કિંમતી પીળી ધાતુ એટલે કે સોનાના ભાવ સતત નવી ઉંચી સપાટીએ પહોંચી રહ્યા છે. સ્થાનિક હાજર બજારની સાથે સાથે વાયદા બજારમાં પણ સોનાએ ઐતિહાસિક ઉંચી ભાવ સપાટી બનાવી છે. સોમવારે ભારતમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX Gold) ખાતે સોનાનો વાયદો પહેલીવાર 61,000 રૂપિયાની સપાટીને સ્પર્શ્યો હતો, જે તેની અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. ભારત સહિત ઓસ્ટ્રેલિયા અને યુકેમાં પણ સોનાના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા.
સોનું નવી ઐતિહાસિક ઉંચાઇએ
વૈશ્વિક મંદીની દહેશતે સોનામાં તેજીનો પવન ફૂંકાયો છે. મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) ખાતે સોનાના વાયદાના ભાવ નવી ઉંચાઇએ પહોંચ્યા હતા. જેમાં પહેલીવાર એમસીએક્સ ગોલ્ડ એપ્રિલ વાયદો 60,000 રૂપિયા અને જૂન વાયદો 61,000 રૂપિયાની સપાટીને કુદાવી ગયા હતા. એમસીએક્સ ગોલ્ડનો એપ્રિલ ફ્યૂચર કોન્ટ્રાક્ટમાં 60,455 રૂપિયા અને જૂન વાયદામાં 61,000 રૂપિયાનું ઓલટાઇમ હાઇ લેવલ બન્યુ છે.
સોમવારે ભારતીય બજારમાં પણ સોનાના હાજર ભાવ રૂ. 61,000 પ્રતિ 10 ગ્રામની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. સાપ્તાહિક ધોરણે સોનામાં 6 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે, જે છેલ્લા સાડા ચાર મહિનાનો સૌથી મોટો ઉછાળો છે.
MCX સોનાનો સ્વર્ણિમ સફર
5 મે 2006: 10,000 રૂપિયા
6 નવેમ્બર, 2010: 20,000 રૂપિયા
1 જૂન, 2012: 30,000 રૂપિયા
3 જાન્યુઆરી, 2020: 40,000 રૂપિયા
22 જુલાઇ 2020: 50,000 રૂપિયા
20 માર્ચ, 2023: 60,000 રૂપિયા

અમદાવાદના ઝવેરી બજારમાં સોનાની કિંમતમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. અમદાવાદમાં સોમવારે 99.9 શુદ્ધ સોનાની કિંમત 300 રૂપિયા ઘટીને 61000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી. તો 99.5 સોનાનો ભાવ 60800 રૂપિયા બોલાયો હતો. નોંધનીય છે કે, ગત શનિવાર 18 માર્ચ, 2023ના રોજ સ્થાનિક ઝવેરી બજારમાં સોનાની કિંમત 61300 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ઉંચી સપાટીને સ્પર્શી હતી. સોનાની પાછળ પાછળ ચાંદી પણ ઘટી હતી. અમદાવાદમાં સોમવારે ચાંદી 500 રૂપિયા સસ્તી થઇ હતી અને 1 કિગ્રા ચાંદીની ભાવ 68500 રૂપિયા થઇ હતી.
માર્ચ મહિનામાં સોનું 3800 અને ચાંદી 4500 રૂપિયા મોંઘા થયા
સોના-ચાંદીના ભાવ વર્ષ 2023ની શરૂઆતથી જ સતત વધી રહ્યા છે. જો માર્ચ મહિનાની વાત કરીયે તો ચાલુ મહિનાના 20 દિવસમાં પ્રતિ 10 ગ્રામ સોનું 3800 રૂપિયા મોંઘુ થયું છે. તો ચાંદી પણ પ્રતિ 1 કિગ્રા દીઠ 4500 રૂપિયા મોંઘી થઇ છે. અમદાવાદના ઝવેરી બજારમાં 28 ફેબ્રુઆરી, 2023ના રોજ પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 57200 રૂપિયા અને પ્રતિ એક કિગ્રા ચાંદીની કિંમત 64,000 રૂપિયા હતી.
ઓસ્ટ્રેલિયામાં પણ સોનાના ભાવ વિક્રમી ઉંચાઇએ પહોંચ્યા
અમેરિકાની બેંકિંગ કટોકટીની દહેશતે દુનિયાભરના શેર બજારોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો રહ્યો છે તો બીજી બાજુ રોકાણેકારોએ સુરક્ષિત રોકાણનો સ્ત્રોત ગણાતા સોના તરફ દોટ મૂકી છે. ભારતની સાથે સાથે ઓસ્ટ્રેલિયા અને યુકેમાં પણ સોનાની કિંમત સર્વોચ્ચ શિખરે પહોંચી ગઇ હતી. ઓસ્ટ્રેલિયામાં સોનાની કિંમત 2922 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી, જેનું એક કારણ અમેરિકન ડોલર સામે ઓસ્ટ્રેલિયન ડોલરના મૂલ્યમાં ધોવાણ છે.

વૈશ્વિક બજારમાં સોનું વર્ષની ટોચે, ભાવ 2000 ડોલરને પાર
વૈશ્વિક બજારમાં સોમવારે સોનાના ભાવ બે વર્ષ બાદ 2000 ડોલરની સપાટીને કુદાવી ગયા હતા. વૈશ્વિક બજારમાં હાજર સોનાનો ભાવ 0.6 ટકા વધીને 2000.37 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાયો હતો.
સોનું હજી મોંઘુ થશે
હાલની નાણાંકીય કટોકટીને ધ્યાનમાં રાખતા સોનું હજી મોંઘુ થવાની પ્રબળ શક્યતા છે. કામા જ્વેલરીના એમડી કોલિન શાહે જણાવ્યું કે, વૈશ્વિક સ્તરે સ્થિતિ સ્પષ્ટ થવામાં થોડોક સમય લાગી શકે છે. દુનિયાભરની મધ્યસ્થ બેંકો તેમનું ગોલ્ડ રિઝર્વ સતત વધારી રહી છે. ઉપરાંત ભારતમાં ગુડી પડવાથી તહેવારોની સિઝન શરૂઆત થઇ રહી છે,જે રિટેલ માંગને ટેકો આપશે. અમારા મતે સોનાના ભાવ નવી ઊંચાઈને સ્પર્શે. ઘરઆંગણે સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 61,000 થી 62,000 રૂપિયાની રેન્જમાં ટ્રેડિંગ કરે તેવી અપેક્ષા છે. તો વૈશ્વિક સ્તરે સોનું 2,050 થી 2100 ડોલર પ્રતિ ટ્રોસ ઔંસની વચ્ચે ટ્રેડ કરી શકે છે.