scorecardresearch

કિંગફિશર, જેટ એવરેઝ બાદ હવે ગો ફર્સ્ટ… ‘અર્શ થી ફર્શ પર’ પટકાયેલી ભારતીય એરલાઇન્સ કંપનીઓના પતનની કહાણી

Go first kingfisher jet airways : ગો ફર્સ્ટની નાણાંકીય કટોકટીએ એકવાર કિંગફિશર અને સ્પાઇસ જેટની કટોકટીની યાદી અપાવી દીધી છે. વાંચો ‘અર્શ થી ફર્શ પર’ પટકાયેલી ભારતીય એરલાઇન્સ કંપનીઓના પતનની કહાણી

Go first kingfisher jet airways
કિંગફિશર, જેટ એવરેઝ બાદ હવે વધુ એક એરલાઇન્સ કંપની ગો ફર્સ્ટ પણ બંધ થવાની તૈયારીમાં

ભારતની ગણતરી વિશ્વના સૌથી ઝડપથી વિકસી રહેલા એરલાઇન્સ માર્કેટમાં થાય છે જો કે દેશમાં એરલાઇન્સ કંપનીઓની નાણાંકીય સદ્ધરતા દિવસેને દિવસે કથળી રહી છે. ગો-ફર્સ્ટના સંકટે ફરી એકવાર કિંગફિશર અને સ્પાઇસ જેટની કટોકટીની યાદી અપાવી દીધી છે. ગો-ફર્સ્ટ પૂર્વે ભારતમાં બે ખાનગી એરલાઇન્સ કંપની કિંગફિશર અને જેટ એરવેઝ પણ બંધ થઇ ગઇ છે. આવી જ હાલત સરકારી માલિકીની એર ઇન્ડિયાની પણ થવાની હતી, જો કે સદભાગ્યે ટાટા ગ્રૂપે તેને ટેકઓવર કરી લેતા બચી ગઇ. ચાલો જાણીયે ‘અર્શ થી ફર્શ પર’ પટકાયેલી ભારતીય એરલાઇન્સ કંપનીઓના પતનની કહાણી…

કિંગફિશર એરલાઇન

ભારતમાં બંધ થનાર પેસેન્જર એરલાઇન્સ કંપનીઓની યાદીમાં પહેલું નામ કિંગફિશર એરલાઇન છે, જેના માલિક ભાગેડુ ડિફોલ્ટર વિજય માલ્યા હતા. વિજય માલ્યા એ વર્ષ 2003માં કિંગફિશર એરલાઇનની સ્થાપના કરી અને તેણે કોમર્શિયલ ફ્લાઇટ સર્વિસ વર્ષ 2005માં શરૂ કરી હતી. કોમર્શિયલ ફ્લાઇટ સર્વિસ શરૂ કર્યાના થોડાક વર્ષો સુધી કિંગફિશર તગડી કમાણી કરી રહી હતી અને વર્ષ 2011 સુધીમાં તો તે ભારતના ડોમેસ્ટિક એરલાઇન્સ માર્કેટમાં બજાર હિસ્સેદારીની રીતે બીજા ક્રમે પહોંચી ગઇ હતી.

Kingisher airline
કિંગફિશર એરલાઇન્સ

વર્ષ 2007માં તેણે દેવાદાર એર ડેક્કનને ખરીદવાની ઘોષણા કરી હતી. ત્યારબાદથી જ કિંગફિશરની પડતી શરૂ થઇ. વર્ષ 2008માં કંપની ખોટ કરવા લાગી અને તેની માટે ક્રૂડ ઓઇલના ઉંચા ભાવને જવાબદાર ગણાવ્યું હતું. વિજય માલ્યા એ ઘણી બધી બેંકો પાસેથી જંગી લોન લેતા કિંગફિશર ઉપર દેવું સતત વધતુ હતું. લોનની ચૂકવણી ન કરતા વર્ષ 2012માં કિંગફિશર એરલાઇન્સનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું. ધરપકડ થવાની બીકે વિજય માલ્યા ચોરીછુપે ભારતમાંથી વિદેશ ભાગી જતા તેને ભાગેડુ ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યો હતો. લેણદારો અને બેંકોના દબાણવશ વર્ષ 2014માં બેંગ્લોર સ્થિત યુનાઇટેડ બ્રુઅરીઝ હોલ્ડિંગ લિમિટેડ, જે કિંગફિશર એરલાઇન્સની ગેરંટ હતી, તેને વિલફુલ ડિફોલ્ટર જાહેર કરવામાં આવી. ફાઇનાન્સિયલ એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર, નવેમ્બર 2015ના અંત સુધીમાં 17 બેંકોનું કુલ બાકી દેવું 9091.40 કરોડે પહોંચી ગયું હતું.

