિસ્સો કેટલો
વાડિયા ગ્રૂપ તેની ફ્લેગશિપ કંપની મારફતે ગો-ફર્સ્ટ એરલાઇનમાં માલિકી હિસ્સો ધરાવે છે. બોમ્બે બર્મા ટ્રેડિંગ કોર્પોરેશન એ વાડિયા ગ્રૂપની માલિકીની કંપની છે. આ કંપનીએ 2 મે, 2023ના રોજ એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યુ કે ગો-ફર્સ્ટમાં તે 32.61 ટકા ઇક્વિટી હિસ્સો ધરાવે છે. બોમ્બે બર્મા ટ્રેડિંગ કોર્પોરેશને ફાઇલિંગમાં જણાવ્યું છે કે, નાણાંકીય વર્ષ 2023ના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પર ગો-ફર્સ્ટની ઘટનાની અસરનું મૂલ્યાંકન કરવામાં આવશે અને યોગ્ય સમયે રિપોર્ટ રજૂ કરાશે.
વાડિયા ગ્રૂપની કંપનીઓના શેરમાં 10 ટકા સુધીનો કડાકો
ગો-ફર્સ્ટની નાણાંકીય કટોકટીની વાડિયા ગ્રૂપ અને તેની લિસ્ટેડ કંપનીઓ પર માઠી અસર થઇ છે અને બુધવારે તેમના શેરમાં 10 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. વાડિયા ગ્રૂપની શેરબજારમાં 4 કંપનીઓ લિસ્ટેડ કંપની છે જેમના નામ – બોમ્બે બર્મા ટ્રેડિંગ કોર્પોરેશન, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, નેશનલ પેરોક્સાઇડ અને બોમ્બે ડાઇંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ છે. ઉપરોક્ત ચારમાંથી 3 કંપનીઓના શેર તૂટ્યા હતા.
કંપનીનું નામ | આજનો બંધ ભાવ | ઘટાડો |
---|---|---|
બોમ્બે બર્મા ટ્રેડિંગ કોર્પોરેશન | 978.60 | -5.90% |
બોમ્બે ડાઇંગ | 88.09 | -4.03% |
નેશનલ પેરોક્સાઇડ | 1372.15 | -1.51% |
બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ | 4534.85 | +0.57% |
ગો-ફર્સ્ટના IPO પહેલા વાડિયા ગ્રૂપે 2000 કરોડનું રોકાણ કર્યું
નોંધનિય છે કે, વાડિયા ગ્રૂપે 2021માં ગો-ફર્સ્ટ એરલાઇન્સના પ્રસ્તાવિત આઇપીઓની પહેલા ઇક્વિટી અને બ્રિજ લોનમાં 2000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર બોમ્બે બર્મા ટ્રેડિંગે પોતાના પેટાકંપની બેમૈનકો ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ મારફતે કમ્પ્લસરી કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર મારફતે ડિસેમ્બર ક્વાર્ટરમાં લગભગ 210 કરોડ રૂપિયાનું ગો-ફર્સ્ટ કંપનીમાં રોકાણ કર્યુ હતુ. એલોટમેન્ટની તારીખથી 5 વર્ષ બાદ આ પ્રેફરન્સ શેરને ઇક્વિટી શેરમાં કન્વર્ટ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ ગો-ફર્સ્ટ એરલાઇન સંકટમાં, બે દિવસ માટે તમામ ફ્લાઇટ રદ કરી, સ્વૈચ્છિક નાદારી માટે NCLTમાં અરજી કરી
ગો-ફર્સ્ટે 3 અને 4 મેની તમામ ફ્લાઇટ રદ કરી
નાણાંકીય કટોકટીમાં ફસાયેલી લો-કોસ્ટ એરલાઇન્સે એકાએક 3 અને 4 મે 2023 માટેની તમામ ફ્લાઇટ રદ કરવાની અને આ બે દિવસ માટે નવી ટિકિટનું બુકિંગ ન કરવાની ઘોષણા કરી હતી. કંપનીએ આ નિર્ણય પાછળ નાણાંકીય કટોકટીની સાથે અમેરિકાની કંપની પ્રેન્ટ એન્ડ વ્હિટની તરફથી એન્જિનની સપ્લાય ન થવાનીને જવાબદાર ગણાવી છે.