સોનું સતત મોંઘુ થઇ રહ્યુ છે કારણ કે સ્થાનિક બજારમાં ભાવ સતત ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચી રહ્યા છે. અમદાવાદમાં 25 જાન્યુઆરી 2023ના રોજ 10 ગ્રામ સોનાનો ભાવ 100 રૂપિયા વધીને 58,900 રૂપિયા થયો છે, જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. મોંઘવારી અને મંદીની દહેશત વચ્ચે સોનાના ભાવ વધીને 60,000 રૂપિયા થવાની આગાહી કરવામાં આવી રહી છે. સોનાની પાછળ પાછળ ચાંદી પણ મોંઘી થઇ રહી છે.
સોનું 58,900 રૂપિયાની નવી ટોચે
અમદાવાદના ઝવેરી બજારમાં 25 જાન્યુઆરી, 2023ના રોજ 99.9 શુદ્ધ સોનાનો ભાવ 100 રૂપિયા વધીને 58,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો, જે પીળી કિંમતી ધાતુઓની ઓલટાઇમ હાઇ પ્રાઇસ છે. ગઇકાલે સ્થાનિક બજારમાં સોનાની કિંમત 58,800 રૂપિયા થઇ હતી. જો કે આજે સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદીની કિંમત 69,000 રૂપિયા પ્રતિ એક કિગ્રાના ભાવે સ્થિર રહી હતી.
અલબત્ત, આજે વૈશ્વિક બજારમાં સોનાની કિંમત મંગળવારે નવ મહિનાની ઊંચી સપાટીને સ્પર્શ્યા બાદ બુધવારે 0.6 ટકા ઘટીને 1925.02 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી. તો ચાંદી પણ 0.9 ટકા ઘટીને 23.44 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી.

જાન્યુઆરીમાં સોના-ચાંદી કેટલા મોંઘા થયા
વૈશ્વિક બજારની પાછળ પાછળ ભારતમાં પણ સોના – ચાંદીના ભાવ છેલ્લા ઘણા મહિનાથી સતત વધી રહ્યા છે અને નવી ઐતિહાસિક ટોચ બનાવી રહ્યા છે. જો કેલેન્ડર વર્ષ 2023ની વાત કરીયે તો જાન્યુઆરી 2023માં સોનું પ્રતિ 10 ગ્રામ દીઠ 2300 રૂપિયા મોંઘુ થયુ છે. તેવી જ રીતે ચાંદીની કિંમત પણ પ્રતિ કિગ્રા દીઠ 1500 રૂપિયા વધી ગઇ છે. નોંધનિય છે કે, 31 ડિસેમ્બર 2022ના રોજ અમદાવાદના ઝવેરી બજારમાં સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ દીઠ 56,600 રૂપિયા અને ચાંદીની કિંમત પ્રતિ 1 કિગ્રા દીઠ 67,500 રૂપિયા હતી.
આ પણ વાંચોઃ Budget 2023 : બજેટ 2023માં સોનું સસ્તુ થશે?
સોનું 62,000 રૂપિયા થવાની આગાહી
વૈશ્વિક બજારમાં સોનાના ભાવ તેની 2078 ડોલર પ્રતિ ટ્રોય ઔંસની રેકોર્ડ સપાટીને કદાવી જવાની અપેક્ષા છે. કોટક સિક્યોરિટીઝના રવિન્દ્ર રાવના જણાવ્યા અનુસાર, સ્તાનિક બજારમાં સોનાના ભાવ 60,000 રૂપિયા અને ત્યારબાદ 62,000 રૂપિયા થવાની ધારણા છે. અલબત્ત, જો મોંઘવારીનો દરમાં ઘટાડો થાય અને અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વૃદ્ધિની ગતિ ધીમી પડે કે વિરામ લાગે તો ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં આ સોનું આ પ્રાઇસ ટાર્ગેટ સુધી પહોંચી શકે છે.