જેટ એરવેઝ બંધ, 17 હજાર કર્મચારીઓ બેકાર

ભારતમાં બંધ થનાર એરલાઇન્સ કંપનીમાં બીજુ નામ છે જેટ એરવેઝ. વર્ષ 1992માં નરેશ ગોયલે એર ટેક્સી તરીકે જેટ એરવેઝની શરૂઆત કરી હતી. વર્ષ 2002માં જેટ એરવેઝે ડોમેસ્ટિક એરલાઇન્સ માર્કેટમાં ભારતીય કંપનીઓને પાછળ છોડી દીધા હતા. જેટ એરવેઝ આકાશમાં ‘ઉંચી ઉડાન’ ભરવા લાગી અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ સર્વિસ પણ શરૂ હતી. એક સોદો અને એવિએશન માર્કેટમાં હરિફ ખેલાડી ઇન્ડિગોની એન્ટ્રીથી જેટ એરવેઝને મોટો ઝટકો લાગ્યો.

jet-airways
જેટ એરવેઝ

વર્ષ 2012ના મધ્ય સુધીમાં તો ડોમેસ્ટિક એવિએશન માર્કેટમાં જેટ એરવેઝ ઇન્ડિગોથી પાછળ રહી ગઇ હતી. સતત ખોટથી જેટ એરવેઝની નાણાંકીય સ્થિતિ કફોડી બની અને એપ્રિલ 2019માં કંપનીએ ભારે હૈયે ફ્લાઇટ સર્વિસ બંધ કરવાનો નિર્ણય લીધો. તે સમયે જેટ એવરેઝ પર લગભગ 40,000 કરોડ રૂપિયાનું દેવું હતુ. જેટ એરવેઝના આ નિર્ણયથી ભારતના એરલાઇન્સ ઉદ્યોગમાં હાહાકાર મચી ગયો. જેટ એરવેઝ બંધ થતા તેના લગભગ 17 હજાર જેટલા કર્મચારીઓ રાતો રાતો બેકાર થયા અને ગંભીર આર્થિક સંકટમાં મુકાયા હતા. જેટ એરવેઝે ભાડું ન ચૂકવતા લીઝ પર આપેલા વિમાન પણ પાછા લઇ લેવામાં આવ્યા.

હવે… ગો-ફર્સ્ટ પણ નાદારીના પંથે

કિંગફિશર અને જેટ એવરેઝ બાદ હવે ગો-ફર્સ્ટ પણ નાદારીના આરે છે. ગો – ફર્સ્ટ એરલાઇન્સે 2 મે, 2023ના રોજ એક નોંધમાં 3 અને 4 મેના રોજ તમામ ફ્લાઇટ કેન્સલ કરવાની ઘોષણા કરી હતી. તેની સાથે કંપનીએ સ્વૈચ્છિક નાદારી માટે NCLTમાં અરજી કરી હોવાનું જણાવતા હાહાકાર મચી ગયો છે. વાડિયા ગ્રૂપની માલિકીની ગો – ફર્સ્ટ કંપનીએ વર્ષ 2005માં એવિએશન સેક્ટરમાં એન્ટ્રી કરી હતી. શરૂઆતમાં માત્ર બે વિમાન લિઝ પર લીધા હતા, જેની સંખ્યા હાલ વધીને 61 થઇ ગઇ છે. કંપનીના એક નિવેદન અનુસાર તેના પર હાલ 6527 કરોડ રૂપિયાનું દેવું છે. ગો ફર્સ્ટને અમેરિકાની પ્રેટી એન્ડ વ્હિહની કંપની તરફથી એન્જિનની સપ્લાય કરવામાં આવી રહી નથી અને ઓપરેશનલ ક્રેડિટર્સને પેમેન્ટ ચૂકવવામાં ડિફોલ્ટ થઇ છે. ઓઇલ કંપનીઓને પણ પેમેન્ટ ન કરતા ગો- ફર્સ્ટને તમામ ફ્લાઇટ કેન્સલ રદ કરવાની ફરજ પડી છે.

Go First
ગો-ફર્સ્ટે 3 અને 4 મે, 2023 માટેની તમામ ફ્લાઇટ રદ કરી છે.

ત્રણ વર્ષ પહેલાં IPO પ્રસ્તાવિત કરનાર કંપનીએ મહામારીની અસર સહિતના અનેક કારણોસર ઓછામાં ઓછા ત્રણ વખત તેને મુલતવી રાખ્યો હતો. કિંગફિશર એરલાઇન્સ અને જેટ એરવેઝના પતનથી બેન્કિંગ સેક્ટરને ભારે નુકસાન થયા બાદ તેઓ એરલાઇન્સ સેક્ટરને લોન આપવામાં સાવધાની રાખી રહી છે.

આ પણ વાંચોઃ ગો-ફર્સ્ટની કટોકટીથી વાડિયા ગ્રૂપની કંપનીઓના શેરમાં 10 ટકા સુધીનો ધબડકો

એર ઇન્ડિયાને ‘ટાટા’નો સહાર મળ્યો

ભારત સરકારની માલિકીની એરલાઇન્સ એર ઇન્ડિયા ઉપર પણ કમરતોડ દેવું હતું જો કે ટાટા ગ્રૂપે તેને ટેકઓવર કરી લેતા તે બચી ગઇ છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઓગસ્ટ 2021ના અંતે ખોટ કરતી એર ઇન્ડિયા પર 61562 કરોડ રૂપિયાનું દેવુ હતુ. સરકારે ખોટ કરતી એર ઇન્ડિયાને વેચવા કાઢી હતી અને બિડ જીતીનેટાટા ગ્રૂપે ખરીદી લીધી.

Web Title: Go first criris kingfisher jet airways now go first bankruptcy indian airlines downfall story

Best of Express